- વિનોદ ભટ્ટ
કેટલીક વાર બને છે એવું કે વયસ્ક દીકરી માટે લગભગ અડધો ડઝન જેટલા મુરતિયા આંખ સામે હોય ત્યારે એમાંના એકાદને પસંદ કરવામાં ક્ધયાના પિતાને મૂંઝવણ થાય છે. લગભગ એવી જ દશા મારી થઈ હતી, આ પુસ્તકનું શીર્ષક ચૂંટવામાં. જેમ કે ‘શું-શાં પૈસા ચાર’, ‘ભાષાને શું વળગે ભૂર...’, ‘જીવતાં જગતિયું’, ‘ડાબા હાથનો ખેલ’, ‘નામમાં શું બળ્યું છે?’, ‘વિવેચક: એ પણ સર્જક છે? - હમ ભી ડીચ?’ અને ‘સાભાર પરત!’
પાંચસો વર્ષ અગાઉ ગુજરાતી ભાષાની કિંમત પાંચિયા - પાંચ પૈસા જેટલી પણ ન હતી, ફક્ત ચાર પૈસા હતી. આજે તો એ સાવ બાપડી થઈ ગઈ છે. દસમા ધોરણમાં આ વર્ષે લગભગ અઢી લાખ છોકરા ગુજરાતી વિષયમાં નાપાસ થયા. જોકે અંગ્રેજી માધ્યમમાં ભણતાં બાળકોને એ પણ ખબર નથી કે સ્કૂલનું ગુજરાતી ‘નિશાળ’ થાય. અને શું-શાં પૈસા ચાર એટલે શું એની તો: ગુજરાતી વિષય ભણાવતા શિક્ષકનેય જાણ નહીં હોય! એમ તો ‘મધ્યયુગ’ અને ‘મદ્યયુગ’ એ બે વચ્ચેના ભેદનીય શિક્ષકોને કદાચ ખબર નથી.
હવે મદ્યયુગની નહીં પણ મધ્યયુગની વાત કરીએ તો એ યુગમાં ફારસી અને ઉર્દૂ ભાષાના નામના સિક્કા પડતા. એ બંનેનો જબરો ઠાઠ હતો. આ કારણે એવી કહેવત ચલણમાં હતી કે ‘અબે તબેકા સોલહ આના, ઇકડમ તિકડમ આઠ (મરાઠી ભાષાનો ભાવ આઠઆના), અઠે કઠેકા ચાર હી આના (મારવાડી ભાષાની કિંમત), શું-શાં પૈસા ચાર!’ ગુજરાતી ભાષાની કિંમત ઓછી, કેવળ ચાર પૈસા ગણાતી એ સમયમાં. હવે તો રૂપિયો પણ ગગડવા માંડ્યો છે.
રૂપિયો ખુદ ગરીબ થઈ ગયો છે, એટલે પછી થયું કે પાવલીની પેઠે રૂપિયો પણ ચલણમાંથી બરતરફ થઈ જાય એ પહેલાં મારે તેને શીર્ષક લેખે નિવૃત્ત કરી દેવો જોઈએ. આ ટાઇટલ રદ કરી નાખ્યું... ‘ભાષાને શું વળગે ભૂર...’ રાખીએ તો કોઈ વિવેચક ધમકાવીને કહેશે કે ટાઇટલમાં જ ભૂલ છે. ભૂર નહીં, ભૂત જોઈએ. વિવેચકો જ જ્યાં ભૂર અને ભૂત વચ્ચે ફાંફે ચડી જતા હોય ત્યાં સામાન્ય વાચકના પલ્લે આ ટાઇટલ કેવી રીતે પડવાનું! એટલે પછી એ નામ પર ચોકડી મારી દીધી... નામમાં શું બળ્યું છે? - એ તો નામ બોળાય ત્યારે જ સમજાય એવું છે. આમ જોવા જઈએ તો આ પુસ્તક નામ મેળવવા કાજે લખ્યું છે એટલે શીર્ષકમાં લખું કે નામની મને લેશમાત્ર પડી નથી, નામમાં શું બળ્યું છે? તો એ કેવળ દંભ ગણાય. આ દંભ ઢાંકવા આ શીર્ષક રદ કરવું પડ્યું.
દંભ ઢાંકવા માણસે શું શું કરવું પડે છે! કવિ રવીન્દ્રનાથ ટાગોરે વિવેચકો માટે મોટા ભાગે ખીજમાં કહ્યું છે કે વિવેચક એટલે કમળવનમાં કુહાડી લઈને ફરનાર કઠિયારો. જોકે કવિવર ટાગોર મોટા ગજાના કવિ હોવાને કારણે એ નાની વાત ભૂલી ગયા લાગે છે કે કઠિયારા તેમ જ કુહાડી બંનેનો ધર્મ જ કાપવાનો છે. દરિયામાં રહેવું ને મગરમચ્છ જોડે વેર! - શાણા માણસને એ ન પરવડે, એટલે આ શીર્ષક પર મોટી ચોકડી... ‘જીવતાં જુગતિયું’ - આ ટાઇટલ ફાફડું છે. અંગ્રેજી કે બીજી કોઈ પણ વિદેશી ભાષા ગમે તેટલી સમૃદ્ધ હશે, પણ તેમાં જીવતાં જગતિયું જેવો મૌલિક, તળપદો ને ચોટડૂક શબ્દ શોધ્યો નહીં જડે.
