Sun Mar 08 2026

Logo

મુખ્બિરે ઈસ્લામઃ શું કુરાન શરીફ વિશેની આ માહિતીથી વાચકો પરિચિત છે ખરાં?

1 week ago
Author: Mumbai Samachar Team
Article Image

અનવર વલિયાણી

કુરાન શરીફ અલ્લાહની વાણી છે અને તે જમાનાના આખરી પયગંબર હઝરત મુહંમદ સલ્લલ્લાહો અલયહે વસલ્લમ (સ.અ.વ.) પર 24 વર્ષના સમય દરમિયાનન કટકે કટકે નાઝિલ (અવતરી) છે. જેમ આપણે ગયા લેખમાં સૂરહ યાસીનની ફઝિલત (કૃપા - બરકત)થી પરિચિત થયા તેમ હવે આપણે કુરાન શરીફ વિશે જાણવા જેવી કેટલીક મહત્ત્વની માહિતીથી પરિચિત થશું. 

અત્રે એ નોંધનીય બની રહેવા પામશે કે બિન મુસ્લિમો તો ઠીક પરંતુ ઈસ્લામી ફીરકાની કેટલીક જામત અરબી અને ઉર્દૂ ભાષાની અજ્ઞાનતા અથવા એ તરફની ઉદાસીનતાના કારણે કુરાનના અભ્યાસથી સંપૂર્ણ અજાણ છે જે દુ:ખદ છે. ખાસ કરીને આવા અજ્ઞાન વાચકોને કુરાન વિશેની આ માહિતી ઘણી જ ઉપયોગી અને તેના પર અમલ કરવાની પ્રેરણા પૂરી પાડનારી બની રહેવા પામશે:

* કુરાને કરીમ ‘બે’થી શરૂ થાય છે એટલે કે ગુજરાતીનો ‘બ’ શબ્દ અને ‘સીન’ એટલે કે ‘સ’ શબ્દ પર ખતમ થાય છે. અર્થાત્ ‘બસ હવે કુરાન સંપૂર્ણ થઈ ગયું, પૂરું થઈ ગયું. હવે પછી કોઈ કિતાબ કે પયગંબર આવવાનો નથી.

* સૂરએ બકરહમાં મોમીનો પર રોઝા ફર્ઝ કરેલ છે તેનો ઝિક્ર (ઉલ્લેખ) આવેલ છે.
* કુરાન પાકમાં હઝરત જિબ્રઈલ અલયહિસ્સલામ (અ.સ.)નું નામ ત્રણ વખત આવેલ છે.
* કુરાનમાં સૌથી લાંબી આયત (વાક્ય) આયતુલકુર્સી છે.
* મહાન ફરિશ્તા, દેવદૂત જિબ્રઈલ (અ.સ.)ને સંપૂર્ણ અકલના માલિક કહેવામાં આવે છે.

* સૂરએ અનનિસામાં ઔરતોના હક્ક અધિકાર બતાવેલ છે.
* સૂરએ માઈહામાં મોમીનોને નશો ન કરવાનો હુકમ છે.
* ‘અ’રાફ’ દોઝખ અને જન્નત વચ્ચેની જગ્યાનું નામ છે.
* સૂરએ અનફાલમાં જંગેબદ્રમાં ફરિશ્તાઓના આવવાનો ઝિક્ર (ઉલ્લેખ) આવેલ છે.

* મસ્જિદે જરારનો ઝિક્ર સૂરએ તૌબામાં આવેલ છે.
* કુરાને શરીફમાં મે’રાજનો ઝિક્ર સૂરએ બની ઈસરાઈલ અને સૂરએ અન્નજમમાં છે.
* અસ્હાબે કહફનો ઝિક્ર સૂરએ કહફમાં આવેલ છે.
* અસ્હાબે કહફ 300 વર્ષ ગુફામાં નિદ્રામાં સૂઈ રહ્યા.
* નજમશી બાદશાહના દરબારમાં હઝરત જાફર તૈય્યારને સૂરએ મરિયમ પઢેલ હતી.
* કુરાન પાકમાં એક સૂરત (પ્રકરણે) સૂરએ મરિયમ છે જે ઔરતના નામ પર છે.

