Sun Mar 08 2026

Logo

મહારાષ્ટ્ર સહિત 10 રાજ્યમાં રાજ્યસભાની ચૂંટણી, જાણો કોને ફાયદો - કોને નુકસાન

2 weeks ago
Author: Mayurkumar Patel
Article Image

નવી દિલ્હીઃ દેશના 10 રાજ્યોની 37 રાજ્યસભા સીટ પર 16 માર્ચે ચૂંટણી યોજાશે. મહારાષ્ટ્ર, ઓડિશા, તેલંગાણા, તમિલનાડુ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, આસામ, હરિયાણા, હિમાચલ પ્રદેશ અને બિહારમાં રાજ્યસભા બેઠકો એપ્રિલ મહિનામાં અલગ અલગ તારીખે ખાલી થશે. ચૂંટણી પંચ મુજબ, 26 ફેબ્રુઆરીથી 5 માર્ચ સુધી ઉમેદવારી પત્ર ભરી શકાશે. 16 માર્ચે સવારે 9 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી મતદાન થશે અને આજ દિવસે મોડી રાત સુધીમાં પરિણામ જાહેર થશે. 

કોને ફાયદો કોને નુકસાન

એનસીપી (એસપી) પ્રમુખ શરદ પવાર, અભિષેક મનુ સિંઘવી અને પ્રિયંકા ચતુર્વેદી જેવા દિગ્ગજોનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે. આ ઉપરાંત રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશ સિંહ અને ઉપેન્દ્ર કુશવાહાની ટર્મ પણ પૂરી થઈ રહી છે. હવે જોવાનું એ રહેશે કે આ દિગ્ગજ નેતાઓમાંથી કોની વાપસી થાય છે અને કયા પક્ષને ફાયદો કે નુકસાન થાય છે. વિધાનસભાની બદલાયેલી સ્થિતિ મુજબ, NDAને 2 થી 3 બેઠકોનો ફાયદો થઈ શકે છે, જ્યારે I.N.D.I.A બ્લોકની 3 થી 4 બેઠકો ઘટી શકે છે. ભાજપની બેઠકો 9 થી વધીને 12 અને કોંગ્રેસની 4 થી વધીને 5 થવાની શક્યતા છે.

મહારાષ્ટ્ર: વિપક્ષ માટે મુશ્કેલી

મહારાષ્ટ્રની 7 બેઠકોમાંથી NDAને 6 બેઠકો મળી શકે છે, જ્યારે વિપક્ષી મહાવિકાસ આઘાડીને માત્ર 1 બેઠક મળવાની શક્યતા છે. ભાજપ, શિંદે જૂથ અને અજિત પવાર જૂથ પાસે પૂરતું સંખ્યાબળ છે. જેના કારણે શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરેની પાર્ટીએ પોતાની બેઠકો ગુમાવવી પડી શકે છે.

બિહાર: RJDને ફટકો

બિહારની 5 બેઠકોમાંથી NDA (ભાજપ અને JDU) આસાનીથી 4 બેઠકો જીતી શકે છે. વિપક્ષને માત્ર 1 બેઠક મળી શકે તેમ છે, જેના કારણે RJDએ ઓછામાં ઓછી એક બેઠકનું નુકસાન વેઠવું પડશે.

તમિલનાડુ અને બંગાળ

તમિલનાડુમાં DMK 4 બેઠકો જાળવી રાખશે. પશ્ચિમ બંગાળમાં TMC તેની 4 બેઠકો બચાવી લેશે, પરંતુ અહીં એક બેઠક CPIM ના હાથમાંથી નીકળી ભાજપના ખાતામાં જઈ શકે છે.

ઓડિશા અને આસામ

ઓડિશાની 4 માંથી ભાજપ 3 બેઠકો જીતી શકે છે. આસામમાં 3 માંથી 2 બેઠકો ભાજપને અને 1 બેઠક કોંગ્રેસ-AIUDF ગઠબંધનને મળી શકે છે.

 કોંગ્રેસને ક્યાં ફાયદો થશે?

તેલંગાણા: બંને બેઠકો કોંગ્રેસના ખાતે જઈ શકે છે, જે BRS માટે નુકસાન છે. હરિયાણાની 2 બેઠકોમાંથી ભાજપ અને કોંગ્રેસને 1-1 બેઠક મળી શકે છે,ભાજપને 1 બેઠકનું નુકસાન થઈ શકે છે. હિમાચલ પ્રદેશની એક બેઠક ભાજપ ગુમાવી શકે છે અને કોંગ્રેસ જીતી શકે છે.

નોંધનીય છે કે રાજ્યસભાના સભ્યપદનો કાર્યકાળ છ વર્ષનો હોય છે, દર બે વર્ષે એક તૃતીયાંશ બેઠકો ચૂંટણીઓ યોજવામાં આવે છે. લોકસભાથી વિપરીત, રાજ્યસભા ક્યારેય વિસર્જન થતી નથી, તેથી જ તેને કાયમી ગૃહ કહેવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, સભ્યપદ 250 સભ્યો સુધી મર્યાદિત છે. 238 સભ્યો રાજ્ય વિધાનસભાઓ દ્વારા ચૂંટાય છે અને 12 સભ્યો ભારતના રાષ્ટ્રપતિ દ્વારા કલા, સાહિત્ય, વિજ્ઞાન અને સામાજિક સેવાઓમાં તેમના યોગદાન માટે નિયુક્ત કરવામાં આવે છે. સભ્યો છ વર્ષના કાર્યકાળ માટે બેસે છે, જેમાં એક તૃતીયાંશ સભ્યો દર બે વર્ષે નિવૃત્ત થાય છે.