Wed Sep 16 2026

Logo

રાપરના યુવકને સોશિયલ મીડિયા પર છરી સાથે રીલ બનાવવી ભારે પડી, જાણો વિગત

2026-07-24 14:22:59
Author: Mumbai Samachar Team
રાપરના યુવકને સોશિયલ મીડિયા પર છરી સાથે રીલ બનાવવી ભારે પડી, જાણો વિગત

ભુજઃ સોશિયલ મીડિયાના માધ્યમથી હથિયારો પ્રદર્શિત કરી જાહેરજનતામાં ભય ઊભો કરતા તત્વો સામે પૂર્વ કચ્છ પોલીસે લાલ આંખ કરી છે. ઇન્સ્ટાગ્રામ પર છરી સાથેનો વીડિયો અપલોડ કરી દાદાગીરી બતાવવી સીમાવર્તી રાપર વિસ્તારના એક યુવકને ભારે પડી ગઈ છે. હથિયાર બંધીના જાહેરનામાનો ભંગ કરી વીડિયો વાયરલ કરનાર આ યુવકને રાપર પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બોર્ડર રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા, પૂર્વ કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક સાગર બાગમાર તથા ભચાઉ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડા દ્વારા સોશિયલ મીડિયા પર હથિયારોના પ્રદર્શન દ્વારા ભયનું વાતાવરણ ઊભું કરતા ઈસમો પર વોચ રાખી તેમની સામે સખત કાર્યવાહી કરવા ખાસ સૂચના આપવામાં આવી હતી.

દરમિયાન, રાપર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર જે.બી. આચાર્યના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો. તે વેળાએ ચોક્કસ ઇન્સ્ટાગ્રામ આઈડી પર એક યુવક ધારદાર છરી સાથે વીડિયો બનાવી પોસ્ટ કરતો હોવાની વિગતો સામે આવી હતી. આ વીડિયો જાહેરનામાનો ભંગ કરતો હોઈ, પોલીસે તાત્કાલિક તપાસ ચલાવી રાપરની દૂધડેરી પાસે રહેતા નરશી કોળી નામના યુવકને છરી સાથે ઝડપી પાડ્યો હતો.

આરોપી વિરુદ્ધ હથિયારબંધી જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધી રાપર પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. પોલીસની આ કાર્યવાહીથી સોશિયલ મીડિયા પર સ્ટેટસ અને રીલ્સ બનાવી ભય ફેલાવતા અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

(ઉત્સવ વૈદ્ય)

વધુ જુઓ...