Wed Aug 26 2026

Logo

રોહિત શર્માને પદ્મશ્રી પુરસ્કાર અર્પણ, રાષ્ટ્રપતિએ કર્યું સન્માન

2026-06-23 20:05:12
Author: Ajay Motiwala
રોહિત શર્માને પદ્મશ્રી પુરસ્કાર અર્પણ, રાષ્ટ્રપતિએ કર્યું સન્માન

PTI


નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટના દિગ્ગજ બૅટ્સમૅન અને ભૂતપૂર્વ કૅપ્ટન રોહિત શર્મા (Rohit Sharma)ને મંગળવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કર્યો હતો. 2024ના ટી-20 વર્લ્ડ કપમાં રોહિતના સુકાનમાં ટીમ ઇન્ડિયાએ ટી-20નો વર્લ્ડ કપ જીતી લીધો હતો. આ પહેલાં, રોહિતે ટીમ ઇન્ડિયાને અનેક મૅચો અને સિરીઝો જિતાડી હતી.

રોહિતને શાનદાર નેતૃત્વ તેમ જ બૅટ્સમૅન તરીકેની ઉપલબ્ધિઓ બદલ આ પ્રતિષ્ઠિત પુરસ્કાર (Award)થી નવાજવામાં આવ્યો છે. રોહિતની સાથે ટેનિસ લેજન્ડ વિજય અમૃતરાજને `પદ્મભૂષણ' પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

રોહિત 39 વર્ષનો છે. તેણે 2007થી 2026 સુધીની 19 વર્ષની શાનદાર કરીઅરમાં કુલ 500 જેટલી આંતરરાષ્ટ્રીય મૅચમાં 20,500 જેટલા રન બનાવ્યા છે. 2013ની ચૅમ્પિયન્સ ટ્રોફી ભારતે જીતી લીધી હતી અને રોહિત એ ટીમમાં હતો. 2023ના વન-ડે વર્લ્ડ કપમાં તેના નેતૃત્વમાં ભારત રનર-અપ બન્યું હતું.

PTI

મે મહિનામાં ભારતની મહિલા ટીમની કૅપ્ટન હરમનપ્રીત કૌરને પણ પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી હતી. જાન્યુઆરીમાં પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી હતી અને ઍથ્લીટો તથા ખેલાડીઓની ઉપલબ્ધિ મુજબ તેમ જ રાષ્ટ્રપતિનાં શેડ્યૂલને આધારે તેમને પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા છે.