ઉનાળાની કાળઝાળ ગરમીમાં ફ્રિજનું પાણી ગળાને નુકસાન કરી શકે છે, જ્યારે માટલાનું પાણી સ્વાસ્થ્ય માટે અમૃત સમાન માનવામાં આવે છે. બજારમાં મળતા લાલ અને કાળા માટલા વચ્ચે કયુ શ્રેષ્ઠ છે અને પાણીને બરફ જેવું ઠંડું કેવી રીતે કરવું. ચાલો જોઈએ આખરે લાલ કે કાળા રંગના માટલામાંથી કયા માટલામાંથી પાણી પીવું વધારે હિતાવહ છે અને કયા માટલામાં પાણી વધારે ઠરે છે.
બજારમાં રેડ અને બ્લેક એમ બે કલરના માટલા મળે છે. આવી સ્થિતિમાં તમને પણ સવાલ થાય એ સ્વાભાવિક છે કે આખરે બંનેમાંથી કયા રંગનું માટલું વધારે લાભદાયી છે અને કયા પ્રકારના માટલામાં પાણી એકદમ ફ્રિજ જેવું ઠંડુ પાણી રહેશે?
*લાલ માટલું:*
બજારમાં મળતા લાલ માટલાંની માટી વધુ છિદ્રાળુ હોય છે. વિજ્ઞાન મુજબ, જેટલા છિદ્રો વધુ, તેટલું બાષ્પીભવન ઝડપી અને પાણી વધુ ઠંડું. જો તમારે ફ્રિજ જેવું ઠંડું પાણી જોઈતું હોય, તો લાલ માટલું શ્રેષ્ઠ પસંદગી છે.
*કાળું માટલું:*
વાત કરીએ બજારમાં મળતા કાળા માટલાની તો આ માટલું ખૂબ જ મજબૂત હોય છે. કાળા માટલાને ઓક્સિજન વગરની ભઠ્ઠીમાં પકવવામાં આવે છે, જે તેને લાલ માટલા કરતા વધુ મજબૂત બનાવે છે. જોકે, તેમાં બાષ્પીભવનની પ્રક્રિયા થોડી ધીમી હોય છે, તેથી પાણી લાલ માટલા જેટલું ઠંડું થતું નથી.
*પાણીને બરફ જેવું ઠંડું કરવાનો 'દેશી જુગાડ'*
માટલામાં રહેલાં પાણીને ઠંડું રાખવા માટે માટલાની આસપાસ એક સુતરાઉ (કોટન) કાપડ ભીનું કરીને લપેટી દો. જેમ જેમ બહારની હવા આ ભીના કાપડને અડશે, તેમ બાષ્પીભવનની પ્રક્રિયા તેજ થશે અને અંદરનું પાણી એકદમ ઠંડું થઈ જશે. આ સિવાય માટલાને હંમેશા હવાદાર જગ્યાએ રાખો, જેથી હવાના સંપર્કથી ઠંડક જળવાઈ રહે.
*માટલાનું પાણી પીવાના ફાયદા*
*એસિડિટીમાં રાહત:* માટી કુદરતી રીતે અલ્કલાઇન (Alkaline) હોય છે, જે શરીરના pH લેવલને સંતુલિત કરી એસિડિટી ઘટાડે છે.
*ગળા માટે સુરક્ષિત:* ફ્રિજનું પાણી ગળું પકડી લે છે, જ્યારે માટલાનું પાણી ગળાની ખરાશ કે શરદી-ખાંસીના દર્દીઓ માટે પણ સુરક્ષિત છે.
*મેટાબોલિઝમ:* આ પાણી પીવાથી પાચનશક્તિ અને મેટાબોલિઝમ સુધરે છે.