મુંબઈઃ આઇપીએલમાં ગુજરાત ટાઇટન્સના સુકાની શુભમન ગિલે આ વખતની સીઝનમાં સેક્નડ-હાઇએસ્ટ 732 રન કર્યા અને આ ટૂર્નામેન્ટ પછી પોતાની ટી-20 કાબેલિયત વિશે સારો સંકેત આપતા કેટલાક નિવેદનો પણ એક ઇન્ટરવ્યૂમાં કર્યા એને પગલે બોર્ડ ઑફ કન્ટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI) તેમ જ સિલેક્શન કમિટી તરફથી તેના માટે કેટલીક સૂચના અને સલાહના રૂપમાં નિવેદનો બહાર આવ્યા છે.
ગિલ જાન્યુઆરી 2023થી ડિસેમ્બર 2025 દરમ્યાન ભારત વતી 36 ટી-20 મૅચ રમ્યો હતો જેમાં તેણે 138.59ના સ્ટ્રાઇક-રેટ સાથે કુલ 869 રન બનાવ્યા હતા. જોકે ડિસેમ્બર 2025 બાદ તેને ભારત વતી ટી-20માં નથી રમવા મળ્યું, પરંતુ તેણે આઇપીએલમાં કુલ મળીને 134 મૅચમાં 4,598 રન બનાવ્યા છે. આ વખતની આઇપીએલમાં તે સર્વોચ્ચ સ્કોરર વૈભવ સૂર્યવંશી (776 રન)થી માત્ર 44 રન પાછળ હતો અને તેણે ગુજરાત ટાઇટન્સની ટીમને ફાઇનલ સુધી પહોંચાડી હતી.
ગિલ ભારતની ટેસ્ટ અને વન-ડે ટીમનો કૅપ્ટન છે તેમ જ તેણે આ બન્ને ફૉર્મેટમાં બૅટ્સમૅન તરીકે પણ સફળ પર્ફોર્મન્સ બતાવવાનો હોય છે. ટી-20ના ભૂતપૂર્વ કૅપ્ટન સૂર્યકુમાર યાદવનો કિસ્સો બધાની સામે જ છે. તેણે ટી-20 ટીમના કૅપ્ટન તરીકે સર્વોત્તમ સફળતા પુરવાર કરી છે, પરંતુ બૅટ્સમૅન તરીકે તે સારું નથી રમી શક્યો. એના પરથી ગિલ (Gill) માટે બીસીસીઆઇની એ સલાહ છે કે તેણે શારીરિક અને માનસિક બોજનો શિકાર ન થઈ જવાય એ માટે માત્ર ટેસ્ટ અને વન-ડે ફૉર્મેટ પર જ બધુ ધ્યાન આપવું.
આ જ કારણ છે કે ગિલને શનિવારે આયરલૅન્ડ અને ઇંગ્લૅન્ડના પ્રવાસ માટેની તેમ જ જાપાનના એશિયન ગેમ્સ માટેની ટી-20 ટીમમાં સ્થાન નથી આપવામાં આવ્યું. બીસીસીઆઇના એક સૂત્રએ પીટીઆઇને કહ્યું, `શુભમન ગિલે 2027ના વર્લ્ડ કપ સુધીમાં 35 વન-ડેમાં અને વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (ડબ્લ્યૂટીસી)ની નવ ટેસ્ટ માટે ફિટ રહેવાનું છે તેમ જ એની ફાઇનલમાં ભારતને પહોંચાડવાનું છે. વાત એકદમ સ્પષ્ટ છે કે તેણે આ બન્ને આઇસીસી ટૂર્નામેન્ટ માટે હંમેશાં સજ્જ રહેવું પડશે.'
ગિલ બાબતમાં બીસીસીઆઇ અને સિલેક્ટરોએ લાંબી રણનીતિ તૈયાર કરી છે જેમાં તેને માટે નિવેદનમાં કહ્યું છે કે ગિલનું બૅટ્સમૅન તરીકેનું પ્રદર્શન ભારતને આગામી ડબ્લ્યૂટીસીની અને વન-ડે વર્લ્ડ કપની ટ્રોફી અપાવી શકે એમ છે.