Thu Jun 25 2026

Logo

SEBI New Rules: 5 લાખથી વધુ ફોલોઅર્સ ધરાવતા સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર્સ માટે સેબીના નવા નિયમો

2026-06-25 20:22:18
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પર રીચ, એંગ્જમેન્ટ, લાઈક્સ અને ફોલોઅર્સ વધારવા માટે યુવાનો ક્યારેક ખતરો કે ખેલાડી બની જાય છે. આવા કેસમાં જીવનું જોખમ રહે છે તો ક્યારેક કાયદો ભંગ કરી બેસતા મુશ્કેલીમાં પણ મૂકાય છે જેના સૌથી વધારે ફોલોઅર્સ તે સોશિયલ મીડિયા પરનો સેલિબ્રિટી એવું યુવાનો માનતા હોય છે. આ દ્રષ્ટિકોણે જ એક નવી કેટેગરીના સેલિબ્રિટીનું સર્જન કરી દીધું છે. સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅન્સર હવે સેલિબ્રિટીઝ મનાય રહ્યા છે. કારણ કે એમની પાસે મસમોટું પેજ છે અને એના પેજ પર લાખોની સંખ્યામાં ફોલોઅર્સ છે. પણ એમના કન્ટેન્ટની ગુણવત્તા કેવી છે એ પાછો ચર્ચાનો વિષય છે. રિસર્ચ માંગી લે એવો વિષય છે. 

શું છે નવો નિયમ?

સોશિયલ મીડિયા પર મોટી સંખ્યામાં ફોલોઅર્સ ધરાવતા લોકો માટે સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)ની તરફથી કેટલાક નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. સેબીએ હવે જાહેરાત સાથે જોડાયેલા કેટલાક નિયમોમાં ફેરફાર કર્યા છે. આ અંગનો એક પ્રસ્તાવ તૈયાર કરવામાં આવ્યો છે અને તેને રજૂ પણ કરી દેવામાં આવ્યો છે.

આ નવા નિયમ અંતર્ગત જો કોઈ વ્યક્તિ પાસે 5 લાખથી વધારે ફોલોઅર્સ છે અથવા સબસ્ક્રાઈબર છે તો તેને સેલિબ્રિટીની શ્રેણીમાં સામેલ કરવામાં આવશે. સેબીએ તૈયાર કરેલા એક નવા ડ્રાફ્ટ અનુસાર હવે સેલિબ્રિટીની પરિષાભા માત્ર ક્રિકેટર, ખેલાડી, ફિલ્મ સ્ટાર પૂરતી સિમિત નથી. બિઝનેસ આઈકોન, ટીવી એન્કર, રિયાલીટી શૉ અને ડિજિટલ અવતાર જેવા નવા ચહેરાઓને પણ સામેલ કરી દેવામાં આવ્યા છે. સેબીના નવા ડ્રાફ્ટમાં આંતરરાષ્ટ્રીય સ્તર પર દેશનું પ્રતિનિધિત્વ કરનારા ખેલાડીઓને પણ સેલિબ્રિટીનો એક ભાગ માનવામાં આવશે. 

માપદંડ અંગે પણ જાણો

ખાસ કરીને કોમનવેલ્થ, ક્રિકેટ, એશિયન ગેમ્સ જેવી મોટી ટુર્નામેન્ટમાં ભાગ લેનારા ખેલાડીઓ પણ સેલિબ્રિટીની કેટગરીમાં આવશે. આ સિવાય ટીવી હોસ્ટ અને એન્કર પણ સેલિબ્રિટી તરીકે ગણાશે. જેને કોઈ શૉમાં ઓછામાં ઓછા 10 એપિસોડ સુધી કામ કરેલું હશે. ક્વિઝ શૉ, કુકિંગ શૉ, કોમેડી શૉ, ડાન્સ અને ગેમિંગ હરિફાઈના હોસ્ટ પણ આના દાયરામાં આવી જાય છે. માણસ જેવા દેખાતા અને કમ્પ્યુટરની મદદથી તૈયાર કરવામાં આવેલા AI અવતારને પણ સેલિબ્રિટી તરીકે માનવામાં આવશે. 

સેબીના પ્રસ્તાવ અનુસાર કોઈ પણ વ્યક્તિ કે પાત્રને સેલિબ્રિટી માનવા માટે આઠ અલગ અલગ માપદંડ તૈયાર કરવામાં આવ્યા છે. આ માપદંડ અંતર્ગત જો કોઈ એમાંથી કોઈ એક શરત પર બંધ બેસે છે, શરત પૂરી કરે છે તો જાહેરાતના નિયમ અનુસાર એને સેલિબ્રિટી માનવામાં આવશે. આ વાત સામે આવતા હવે કન્ટેન્ટ ક્રિએટરમાં હરિફાઈ ઔર વધી જશે એવું હાલ માનવામાં આવી રહ્યું છે. 

બ્રાન્ડ એન્ડોર્સમેન્ટને સીધી અસર

સેબીના નવા પરિપત્રમાં નવો નિયમ જારી કર્યો છે, જેમાં યુટ્યુબ, ઈન્સ્ટાગ્રામ અને અન્ય સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ સહિત કોઈ એક સોશિયલ મીડિયા પર 5 લાખથી વધારે ફોલોઅર્સ અથવા સબસ્ક્રાઈબર્સ ધરાવતા કોઈ પણ સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅન્સરને હવે સેલિબ્રિટી માનવામાં આવશે. 

આ પ્રકારના બદલાવ તથા તેના માપદંડના આધારે વધુ વ્યક્તિઓ પર સેલિબ્રિટી એન્ડોર્સમેન્ટ નિયમ લાગુ થશે. આનાથી જે તે બ્રાંડની એન્ડોર્સમેન્ટ પ્રક્રિયા પણ પ્રભાવિત થઈ શકે છે. ખાસ કરીને સોશિયલ મીડિયા પર ઈન્ફ્લુઅન્સરને લઈને જાહેરાત આપતી જે તે કંપનીઓને પણ આની એક અસર થશે એવી શક્યતાઓ છે