Mon Sep 07 2026

Logo

શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે અલાહાબાદ હાઈકોર્ટમાં કરી આગોતરા જામીન માટે અરજી

2026-02-24 14:23:00
Author: Devayat Khatana
શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે અલાહાબાદ હાઈકોર્ટમાં કરી આગોતરા જામીન માટે અરજી

પ્રયાગરાજ: જ્યોતિષપીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી વિરુદ્ધ યૌન શોષણનો મામલો હવે અલાહાબાદ હાઇકોર્ટ સુધી પહોંચી ગયો છે. અલાહાબાદ હાઇકોર્ટમાં શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ આગોતરા જામીનની અરજી દાખલ કરી છે. આ અરજી એડવોકેટ રાજર્ષિ ગુપ્તા, સુધાંશુ કુમાર અને શ્રી પ્રકાશ દ્વારા દાખલ કરવામાં આવી હતી. આ અરજી પર ટૂંક સમયમાં સુનાવણી થવાની અપેક્ષા છે.

આ સમગ્ર વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે તુલસી પીઠાધીશ્વર સ્વામી રામભદ્રાચાર્યના શિષ્ય આશુતોષ બ્રહ્મચારીએ જિલ્લા અદાલતમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા હેઠળ અરજી દાખલ કરી સ્વામી અવિમુક્તેશ્વરાનંદ પર ગંભીર આક્ષેપો કર્યા હતા. આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને રેપ એન્ડ પોક્સો સ્પેશિયલ કોર્ટે ઝૂંસી પોલીસને તાત્કાલિક ગુનો નોંધી તપાસ કરવાનો કડક આદેશ આપ્યો હતો.

કોર્ટના આદેશનું પાલન કરતા પ્રયાગરાજની ઝૂંસી પોલીસે સ્વામી અવિમુક્તેશ્વરાનંદ, તેમના શિષ્ય મુકુંદાનંદ ગિરી અને અન્ય ૨-૩ અજ્ઞાત વ્યક્તિઓ સામે પોક્સો એક્ટની વિવિધ કલમો અને ભારતીય ન્યાય સંહિતાની ગંભીર કલમો હેઠળ FIR નોંધી છે. આ કલમોમાં ૨૦ વર્ષથી લઈને આજીવન કેદ સુધીની સજાની જોગવાઈ છે, જેના કારણે પોલીસ અત્યંત સાવધાનીપૂર્વક દરેક પાસાની તપાસ કરી રહી છે. કાયદાના નિષ્ણાતોના મતે, આટલી ગંભીર કલમો હેઠળ નોંધાયેલા કેસમાં વચગાળાના જામીન મળવા પણ મુશ્કેલ બની શકે છે.