Sun Oct 04 2026

Logo

સાયન બ્રિજ ઓક્ટોબર અંતમાં ખુલ્લો મુકાશે

2026-09-18 08:23:00
Author: Sapna Desai
સાયન બ્રિજ ઓક્ટોબર અંતમાં ખુલ્લો મુકાશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સાયન રેલવે સ્ટેશન નજીક આવેલા સાયન રેલવે ઓવરબ્રિજનું કામ ૧૫ ઑક્ટોબર, ૨૦૨૬ સુધીમાં પૂર્ણ કરીને તેને ઓક્ટોબર અંતમાં જ  ખુલ્લો મૂકી દેવાનું આયોજન હોવાનું પાલિકાના એડિશનલ કમિશનર અભિજિત બાંગરે જણાવ્યું હતું.

એડિશનલ કમિશનરે ગુરુવારે  બ્રિજની સાઈટનું ઈન્સ્પકેશન કરીને કામની સમીક્ષા કરીને  જરૂરી સૂચનાઓ આપી હતી. મુંબઈ અર્બન ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ (એમયૂટીપી-બે) હેઠળ મધ્ય રેલવે દ્વારા છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી) અને કુર્લા વચ્ચે બે વધારાના રેલવે ટ્રેક (પાંચમી અને છઠ્ઠી ) નાખવાનું આયોજન છે. આ ટ્રેક માટે જગ્યા ઉપલબ્ધ કરાવવા માટે રેલવે પ્રશાસનની જરૂરિયાત અનુસાર સાયન સ્ટેશન નજીક રેલવે પુલનું પુનર્નિર્માણ હાથ ધરવામાં આવ્યું છે.

સાયન બ્રિજ ૧૧૨ વર્ષ જૂનો અને અસુરક્ષિત જાહેર કરવામાં આવતા તેનું પુનર્નિર્માણ કરવું આવશ્યક હતું. રેલવે વિસ્તારની અંદરના મુખ્ય પુલનું પુનર્નિર્માણ રેલવે દ્વારા અને પાલિકાની હદમાં એપ્રોચ રોડનું કામ પાલિકા દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ પુલ પ્રોજેક્ટનો સંપૂર્ણ ખર્ચ રેલવે વિભાગના ભંડોળમાંથી કરવામાં આવી રહ્યો છે. ટેન્ડર મુજબ આ પુલનો પુનર્નિર્માણ સમયગાળો ફેબ્રુઆરી ૨૦૨૭ સુધીનો છે. 

રેલવે ટ્રેક પરથી પસાર થતા ૫૦૦ ટન વજનના પહેલા સટીલ બીમ (ગર્ડર) ના ડેક સ્લેબનું કૉંક્રિટિંગ ૨૧ ઓગસ્ટ, ૨૦૨૬ ના રોજ કરવામાં આવ્યું હતું અને બીજા સ્ટીલ બીમના ડેક સ્લેબનું કૉંક્રિટિંગ ૨૯ ઓગસ્ટ, ૨૦૨૬ ના રોજ મધ્ય રેલવેે દ્વારા કરવામાં આવ્યું હતું.  હાલ બંને બીમના ક્રેશ બેરિયરનું કામ ચાલુ છે. ડેક સ્લેબના કૉંક્રિટ વેઅરિંગ કોટનું કામ પણ ચાલુ છે.

હાલમાં પુલની પશ્ર્ચિમ બાજુએ લાલ બહાદુર શાસ્ત્રી માર્ગથી સંત રોહિદાસ માર્ગ (ધારાવી) સુધીના એપ્રોચ રોડનું બાંધકામ અંતિમ તબક્કામાં છે. ૨૫ ઓગસ્ટ, ૨૦૨૬ થી એપ્રોચ રોડના કામ માટે પુલનો પૂર્વ ભાગ મધ્ય રેલવે પાસેથી પાલિકાને આંશિક રીતે ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. તે મુજબ પાલિકા દ્વારા  પૂર્વીય એપ્રોચ રોડનું કામ હાથ ધરવામાં આવી રહ્યું છે. અન્ય સિમેન્ટ કૉંક્રિટનું કામ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. આ નવા ફ્લાયઓવરમાં ૫૪.૫ મીટરનો સિંગલ સ્પાન અને ૨૯ મીટર પહોળાઈ છે. યોજના મુજબ, પુલ નીચે કોઈ થાંભલો નથી, જે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ અને કુર્લા વચ્ચે પાંચમી અને છઠ્ઠી રેલવે  લાઇનના વિસ્તરણ માટે પૂરતી જગ્યા પૂરી પાડે છે. ઓક્ટોબરમાં આ પુલ ખુલ્લો મુકાયા બાદ સાયન, ધારાવી, કુર્લા અને લાલ બહાદુર શાસ્ત્રી (એલબીએસ) રૂટ પર ટ્રાફિક જામ ઘણી હદ સુધી ઓછો થશે.