Thu Aug 20 2026

Logo

6, 4, 6, 4, 6, 4, 6, 4, 6, 4, 6, 4, 6...આ છે જાણીતા ક્રિકેટર-પુત્રના કેટલાક સ્કોરિંગ શૉટની ઝલક

TonTon   2026-08-12 18:23:00
Author: Ajay Motiwala
Article Image

Lancashire Cricket/X


ટૉન્ટનઃ ક્રિકેટમાં `બાપ તેવો બેટો' એવી કહેવત સાચી પાડતા ઘણા કિસ્સા આપણે જોઈ ગયા, પણ `બાપથી બેટો સવાયો' એવું ભાગ્યે જ જોવા મળતું હોય છે અને ઇંગ્લૅન્ડના ફ્લિન્ટૉફ પરિવારના કિસ્સામાં આવું જોવા મળ્યું છે. વાત એવી છે કે ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ ઑલરાઉન્ડર ઍન્ડ્રયુ ફ્લિન્ટૉફનો 18 વર્ષીય દીકરો રૉકી ફ્લિન્ટૉફ (Rocky Flintoff) આજ-કાલ ક્રિકેટના મેદાન પર ધમાલ મચાવી રહ્યો છે.

ઇંગ્લૅન્ડમાં રૉયલ લંડન વન-ડે કપ ટૂર્નામેન્ટ ચાલી રહી છે જેમાં મંગળવારે લૅન્કેશર (50 ઓવરમાં 6/443)ની ટીમે સમરસેટ (39.2 ઓવરમાં 10/269)ની ટીમને 174 રનથી પરાજિત કરી હતી.

લૅન્કેશર (Lancashire)ના ઓપનર કીટૉન જેનિંગ્સે 127 બૉલમાં સાત છગ્ગા અને 15 ચોગ્ગાની મદદથી 127 બૉલમાં 156 રન બનાવ્યા હતા. તેણે લૅન્કેશરને જીતનો મજબૂત પાયો નાખી આપ્યો હતો, પરંતુ સ્ટાર-પુત્ર રૉકી ફ્લિન્ટૉફનો પર્ફોર્મન્સ તેના કરતાં પણ ધમાકેદાર હતો. રૉકી ફ્લિન્ટૉફે માત્ર 76 બૉલમાં સાત છગ્ગા અને દસ ચોગ્ગાની મદદથી 123 રન બનાવ્યા હતા. તેણે માત્ર 65 બૉલમાં 100 રન પૂરા કર્યા હતા. તેણે આ વન-ડે મૅચમાં ટી-20 સ્ટાઇલથી રમીને સમરસેટના બોલર્સની જબરી ધુલાઈ કરી હતી. હરીફ ટીમના ખેલાડીઓ તેમ જ પ્રેક્ષકો રૉકીની આતશબાજી જોઈને સ્તબ્ધ થઈ ગયા હતા. તે પાંચમા ક્રમે બૅટિંગમાં આવ્યો હતો ત્યારે પચીસ કરતાં પણ વધુ ઓવર બાકી હતી, પણ તેણે શરૂઆતથી જ ફટકાબાજી કરી હતી અને 123 રનની ઇનિંગ્સમાં સાત છગ્ગા તથા દસ ચોગ્ગા ફટકાર્યા હતા. તેનો સ્ટ્રાઇક-રેટ (દર 100 બૉલદીઠ રન) 161.84 હતો.

રૉકી ફ્લિન્ટૉફે કુલ 17 મોટા સ્કોરિંગ શૉટ (સાત સિક્સર, દસ ફોર) માર્યા હતા જેની એક ઝલક આ મુજબ હતીઃ 6, 4, 6, 4, 6, 4, 6, 4, 6, 4, 6, 4, 6...

ઉલ્લેખનીય છે કે પેસ બોલિંગ ઑલરાઉન્ડર ઍન્ડ્રયુ ફ્લિન્ટૉફે ઇંગ્લૅન્ડ વતી 79 ટેસ્ટમાં 3,845 રન બનાવ્યા હતા તેમ જ 226 વિકેટ લીધી હતી. તેણે 141 વન-ડેમાં 3,394 રન બનાવવા ઉપરાંત 169 વિકેટ પણ લીધી હતી. તે સાત ટી-20 મૅચ પણ રમ્યો હતો જેમાં તેના નામે 76 રન અને પાંચ વિકેટ છે. ઇંગ્લૅન્ડ વતી તે છેલ્લી ટેસ્ટ 2009માં રમ્યો હતો. ત્યાર પછી તેણે બૉક્સિંગમાં નસીબ અજમાવ્યું હતું.