Sun Sep 27 2026

Logo

આઈઆઈટી બોમ્બે વિદ્યાર્થીના આપઘાત મામલે વિરોધઃ આરપીઆઈ (એ) અને ભારત મુક્તિ મોરચાના કાર્યકરોની અટકાયત

2026-09-22 17:53:37
Author: Mumbai Samachar Team
આઈઆઈટી બોમ્બે વિદ્યાર્થીના આપઘાત મામલે વિરોધઃ આરપીઆઈ (એ) અને ભારત મુક્તિ મોરચાના કાર્યકરોની અટકાયત

મુંબઈઃ આઈઆઈટી બોમ્બેના 22 વર્ષીય વિદ્યાર્થી સાહિલ વાકોડેના આપઘાત મામલે મંગળવારે સંસ્થાના મુખ્ય ગેટ બહાર આરપીઆઈ (એ) અને ભારત મુક્તિ મોરચાના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. પોલીસે પરવાનગી વિના એકત્ર થયેલા બંને સંગઠનોના અનેક કાર્યકરોની અટકાયત કરી હતી.

ભારત મુક્તિ મોરચાના કાર્યકરો પ્લેકાર્ડ સાથે આઈઆઈટી બોમ્બેના મુખ્ય ગેટ બહાર પહોંચ્યા હતા અને સાહિલને ન્યાય અપાવવાની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. પ્રદર્શનકારીઓએ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના રાજીનામાની પણ માંગ કરી હતી. પોલીસે તેમને સ્થળ પરથી હટાવીને પોવઈ પોલીસ સ્ટેશન લઈ જઈ અટકાયતમાં લીધા હતા.

થોડા સમય બાદ રામદાસ આઠવલેની આગેવાની હેઠળની આરપીઆઈ (એ) ના કાર્યકરો પણ આઈઆઈટીના ગેટ નજીક પહોંચ્યા હતા. તેમણે સાહિલના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને તેમને પણ ત્યાંથી હટાવી અટકાયત કરી હતી. વિરોધને પગલે કેમ્પસની આસપાસ સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી હતી.

દરમિયાન, કેમ્પસમાં વિદ્યાર્થીઓમાં પણ વિરોધ પ્રદર્શનને લઈને અલગ-અલગ મત જોવા મળ્યા હતા. મિકેનિકલ એન્જિનિયરિંગના વિદ્યાર્થી ઉત્કર્ષ ગંગવારે આઈઆઈટી બોમ્બેમાં જાતિ આધારિત ભેદભાવના આક્ષેપોને નકાર્યા હતા. જોકે, તેમણે કેટલાક વિદ્યાર્થીઓમાં પ્રોફેસર સૂર્યનારાયણ ડુલ્લાની કડક નિયમાવલીને લઈને નારાજગી હોવાનો દાવો કર્યો હતો. તેમના જણાવ્યા મુજબ, સંસ્થાના ડિરેક્ટરે વિદ્યાર્થીઓની 18 મહત્વની માંગણીઓ સ્વીકારી લીધી હોવાથી બહાર ચાલી રહેલા વિરોધની હવે જરૂર નથી.

સાહિલ વાકોડે એનર્જી સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ વિભાગમાં બી ટેકના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. 18 સપ્ટેમ્બરની સાંજે પોવઈ કેમ્પસની હોસ્ટેલના રૂમમાં તે મૃત હાલતમાં મળી આવ્યો હતો. અધિકારીઓના જણાવ્યા મુજબ, મિડ-સેમેસ્ટર પરીક્ષા દરમિયાન ચેટજીપીટીનો ઉપયોગ કરવા માટે મોબાઇલ ફોનનો ઉપયોગ કરતો હોવાનું પકડાયા બાદ આ ઘટના બની હતી.

વિદ્યાર્થીના પરિવારની ફરિયાદના આધારે મુંબઈ પોલીસે પ્રોફેસર સૂર્યનારાયણ ડુલ્લા સામે એસસી/એસટી (પ્રિવેન્શન ઑફ એટ્રોસિટીઝ) એક્ટ અને ભારતીય ન્યાય સંહિતાની કલમ 108 હેઠળ કેસ નોંધ્યો છે. વિદ્યાર્થીઓ અને રાજકીય કાર્યકરોના વિરોધ વચ્ચે આઈઆઈટી બોમ્બેએ સોમવારે ડુલ્લાને ડીન (એડમિનિસ્ટ્રેટિવ અફેર્સ)ના પદ પરથી હટાવ્યા હતા. આ મામલે સોમવારે યુથ કોંગ્રેસના કાર્યકરો દ્વારા પણ આઈઆઈટી બોમ્બે બહાર વિરોધ કરવામાં આવ્યો હતો.