આ શબ્દ, અલબત્ત, થોડો નહીં, ઘણો કટ્ટરવાદી ગણાય. પણ અહીં મુસીબત એ છે કે જે માણસને પોતાના કુંટુબના સભ્યોમાં ઓછો વિશ્ર્વાસ હોય એવા લોકો કોને આપ્યું ને કોણ રહી ગયું એની ભાંજગડમાંથી ચિંતામુક્ત થવા પોતાની હયાતીમાં જ ‘જીવતાં જગતિયું’ કરી નાખે છે ને ખુદના બારમાં-તેરમાનું પ્રેતભોજન પણ જમે છે. એટલે કોઈનું ટાઇટલ ક્લિયર કરવાની મગજમારીમાં આપણે નથી પડવું. હા, મૃતાત્માના નહીં જીવાત્માના અહંને સંતોસવા આ શીર્ષક હેઠળ એક લેખ કર્યો છે ખરો... ‘ડાબા હાથનો ખેલ’ - જમણા હાથે લખીએ કે ડાબા હાથે, પણ લેખન આમ તો ડાબા હાથનો જ ખેલ હોય છે!
ટકાઉ, દીર્ઘકાલીન સર્જન ભાગ્યે જ સર્જાતું હોય છે, એટલે પછી વિચાર્યું કે આપણે ઊઠીને આપણા સર્જનને ડાબા હાથનો ખેલ શા માટે કહેવું? - એવું બધું કહેતા વિવેચકો બાર વરસના બેઠા છે. (ચોખવટ: ‘વિવેચકો બાર વરસના બેઠા છે’ એવું લખવાનો અર્થ રખે એવો કાઢતા કે વિવેચકો કાયમ માટે સગીર હોય છે.) સર્જકોએ વિવેચકો પર શ્રદ્ધા નહીં તો વિશ્ર્વાસ રાખવાની ટેવ કેળવવી જોઈએ. આ શીર્ષકમાં તો સાલું ‘એક કા તીન’ જેવું પણ લાગે છે એટલે ડાબા હાથના ખેલને આડા હાથે મૂકી દઈએ છીએ.
અને હવે તો એક જ શીર્ષક બચ્યું -‘સાભાર પરત!’ આ શબ્દો સાહિત્ય સિવાય બીજે ક્યાંય વપરાતા નથી, વ્યવહારમાં તો ક્યારેય પણ નહીં. પત્નીથી ત્રાસેલો પતિ પણ શ્ર્વસુર પાસે જઈ રડમસ ચહેરે કહેતો નથી કે ‘લો આ તમારી વહાલના દરિયા જેવી દીકરી, મારો સંસાર તેણે ખારો કરી નાખ્યો છે. તેને હું સાભાર પરત કરવા આવ્યો છું.’
જોકે સર્જકો માટે આ શબ્દ એકદમ અળખામણો છે ને સામયિકો તેમ જ અખબારોના તંત્રી-સંપાદકોને ડાયાબિટીસ થયો હોય તો પણ ગળ્યો મધ જેવો લાગતો હોય છે. મોટા-મોટા સર્જકોને પણ ‘સાભાર પરત’નો સામનો કરવો પડ્યો છે.
લગભગ સાતેક દાયકા જેટલો જૂનો આ કિસ્સો છે. આપણે જાણીએ છીએ કે જાહેરખબર એ તો કોઈ પણ અખબાર માટે કરોડરજ્જુ સમાન છે. એ દિવસોમાં ‘પ્રજાબંધુ’ની આબરૂ, ખાનદાની ઘણી ઊંચી હતી. એ દિવસોમાં નાનાં-મોટાં છાપાં જાહેરખબરો ઉસેટવા દિવાળીટાણે દળદાર અંકો પ્રગટ કરતાં. ‘પ્રજાબંધુ’ના દિવાળી અંક માટે કોઈ એક શ્રીમંત વેપારીએ પોતાની એક કવિતા મોકલી. એની જોડે પોતાની કંપનીની એક જાહેર ખબર પણ બીડી. સાથેના પત્રમાં ચોખ્ખું લખ્યું કે ‘જો તમે ‘પ્રજાબંધુ’માં મારી કવિતા છાપવાના હો તો જ મારી જાહેરખબર પ્રગટ કરજો.’ ‘પ્રજાબંધુ’નાં તંત્રી ઇન્દ્રવદન ઠાકોરે જાહેરખબર પોતાના ટેબલ પર રાખતાં કવિતા અંગેનો અભિપ્રાય સહતંત્રી ચુનીલાલ વર્ધમાન શાહ (‘વર કે પર’ પુસ્તકના લેખક) પાસે માગ્યો.
