વિઠ્ઠલ વઘાસિયા
‘ઊંચી રહે ઉડાન, સફર રહે આસાન’ આ સરળ વાક્ય નથી, માત્ર પ્રેરણા નથી, પરંતુ જીવનનો એક સોનેરી સિદ્ધાંત છે - જીવનની ફિલોસોફી છે. માણસને સામાન્યમાંથી અસામાન્ય બનવાની દિશામાં ધપાવવા માટેનો ફોર્સ છે. આ વાક્ય આપણને સમજાવે છે કે, જેનું સ્વપ્ન ઊંચું હોય છે, એની સફર ભલે લાંબી હોય, પરંતુ આસાન બની જ જાય છે, કારણ કે ઉડાનની ઊંચાઈ જ આપણી દિશાનું બળ બને છે.
જીવનમાં દરેકને ઉડાન ભરવાની તક મળે છે. કોઈકને નાની, કોઈકને મોટી. પરંતુ જે લોકો પોતાની જાતને તૈયાર રાખે છે, જે લોકો સતત પરિશ્રમ કરે છે અને જે લોકો પોતાના સપનાંની પાંખ ફેલાવતાં રહે છે, તેમને સફળતા મળે છે.
* ઉડાન માત્ર સપનું નથી, એ તો સંકલ્પ છે.
‘ઉડાન ઊંચી રાખો’ એનો અર્થ માત્ર મોટાં સપનાં જોવાં નહીં, પરંતુ તમારા જીવન માટે એવી દૃષ્ટિ વિકસાવો જે તમને રોજ પ્રેરણા આપે. મોટાં સપનાં જોવાં સરળ છે, પણ સાકાર કરવા માટે મક્કમતા, દૃઢ મનોબળ અને સતત મહેનત કરવી જોઈએ.
ઊંચી ઉડાન માટે પ્રથમ શરત છે: ‘આત્મવિશ્વાસ.’ આત્મવિશ્વાસ જીવનનો પ્રાણ છે. વિશ્વાસ જ ના હોય તો સપનાં ક્યાંથી સાકાર થાય? જે વ્યક્તિને પોતાનામાં વિશ્વાસ નથી તે બીજાને કેવી રીતે સાબિતી આપી શકે ? આત્મવિશ્વાસનો અર્થ અહંકાર નથી. આત્મવિશ્વાસનો અર્થ - ‘હું કરી શકું છું.’! બીજા શબ્દોમાં કહેવું હોય તો, ‘આત્મવિશ્વાસ એ પાંખ છે અને સપનું એ આકાશ.’ બેમાંથી કોઈ એક નબળું પડે તો ઉડાન ઊંચી જઈ શકે નહીં.
ઊંચી ઉડાન એટલે મૂલ્યોની ઊંચાઈ. માત્ર સફળતા મેળવવી એ ઉડાન નથી. સફળતા સાથે સંસ્કાર અને મૂલ્યો જળવાય એ જ સાચી ઊંચાઈ છે. માનવતાના મૂલ્યો, સત્યનો માર્ગ, ઈમાનદારી, પરિશ્રમ, સૌજન્ય આ બધા માનવીય મૂલ્યો જાળવણી એ જ સાચી ઊંચાઈ, ખરી ઉડાન !
દરેક ઊંચી ઉડાનની પાછળ પડકારો હોય છે. આ પડકારો જ ઉડાનને મજબૂત બનાવે છે. આકાશ તરફ જોતી ચકલીને પલટતી હવાઓ સામનો કરવો પડે છે. જીવન પણ એવું જ છે.
ઊંચી ઉડાનનું લક્ષ્ય રાખવામાં ક્યારેક મુશ્કેલીઓ, નિષ્ફળતાઓ અને અવરોધો પણ આવી શકે છે, પરંતુ જે વ્યક્તિ પોતાના સંકલ્પ પર અડગ રહે છે, તેના માટે અવરોધો પણ પગથિયાં બની જાય છે. કેટલાક લોકો પડકારોને કારણ બનાવીને અટકી જાય છે, જ્યારે ઊંચી ઉડાન રાખનાર લોકો તો પડકારને પણ પ્રેરણા બનાવીને આગળ વધે છે.
ઊંચી ઉડાન માટે માર્ગ નિયત કરો. ઘણા લોકો ઊંચાં સપનાં તો રાખે છે, પણ એની સફર ક્યાંથી શરૂ કરવી એ નક્કી નથી કરતા. માર્ગ સ્પષ્ટ ન હોય તો સફર આસાન નથી રહેતી. ઉડાન જ મોટી હોય તો માર્ગ પણ પ્રગતિશીલ રાખવો પડે.
ઊંચી ઉડાન માટે સંગત પણ ઊંચી જોઈએ. આપણે જેમની સાથે સમય વ્યતિત કરીએ છીએ, તેમનો પ્રભાવ આપણાં વિચારો અને લક્ષ્ય પર પડે છે. ઊંચી ઉડાન માટે ઊંચા વિચારો ધરાવતા લોકોની સંગત જરૂરી છે. નકારાત્મક સંગત ઉડાનની પાંખ કાપી નાખે છે. ધનાત્મક સંગત ઉડાનમાં ખાસ બળ આપે છે, પ્રાણ પૂરે છે.
ઉડાન ઊંચી રાખવી હોય તો શરીર અને મન બંને તંદુરસ્ત હોવાં જરૂરી છે. યોગ, પ્રાણાયામ, નિયમિત ચાલવું, હળવો વ્યાયામ, સકારાત્મક વિચારો, આધ્યાત્મિકતા જીવન, ધીરજ - આ બધું મળીને આપણાં મનને એવું બળ આપે છે કે, કેટલીય મુશ્કેલી હોય તો પણ મન નબળું નથી પડતું.
સફર આસાન ત્યારે જ બને જ્યારે ઉત્સાહ જીવંત રહે. આ સફર આસાન બનાવવા માટે ઉત્સાહ અને આનંદ ખૂબ જરૂરી છે. જે સફરમાં આનંદ છે, ઉત્સાહ છે, મનનો રંગ છે.
અંતમાં ઊંચી ઉડાન જ યોગ્ય દિશા આપે છે.
આજે આપણા જીવનમાં વ્યક્તિગત, વ્યાવસાયિક, સામાજિક જેવાં અનેક પ્રકારનાં લક્ષ્ય હોય છે, પરંતુ જુદી જુદી જિંદગીઓમાં એક વાત સામાન્ય છે - જે વ્યક્તિ પોતાની ઉડાન ઊંચી રાખે છે એની સફર આસાન થઈ જ જાય છે. જેમની સૌથી ઊંચી ઉડાન એ બને સૌથી આસાન ઉડાન.