ગાંધીનગરઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે રાજ્યના સૌથી મોટા અને જૂના કોંગ્રેસ પક્ષમાં મહત્ત્વના ફેરફાર થઈ શકે છે. ભાજપના ગઢ ગણાતા ગુજરાતમાં વિરોધી પક્ષ કોંગ્રેસ પોતાના સંગઠનમાં મોટા ફેરફાર કરે એવી પ્રબળ શક્યતાઓ વર્તાઈ રહી છે. રાજસ્થાનના પૂર્વ મુખ્ય પ્રધાન અશોક ગેહલોતને રાજ્યસભામાં મોકલવાની ચર્ચાઓ વચ્ચે હવે ગુજરાતના પ્રભારી બદલાય તેવી અટકળો તેજ થઈ છે. રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે, કોંગ્રેસ હાઈકમાન્ડ યુવાનોમાં ભારે લોકપ્રિયતા ધરાવતા સચિન પાઇલટને ગુજરાતના નવા પ્રભારી તરીકે નિયુક્ત કરી શકે છે. હાલમાં મુકુલ વાસનિક ગુજરાત કોંગ્રેસના પ્રભારી તરીકે કાર્યરત છે.
સચિન પાઇલટના નામની આ ચર્ચા એવા સમયે સામે આવી છે જ્યારે રાજ્યમાં મતદાર યાદીના પુનરીક્ષણનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે અને ટૂંક સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થવાની શક્યતા છે. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણીના સેમીફાઈનલ તરીકે જોવામાં આવી રહી છે. આ સિવાય એવી પણ ચર્ચા છે કે પ્રિયંકા ગાંધી પણ ટૂંક સમયમાં ગુજરાતની મુલાકાતે આવી શકે છે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ અશોક ગેહલોત અને રઘુ શર્મા જેવા રાજસ્થાનના નેતાઓ ગુજરાતના પ્રભારી રહી ચૂક્યા છે. ૨૦૧૭માં જ્યારે કોંગ્રેસે ભાજપને ૯૯ બેઠકો પર રોક્યું હતું, ત્યારે અશોક ગેહલોત જ પ્રભારી હતા.
ગુજરાતમાં 'નવી કોંગ્રેસ' બનાવવાના રાહુલ ગાંધીના નિર્દેશ બાદ પાર્ટીએ અનેક નેતાઓને મેદાનમાં ઉતાર્યા છે. હાલમાં જનરલ સેક્રેટરી મુકુલ વાસનિક સાથે રામકિશન ઓઝા, સુભાષિની યાદવ, દેવેન્દ્ર યાદવ અને બી. વી. શ્રીનિવાસ જેવા ચાર AICC સેક્રેટરી પણ તૈનાત છે.
રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે, જો સચિન પાઇલટને ગુજરાતની કમાન સોંપવામાં આવે, તો તેમની આકર્ષક યુવા નેતાની છબિને કારણે પાર્ટીમાં નવી ઉર્જાનો સંચાર થઈ શકે છે. હાલમાં રાજ્યમાં અમિત ચાવડા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ છે અને ડો. તુષાર ચૌધરી વિધાનસભામાં પક્ષના નેતા છે.
વર્તમાન સ્થિતિએ ગુજરાતમાં કોંગ્રેસ પાસે લોકસભાની ૨૬ બેઠકમાંથી માત્ર ૧ બેઠક છે, જ્યારે ૧૮૨ સભ્યની વિધાનસભામાં માત્ર ૧૨ ધારાસભ્ય છે. આવી કપરી પરિસ્થિતિમાં પક્ષના સંગઠનને મજબૂત કરવા માટે હાઈકમાન્ડ કોઈ મોટો નિર્ણય લે તેવી પૂરેપૂરી સંભાવના છે. ગુજરાતમાં અત્યાર સુધી ગુરુદાસ કામત, રાજીવ સાતવ, અશોક ગેહલોત અને રઘુ શર્મા જેવા દિગ્ગજ નેતાઓ પ્રભારી તરીકે સેવા આપી ચૂક્યા છે.