Thu Jun 25 2026

Logo

શરદ જોશી સ્પીકિંગઃ આપણી માટી... આપણા માણસો...

2026-03-11 09:01:00
Author: સંજય છેલ
Article Image

સંજય છેલ

જ્યારે આપણે નવી-આગામી સદીમાં પ્રવેશ કરીશું ત્યારે આપણી પાસે પથ્થરો અને ઈંટો રહી જશે, ચૂનો પણ ઘણો હશે, પણ જેને માટી કહેવી છે તે રહેશે નહીં. આજે મહાનગરોમાં કુંડામાં નાખવા માટે માટી ખરીદવી પડે છે. ઘણા વેપારીઓ માટીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. વર્ષોથી એવું કહેવામાં આવે છે કે માટીની કોઈ કિમત નથી, પણ હવે આ સાચું નથી રહ્યું. માટીની કિમત કુંભારની મજૂરી કરતાં વધારે છે.

આમ તો સરકાર ઘણી બાબતો વિચારે છે અને એને પૂરી કરવાની જાહેરાત કરે છે, પણ એ ક્યારેય પૂરી થતી નથી, પણ જો હાઉસિંગ મિનિસ્ટરના નિવેદનને ગંભીરતાથી લેવામાં આવે તો આપણે નવી સદીમાં પ્રવેશ કરીએ ત્યાં સુધીમાં ભારતમાં એટલા બધાં મકાનો બની જશે કે એમાં ભારતનો દરેક નાગરિક રહી શકશે. 

મતલબ કે બીજી કોઈ પણ પરિસ્થિતિ હોય, તમારા રહેવા માટે ઘર ચોક્કસ હશે. અને જ્યારે સરકારી વિભાગો ઘર કહે છે, ત્યારે એનો અર્થ માટીનું ઘર કે ઘાંસની ઝૂંપડી નથી હોતો. ઘરનો સરકારી અર્થ છે- ઈંટ, સિમેન્ટ, ચૂનો, લોખંડ, લાકડા વગેરેનું બહુમાળી બાંધકામ, જે યોજના મુજબ, મંજૂર થયેલા નકશા મુજબ, કમિશન નક્કી થયા પછી, એન્જિનિયરની દેખરેખ હેઠળ કોન્ટ્રાક્ટરે નફો મેળવીને બનાવ્યું હોય. આ ઘરોમાં લોખંડના પતરાની કે ઘાસની છત નથી હોતી. એમાં ઈંટ, સિમેન્ટની છત હોય છે, જેને લોખંડના ટેકાથી બનાવવામાં આવે છે. આને આધુનિક ઘર કહેવામાં આવે છે.

હવે ભવિષ્યમાં આટલાં ઘરો માટે ઇંટો ક્યાંથી આવશે? સ્વાભાવિક છે કે આપણે આપણા દેશની માટી, જેને આજે ખેતી, જંગલો અને ઘાસ ઉગાડવા માટે વાપરીએ છીએ, એને ખોદીશું અને એમાંથી ઇંટો બનાવીશું. માંગ અને પુરવઠાના નિયમો હેઠળ કામ કરીશું. માટી ઘટતી જશે અને ઇંટો વધતી જશે.

જ્યારે તમે બે મુઠ્ઠી માટીમાંથી એક ઈંટ બનાવી લો ત્યાર પછી એ ઈંટને ફરીથી માટી બનતા હજારો વર્ષો લાગે છે. ઇસવીસન પૂર્વેના સાત હજાર વર્ષ પહેલાં જે માટીને ઈંટના આકારમાં શેકવામાં આવી હતી એ આજ સુધી પાછી માટીમાં ફેરવાય નથી. વર્ષોથી જે લોકો પથ્થર અને માટીના ઘરોમાં લાકડાની કે ઘાસની છત બનાવીને અથવા તંબુમાં રહ્યા છે, એમણે આ વિશ્વ પર મોટો ઉપકાર કર્યો છે કારણ કે એમણે માટીમાંથી ઈંટ બનતા રોકી છે. 

આજની સંસ્કૃતિ અને વિદેશ પ્રવાસ કરતી સરકારો  આવા ઘરોને ઘર નથી માનતી અને આવા જીવનને જીવન નથી માનતી, જ્યાં લોકો ઇંટો વગર ઘર બનાવીને રહે છે. સરકાર હંમેશાં બધાં માટે પાકાં મકાનો બનાવવાની જાહેરાત કરે છે. એમનો ઈરાદો આ દેશની બધી માટીને ખતમ કરવાનો છે. માટીને પૂરી કરવાનો છે.

જોકે ગભરાવાની જરૂર નથી. આપણી માટી પૂરી નહીં થાય. સલામત રહેશે. આપણે આશા રાખવી જોઈએ કે ગરીબી દૂર કરીશું, સમાજવાદ લાવીશું, બધાને શિક્ષણ મળશે, બધે વૃક્ષો વાવીશું, રોગો નાબૂદ કરીશું, ગરીબોને સામાજિક ન્યાય અપાવીશું જેવા સરકારના કેટલાય અધૂરા વચનોની, જેમ સરકારનું આ વચન પણ સરકારી સાબિત થાય એટલે કે અધૂરું રહે, જેથી આ દેશની માટી, જેણે કેટલાય મહાપુરુષોથી લઈને મોટા મોટા ઉદ્યોગપતિઓ અને દાણચોરો પેદા કર્યા છે, એ બધા અમર રહેશે. ઇંટોના રૂપમાં નહીં, પરંતુ શુદ્ધ માટીના રૂપમાં. આ  યુગમાં જ્યાં મનુષ્યની પ્રગતિ ધંધાદારીઓના સ્વાર્થ સાથે જોડાયેલી છે, ત્યાં માટીનું માટી બની રહેવું મુશ્કેલ છે.