Wed Sep 16 2026

Logo

અમદાવાદમાં અખાડા, સાંસ્કૃતિક ઝાંખીઓ અને ટેબ્લો સાથે નીકળી રામનવમીની ભવ્ય શોભાયાત્રા

2026-03-26 21:04:26
Author: Devayat Khatana
અમદાવાદમાં અખાડા, સાંસ્કૃતિક ઝાંખીઓ અને ટેબ્લો સાથે નીકળી રામનવમીની ભવ્ય શોભાયાત્રા

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ:
 રામનવમીના પવિત્ર પર્વની સમગ્ર ગુજરાતમાં ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. અમદાવાદ શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના પ્રેમ દરવાજા સ્થિત સરયુ મંદિરથી આ યાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આશરે 7 કિલોમીટર લાંબા નિર્ધારિત રૂટ પર નીકળેલી આ શોભાયાત્રામાં 7 અખાડા, 15 ટ્રેક્ટર, 12 ઊંટ લારી તેમજ વિવિધ સાંસ્કૃતિક ઝાંખીઓ અને મનમોહક ટેબ્લો મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. વિશેષ રૂપે, આ વર્ષે શોભાયાત્રામાં સમાન નાગરિક સંહિતા કાયદાનો સંદેશ આપતો ટેબ્લો પણ સામેલ કરવામાં આવ્યો હતો, જેણે લોકોનું ખાસ ધ્યાન ખેંચ્યું હતું.

આ શોભાયાત્રા સરયુ મંદિરથી શરૂ થઈ ઈદગાહ સર્કલ, દરિયાપુર દરવાજા, વાડીગામ, કડિયાનાકા અને દિલ્હી ચકલા જેવા વિસ્તારોમાંથી પસાર થઈ હતી. માર્ગમાં પિત્તળિયા બંબા, ઘી કાંટા પોલીસ ચોકી, દૂધવાળી પોળ અને શાહપુર દરવાજા સહિતના અનેક વિસ્તારોમાં ભકતો દ્વારા યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. શાહપુર, લાલાકાકા હોલ અને માધુપુરા પોલીસ સ્ટેશન થઈને આ શોભાયાત્રા અંતે બીજી ટાવર અડવાણી માર્કેટ પાસે આવેલા શ્રી રામજી મંદિરે પૂર્ણાહુતિ પામી હતી. સમગ્ર રૂટ દરમિયાન જય શ્રી રામના નાદ સાથે વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.