વડોદરાઃ શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. બિહારમાં રહેતા મિત્રએ આપઘાત કરતાં વડોદરામાં રહેતા તેના બે મિત્રો આઘાત સહન કરી શક્યા નહોતા. માત્ર 24 કલાકની અંદર જ બંનેએ જીવન ટૂંકાવી દીધું હતું. સાચી મિત્રતાનો આવો દર્દનાક અને કરુણ અંત જોઈને સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.
શું છે સમગ્ર મામલો
ગુરુવારે બપોરે મકરપુરા રેલવે સ્ટેશન નજીક 23 વર્ષના એક અજાણ્યા યુવકનું ટ્રેનની અડફેટે આવી જતાં માથું કપાઈ જવાથી કરુણ મોત નીપજ્યું હતું. રેલવે પોલીસે તપાસ શરૂ કરતા આ મૃતક યુવકની ઓળખ 26 વર્ષીય રવિશંકરકુમાર રાજકુમાર પ્રસાદ તરીકે થઈ હતી, જે મૂળ બિહારનો વતની હતો અને હાલ મકરપુરાની જશોદા કોલોનીમાં રહેતો હતો. પોલીસની તપાસમાં થયેલા ખુલાસો ચોંકાવનારો હતો.
રવિશંકરકુમારના પરમ મિત્રનું બિહારમાં અવસાન થયું હતું. મિત્રના મોતથી તે એટલો બધો ભાંગી પડ્યો હતો કે, સતત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર દર્દભરી પોસ્ટ મૂકતો હતો. તે અંતિમ પોસ્ટમાં લખ્યું કે, તેરે પાસ બહુ જલદી આ રહા હું, સબ લોગ મુજે માફ કર દેના, મેરી માતા કા ખ્યાલ કૌન રખેગા. મિત્રના મોતના વિરહમાં જ તેણે ધસમસતી ટ્રેન નીચે ઝંપલાવી દીધું હતું.
રવિશંકરની આત્મહત્યાના આઘાતામાંથી પરિવાર બહાર પણ નહોતો આવ્યો ત્યાં શુક્રવારે સવારે મકરપુરા પોલીસ સ્ટેશનમાં આપઘાતનો વધુ એક કમકમાટીભર્યો કિસ્સો નોંધાયો હતો.જશોદા કોલોનીમાં જ રહેતા 23 વર્ષીય વિકાસ દિનેશભાઈ પ્રસાદ નામના યુવકે સવારે પોતાના ઘરે ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું હતું.
પોલીસે જણાવ્યું કે, ટ્રેન નીચે કચડાઈને જીવ આપનાર રવિશંકર અને વિકાસ બંને પાકા મિત્રો હતા અને મકરપુરા GIDC માં સાથે જ નોકરી કરતા હતા. રવિશંકરના અકાળ અને આઘાતજનક મોતના સમાચાર વિકાસ સહન કરી શક્યો નહીં. પોતાના જિગરી દોસ્તના મોતના ગમમાં વ્યાકુળ થઈને વિકાસે પણ મોતનો રસ્તો પસંદ કરી લીધો. આમ, એક જ મિત્ર મંડળના ત્રણ-ત્રણ આશાસ્પદ યુવાનોના મોતના પગલે શોકનો માહોલ છવાઈ ગયો હતો.
એક જ રૂમમાં સાથે રહેતા બે મિત્રોના એક બાદ એક આપઘાતથી સમગ્ર વિસ્તારમાં સન્નાટો છવાઈ ગયો હતો. પોલીસે આ મામલે મિત્રના વિરહમાં આ પગલું ભર્યું કે અન્ય કોઈ કારણોસર જવાબદાર છે તેની તપાસ શરૂ કરી હતી.
નોંધઃ કોઈપણ વ્યક્તિ જ્યારે માનસિક તણાવ, ડિપ્રેશન અથવા નકારાત્મક વિચારોથી ઘેરાયેલી હોય, ત્યારે તેને યોગ્ય સમયે સચોટ માર્ગદર્શન અને લાગણીશીલ સપોર્ટ મળી રહે તે માટે આત્મહત્યા નિવારણ હેલ્પલાઇન ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ભારતમાં આવી કપરી પરિસ્થિતિમાં મદદરૂપ થવા માટે સરકારી અને બિન-સરકારી સંસ્થાઓ દ્વારા ચોવીસે કલાક (24/7) મફત અને સંપૂર્ણ ગુપ્ત કાઉન્સેલિંગ સેવાઓ પૂરી પાડવામાં આવે છે.
Tele-MANAS (ટેલી-માનસ) – ભારત સરકારની સત્તાવાર સેવાના નંબર: 14416 અથવા 1800-891-4416 પર ફોન કરી શકાય છે. આ ભારત સરકારના આરોગ્ય મંત્રાલય દ્વારા શરૂ કરાયેલી માનસિક સ્વાસ્થ્ય ડિજિટલ સેવા છે. અહીં 24 કલાક મફત કાઉન્સેલિંગ આપવામાં આવે છે અને તમે ગુજરાતી સહિત તમારી પ્રાદેશિક ભાષામાં વાત કરી શકો છો. આ ઉપરાંત વંદ્રેવાલા ફાઉન્ડેશન, આસરા જેવી એનજીઓના હેલ્પલાઈન નંબર પર પણ સંપર્ક કરી શકો છે.