* નબીઓના નામ પર આવેલ સૂરતો સૂરએ યૂનુસ અલયહિસ્સાલમ (અ.સ.), સૂરએ હૂદ (અ.સ.), સૂરએ યુસુફ (અ.સ.), સૂરએ ઈબ્રાહીમ અલૈહીસલ્લામ, સૂરએ નૂહ (અ.સ.), સૂરએ મુહંમદ (સ.અ.વ.) છે જ્યારે હઝરત આઈશા સિદ્દીકા રદ્યિલ્લાહુઅન્હો કે જેઓ પયગંબર હઝરત મુહંમદ (સ.અ.વ.)ના પવિત્ર પત્ની છેનું પાક દામન (પવિત્રતા)નો ઝિક્ર સૂરએ નૂરમાં આવેલ છે.

* સૂરએ શુઅરામાં હઝરત સાલેહ (અ.સ.)ની  ઊંટણીનો મોઝિજો (ચમત્કાર) આવેલ છે.
* સૂરએ અલ કસસમાં પયગંબર હઝરત મૂસા (સ.અ.વ.)નો લાંબો ઉલ્લેખ (ઝિક્ર) આવેલ છે.
* પયગંબર હઝરત લુકમાન (અ.સ.)નો ઝિક્ર પવિત્ર કુરાનમાં આવ્યો છે. તેઓ ફલસફી અને હકીમ એટલે કે  દરેક બીમારીનો ઈલાજ કરનાર મહાજાણકાર, જ્ઞાની હતા.

* સૂલેહ હુદેબીયા બાદ સૂરએ ફતહ નાઝિલ થઈ.
*  કુરાન શરીફમાં પયગંબર હઝરત મુહંમદ (સ.અ.વ.)નું નામ મુબારક ચાર વખત આવેલ છે. 1-સૂરએ આલે ઈમરાન, 2-સૂરએ અહઝાબ 3-સૂરએ મુહંમદ અને 4-સૂરએ ફત્હ. સૂરએ, સૂરહ, ચેપટર.
* સૂરએ રહમાનને કુરાનની ઝીનત-શાન, શોભા કહેવાય છે.

* પહેલી જુમ્આ (પ્રથમ શુક્રવાર) પયગંબર હઝરત મુહંમદ (સ.અ.વ.)એ ઈમામત કરી તે જગ્યા મસ્જિદે કુબા અને મદીના શરીફની વચ્ચે સામિલ બિન ઔફના મકામ પર છે.
* મસ્જિદે જિન્ન જન્નતુલમોઅલ્લા (મક્કા શરીફ)ને નજદીક છે, જ્યાં પયગંબર હઝરત મુહંમદ (સ.અ.વ.)મે જિન્નાતોને કલમો પઢાવેલ.
* આપ હુઝૂરે અનવર (સ.અ.વ.) પર હઝરત જિબ્રઈલ (અ.સ.) 24,000 વખત વહી લઈને હાજર થયા.
* કુરાને પાકમાં સૌથી નાની સૂરત (પ્રકરણ) સૂરએ કૌસર છે.
* સૂરએ ઈખ્લાસમાં અલ્લાહ તઆલાએ વહદાનિયત (અલ્લાહ એક છે)નો ઉલ્લેખ કરેલ છે.

- કુરાન કરીમની આ માહિતીથી ખાસ કરીને ગુજરાતી ભાષી મુસ્લિમો અજાણ છે, અને આજે કુરાનના માર્ગદર્શનની ઘણી જ જરૂર હોઈ, માહિતીસભર આ લેખનો 4થો ભાગ આવતા અંકમાં વાંચીશું.

સાપ્તાહિક સંદેશ:
જે શખસ ઈલ્મ પ્રાપ્ત કરવા માટે નીકળે તે જ્યાં સુધી ઘેર પાછો ન ફરે અલ્લાહના માર્ગમાં છે. 
- અલ્લાહના રસૂલ (સ.અ.વ.)