રાજકોટઃ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સાંઢિયા પુલનું લોકાર્પણ કર્યું હતું. દરરોજ આશરે 70 હજાર થી 1 લાખ જેટલા વાહન બ્રિજ પરથી પસાર થશે. કુલ 74.32 કરોડ રૂપિયાના ખર્ચે સાંઢિયા પુલ નવ નિર્માણ પામ્યો છે. છેલા 2 વર્ષ જેટલા સમયથી સાંઢિયા પુલનું કામ ચાલતું હતું. બ્રિજના લોકાર્પણ બાદ હર્ષ સંઘવીએ ખોડલધામના નરેશ પટેલ સાથે બંધબારણે અડધો કલાક ચર્ચા કરી હતી.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, વર્ષ 2027 વિધાનસભાની ચૂંટણી પૂર્વેની આ બેઠકને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. નરેશ પટેલે આ મુલાકાત અંગે જણાવ્યું કે, રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ચા-પાણી પીવા માટે મારા ઘરે આવ્યા હતા. માત્ર સામાજિક ચર્ચાઓ જ થઈ હતી. આ સિવાય અન્ય કોઈ ચર્ચા નથી થઈ.
હર્ષ સંઘવી જ્યારે નરેશ પટેલના ઘરે પહોંચ્યા ત્યારે તેમને ગળે મળ્યા હતા. નરેશ પટેલે હર્ષ સંઘવીને પુસ્તક ભેટમાં આપ્યું હતું. તેમજ ધારાસભ્ય રમેશ ટીલાળા પણ આ સમયે હાજર હતા. રમેશ ટીલાળાએ જણાવ્યું હતું કે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની એવી ઈચ્છા હતી કે આપણે નરેશભાઈ પટેલના ઘરે શુભેચ્છા મુલાકાત માટે જઈએ. જેથી અહીં તેઓ મળવા આવ્યા હતા. નરેશભાઈની નિવૃત્તિ એ તેમનો વ્યક્તિગત પ્રશ્ન છે અને આ મુલાકાતને હું રાજકીય રીતે જોતો નથી.
સાંઢિયા પુલની વિશેષતા
* 15 માર્ચ 2024ના દિવસે બ્રિજનું કામ ચાલુ થયું હતું
* 13જૂન 2026 ના દિવસે લોકાર્પણ થયું
* બ્રિજની કુલ લંબાઈ 678 મીટર છે
* બ્રિજની કુલ પહોળાઈ 16.40 મીટર છે
* રેલવે ટ્રેકથી ક્લીયર ઊંચાઈ 6.25 મીટર છે
ઉલ્લેખનીય છે કે, નવ નિર્માણ પામેલા સાંઢિયા પુલનું કામ શરૂ થયું ત્યારથી પૂર્ણ થવા સુધીમાં અનેક વિવાદો પણ સામે આવી ચૂક્યા છે