Sun Jul 26 2026

Logo

રામ મંદિરમાં દાનની ગણતરી કરતાં 20 કર્મચારીઓએ રાજીનામા આપ્યા

2026-07-10 20:38:00
Author: Chandrakant Kanoja
Article Image

અયોધ્યા: રામ મંદિર દાન ચોરી કેસમાં પોલીસ અને એસઆઇટી દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે. આ દરમિયાન હવે રામ મંદિરના દાન ગણતરી કરતાં 20 કર્મચારીઓએ રાજીનામા આપી દીધા છે. 

નવી ડિજિટલ સિસ્ટમ લાગુ કરવાની તૈયારીઓ

આ અંગે મળતી માહિતી મુજબ રામ મંદિર દાન ચોરી કેસ બાદ ગણતરીની  પ્રક્રિયાઓમાં ફેરફાર, કાર્યભારમાં વધારો અને સુરક્ષા પ્રોટોકોલ કારણે રાજીનામા આપવામાં આવ્યા છે. જોકે, હાલમાં મર્યાદિત સ્ટાફ સાથે ગણતરી કામગીરી ચાલુ છે, જ્યારે નવી ડિજિટલ સિસ્ટમ લાગુ કરવાની તૈયારીઓ ચાલી રહી છે.

હવે માત્ર 12 જેટલા કર્મચારી કામ કરી રહ્યા છે

તેમજ ટ્રસ્ટના સૂત્રોના જણાવ્યા અનુસાર દાન ચોરી કેસ બાદ  કર્મચારીઓની હાજરીમાં ઘટાડો થવા લાગ્યો. આ અગાઉ આ કામમાં આશરે 40 કર્મચારીઓ રોકાયેલા હતા. જેમાંથી 20 કર્મચારીઓએ રાજીનામું આપી દીધું છે. તેમજ ગણતરી કેન્દ્રમાં હવે માત્ર 12 જેટલા કર્મચારી કામ કરી રહ્યા છે. 

વેતનમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી

આ અંગે કર્મચારીઓનું કહેવું છે કે, પહેલા દાનની ગણતરી બે શિફ્ટમાં થતી હતી. પરંતુ હવે આ પ્રક્રિયા એક જ શિફ્ટમાં લગભગ નવથી દસ કલાક સુધી ચાલુ રહે છે. તેમ છતાં તેમના  વેતનમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. તેમણે જણાવ્યું કે   ગણતરી પહેલા ટેબલ અને ખુરશીઓ પર બેસીને કરવામાં આવતી હતી. ત્યારે હવે કામ ફ્લોર પર બેસીને કરવામાં આવે છે.

દાન ગણતરી કેન્દ્ર પર સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી

આ ઉપરાંત સુરક્ષા સમીક્ષા બાદ  દાન ગણતરી કેન્દ્ર પર સુરક્ષા વ્યવસ્થા  કડક કરવામાં આવી છે. કર્મચારીઓની  અનેક રાઉન્ડની તપાસ કર્યા પછી જ પરિસરમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવે છે. તેમને  ફૂટવેર, મોબાઇલ ફોન અને વ્યક્તિગત સામાન વિના જ અંદર જવાની મંજૂરી આપવામાં આવે છે. મંદિર સંકુલની અંદર વિવિધ સુરક્ષા તપાસમાંથી પસાર થયા પછી જ તેઓ દાન ગણતરી કેન્દ્ર પર પહોંચે છે.