ચુનીલાલે કવિતા માટે સારો અભિપ્રાય આપતાં જણાવ્યું કે કાવ્ય સારું છે. છાપી શકાય... એટલે તંત્રી ઇન્દ્રવદન ઠાકોર-ભૂરુભાઈએ કવિતા છાપવા માટે રાખીને, જાહેરાત સાભાર પરત કરી, સાથે જણાવી દીધું લક્ષ્મીનંદન શેઠને કે ‘અમે શરતી જાહેરખબર નથી છાપતાં.’ ઇન્દ્રવદન ઠાકોરની જગ્યાએ જો આજનો કોઈ અખબારવાળો હોય તો જાહેરખબર પહેલા પાને છાપે. કવિતા અંદરના પાને ખૂણામાં છાપી બંન્નેનું બિલ મોકલી આપશે- ટૂંકમાં કવિતાય જાહેરખબરના ભાવે છાપી નાખશે. - ધંધો કોને કહ્યો છે!
સાભાર પરતની વાત આગળ વધારીએ તો આપણા સમર્થ વાર્તાકાર ‘ધૂમકેતુ’એ તો નોંધ્યું છે કે તેઓ કોઈ મૅગેઝિનને ‘ધૂમકેતુ’ ઉપનામથી વાર્તા મોકલતા ત્યારે મૅગેઝિનના તંત્રી યા સંપાદક એ વાર્તા વાંચ્યા વગર જ છાપી નાખતા કે અખતરા લેખે પોતાના અસલ નામ ગૌરીશંકર જોશીના નામે મોકલતા, તો એ વાંચ્યા વગર જ સાભાર પરત કરી દેતા! ‘ધૂમકેતુ’ કંઈ રાતોરાત ‘ધૂમકેતુ’ નહોતા બન્યા, એ માટે તેમને ઘણો સંઘર્ષ વેઠવો પડેલો.
આપણા આ ‘ધૂમકેતુ’ પોસ્ટખાતામાં નોકરી માટે ઇન્ટરવ્યૂ આપવા ગયા ત્યારે તેઓ ગુજરાતીમાં નાપાસ થયા હતા! તેમને ગુજરાતીમાં શ્રુતલેખન લખાવવામાં આવ્યું! એ સમયમાં ગુજરાતી ભાષાના સાક્ષર એવા નરસિંહરાવ દિવેટિયા અને કવિ ન્હાનાલાલનું ‘હ’કારવાળું ગુજરાતી શ્રેષ્ઠ અને પ્રભાવી ગણાતું, એટલે પરીક્ષકને છક કરી દેવાની નેમથી તેમણે ‘મ્હને’ અને ‘ત્હને’ જેવા ગુજરાતીમાં શ્રુતલેખન લખ્યું ત્યારે નિરીક્ષકે તેમન ટકોર કરી કે આને તો ગુજરાતી લખતાંય નથી આવડતું, પરિણામે એ વિષયમાં તેમને નાપાસ કર્યા ને તેમને પોસ્ટખાતામાં નોકરી ન મળી. એ જોકે એક રીતે ઘણું સારું થયું - આપણને ‘પોસ્ટઑફિસ’ જેવી અદ્ભુત વાર્તા મળી.
આજની પેઢીના ફેસબુકિયા ને વ્હૉટ્સેપિયા યુવાનને તો કદાચ ખબર પણ નહીં હોય કે ‘ગ્રંથ’ના તંત્રી મુ. સ્વ. યશવંત દોશીના પ્રેમાગ્રહને કારણે એક પુસ્તક સાહિત્યિક હાસ્યનિબંધો લખવાનું બન્યું હતું, પરિણામસ્વરૂપ ‘ગ્રંથની ગરબડ’ પુસ્તક 1983માં પ્રગટ થયેલું, એ વાતને આજે 43 વર્ષનાં વહાણાં વાઈ ગયાં. એ વખતના તંત્રી- સંપાદકો, લેખક શું લખે છે એ કરતાં તેણે કેવું લખવું જોઈએ એનાં પર ખાસ નજર રાખતા. મારાં કેટલાંક પુસ્તકો, મુ. સ્વ. બચુભાઈ રાવત, સ્વ. હરીન્દ્ર દવે, સ્વ. હરકિસન મહેતા, સ્વ. યશવંત દોશી, સ્વ. ઘનશ્યામ દેસાઈ વગેરે ઉપરાંત ભાઈ ભરત ઘેલાણી અને દીપક દોશી જેવા સન્મિત્રોના સ્નેહભાવને કારણે લખી શકાયા છે એનો અહીં આનંદ પ્રગટ કરું છું.
આ ‘સાભાર પરત!’ પુસ્તકમાં સાહિત્યને આંખ સામે રાખીને લખાયેલા હાસ્યનિબંધો છે. એમના વિશે વધારે તો હું શું કહેવાનો!