Wed Jun 17 2026

Logo

અમદાવાદનો આ રોડ બની રહ્યો છે અકસ્માત ઝોન, 9 વર્ષમાં ટ્રાફિકામાં 271 ટકાનો વધારો

2026-02-17 09:22:48
Author: Mayur Patel
Article Image

અમદાવાદઃ શહેરના સરખેજ-ગાંધીનગર (એસ.જી) રોડ પર દિન પ્રતિદિન વાહનોની સંખ્યા વધી રહી છે. એક સમયે અમદાવાદના વિકાસના પ્રવેશદ્વાર તરીકે ઓળખાતો એસ. જી. રોડ ધીમે ધીમે વધતા જતા વાહનોના બોજ હેઠળ દબાઈ રહ્યો છે. NHAI હસ્તકના આ કોરિડોર પર દૈનિક ટ્રાફિક 2017માં 27,178 વાહનોથી વધીને 2025માં 1,00,870 પર પહોંચી ગયો છે. આ રોડ પર 271 ટકાનો વધારો થયો છે. જે શહેરના અન્ય મુખ્ય માર્ગોની સરખામણીએ ઘણો વધારે છે. આ ઉપરાંત આ રોડ અકસ્માત ઝોન પણ બની રહ્યો છે.

એસ.જી. રોડ પરથી રોજના આટલી પેસેન્જર કાર થાય છે પસાર

આ સમયગાળા દરમિયાન અમદાવાદ-મહેસાણા હાઈવે પર 74.85 ટકા, અમદાવાદ-રાજકોટ રોડ પર 53.44 ટકાનો વધારો નોંધાયો હતો. એસ.જી. રોડ પર દરરોજ 1.05 લાખથી વધારે પેસેન્જર કાર પસાર થાય છે. જેના કારણે તે શહેરના સૌથી ભીડભાડવાળા રોડ પૈકીનો એક છે. 

અકસ્માતની સંખ્યા પણ વધી

વધતા ટ્રાફિકના કારણે આ રોડ પર અકસ્માતની સંખ્યા પણ વધી છે. EMRI 108 ના 2025ના ડેટા મુજબ, અમદાવાદના 10 સૌથી ખતરનાક અકસ્માત હોટસ્પોટ્સમાંથી 5 એસ.જી.રોડ પર અથવા તેની નજીક આવેલા છે.

અકસ્માતના મુખ્ય હોટસ્પોટ્સ

  • પ્રહલાદનગર ગાર્ડન: 499 ઈમરજન્સી કોલ્સ
  • ગોતા: 498 ઈમરજન્સી કોલ્સ
  • બોડકદેવ: 478 ઈમરજન્સી કોલ્સ
  • વૈષ્ણોદેવી સર્કલ: 444 ઈમરજન્સી કોલ્સ
  • સોલા સિવિલ હોસ્પિટલ: 373 ઈમરજન્સી કોલ્સ

સૂત્રોએ જણાવ્યું હતું કે, વાહનોની વિશાળ સંખ્યા અને ટ્રાફિકની જટિલ પેટર્નને જોતાં, એસ.જી. રોડ પર માર્ગ અકસ્માતના કિસ્સાઓ પ્રમાણમાં વધુ છે.  શહેરમાં નોંધાતા દર 10 માર્ગ અકસ્માતોમાંથી એક અકસ્માત માત્ર એસ.જી. રોડ કોરિડોર પર થાય છે.

સૂત્રોએ કહ્યું કે, ઈન્ફ્રાસ્ટ્રક્ચર આ ગતિ સાથે તાલ મિલાવવામાં સંઘર્ષ કરી રહ્યું છે. એસ.જી. રોડ પર ટ્રાફિકનું પ્રમાણ અગાઉના અંદાજો કરતા ઘણું વધારે વધી ગયું છે. જોકે ગુજરાત સરકાર અને કેન્દ્ર બંનેએ નવા ફ્લાયઓવર અને અંડરપાસમાં મોટું રોકાણ કર્યું છે, તેમ છતાં ટ્રાફિક અનેકગણો વધી ગયો છે. ટ્રાફિકને ધ્યાનમાં રાખીને સરખેજથી ચિલોડા સુધી અવિરત મુસાફરી સુનિશ્ચિત કરવા માટે એક એલિવેટેડ કોરિડોર અને ત્રણ નવા બ્રિજ બનાવવાનું કામ પણ પ્રગતિમાં છે.

ઉલ્લેખનીય છે કે આ રોડ પર 2023માં ઈસ્કોન બ્રિજ કાંડ બન્યો હતો. જેમાં તથ્ય પટેલે પૂરઝડપે કાર હંકારીને 9 લોકોનાં ભોગ લીધા હતા.