Tue Jul 28 2026

Logo

રાજકુમાર: મલ્ટીસ્ટારરના મોટાભાઈ

2026-07-03 10:19:00
Author: Henri Shashtri
Article Image

હિન્દી ફિલ્મોના સંવાદોના શહેનશાહની આજે 30મી પુણ્યતિથિ છે અને જન્મશતાબ્દીનું વર્ષ છે એ નિમિત્તે શબ્દાંજલિ

હેન્રી શાસ્ત્રી

પ્રારંભિક ફિલ્મોથી જોવા મળેલી ખુમારી છેવટ સુધી જળવાઈ રહી

ચિનોય સેઠ, જિનકે અપને ઘર શીશોં કે હોં વો દૂસરોં પર પત્થર નહીં ફેંકા કરતે - વક્ત (1965).
---------------
હમ તુમ્હે મારેંગે ઔર ઝરૂર મારેંગે. લેકિન વો બંદૂક ભી હમારી હોગી, ગોલી ભી હમારી હોગી ઔર વક્ત ભી હમારા હોગા - સૌદાગર (1991).
------------------ 
પહેલી ફિલ્મ ‘રંગીલી’ (1952) અને અંતિમ ફિલ્મ ‘ગોડ ઍન્ડ ગન’ (1995) પણ સિને રસિકોના સ્મરણપટ પર અંકિત થયેલા ડાયલોગ મહારથી અને સ્ટાઈલિશ એક્ટરની ઈમેજ મુખ્યત્વે 1965થી 1991નાં વર્ષો દરમિયાન વિકસી. ‘જાની’ જેવા હુલામણા નામથી હૃદયસ્થ થયેલા રાજકુમારના અભિનય કૌશલમાં બુલંદી નહોતી, પણ ‘બુલંદી’ સહિત ઘણી ફિલ્મોમાં એમની ડાયલોગ ડિલિવરી, એમના સંવાદનું કૌવત, એની ખુમારી અને અન્ય નામવંત અભિનેતાઓની હાજરીમાં અમિટ છાપ છોડી જનારા કુલભૂષણ પંડિત (રાજકુમારનું પડદા બહારનું અસલી નામ)ની આજે 30મી પુણ્યતિથિ છે અને એમની જન્મશાતબ્દીનું વર્ષ (8 ઓક્ટોબર - 1926) ચાલી રહ્યું છે એ નિમિત્તે હિન્દી ચિત્રપટ સૃષ્ટિના અનોખા જણની કેટલીક મજેદાર વાતો જાણીએ....

હિન્દી ફિલ્મોના રસિકો અને અભ્યાસુઓ એ દલીલ સાથે જરૂર સહમત થશે કે ‘જાની’ રાજકુમાર એટલે ડાયલોગના બેતાજ બાદશાહ. એમની ડાયલોગ ડિલિવરી ઉપરાંત એની ભાષાનું કૌવત અને એમાં રહેલું ચબરાકિયાપણું એને અવિસ્મરણીય બનાવવામાં નિમિત્ત બન્યું છે. આ સંવાદના સંમોહનની જાળ રૂપેરી પડદાની બહાર વાસ્તવિક દુનિયામાં પણ વિસ્તરી હતી. એના અનેક ઉદાહરણ (જેમકે ‘ધરમ કાંટા’ના શૂટિંગ દરમિયાન રાજેશ ખન્ના અને જિતેન્દ્રને સેટ પર જોઈ ‘ઈતને સારે એક્સ્ટ્રા યહાં ક્યા કર રહે હૈં’) પ્રચલિત છે. અલબત્ત, એને સત્તાવાર સમર્થન મળવું મુશ્કેલ હોવાથી અને ગોસિપના ગુરુઓ પછી એમાં ઉમેરણ કરી દેતા હોવાથી સચ - જૂઠ કા પતા હી નહીં ચલતા. એટલે આપણે ચિત્રપટમાં જોવા સાંભળવા મળેલા યાદગાર સંવાદો પૂરતા સીમિત રહીએ.

પ્રાણ સાથે જેમ ‘બરખુરદાર’ અને ઓમ પ્રકાશ સાથે ‘હે ભગવાન’ જોડાઈ ગયા હતા એ જ રીતે રાજકુમાર સાથે ‘જાની’ શબ્દ જોડાઈ ગયો હતો. ખુમારીભર્યા તેમ જ વર્ચસ્વ સ્થાપિત કરતા અનેક ડાયલોગ રાજકુમારની ઓળખ બની ગયા એ સાચું છે. જેમ કે ‘અપના તો ઉસૂલ હૈ, પેહલે બાત, ફિર મુલાકાત ઔર ફિર અગર ઝરૂરત પડે તો લાત’ (તિરંગા).... ’ હમ કો મિટા સકે યે ઝમાને મેં દમ નહીં. હમસે ઝમાના ખુદ હૈ, ઝમાને સે હમ નહીં. ખુદી કો કર બુલંદ ઈતના કી હર તકદીર સે પેહલે, ખુદા બંદે સે ખુદ પૂછે, બતા તેરી રઝા ક્યા હૈ? (બુલંદી) .... ’ હમ તુમ્હેં ઐસી મૌત મારેંગે... તુમ્હારી આનેવાલી નસ્લોં કી નીંદ ભી ઉસ મૌત કે ખૌફ સે ઉડ જાયેગી’ (દિલજલે).

આ સાથે સાથે એમના એવા પણ કેટલાક સંવાદ છે જેમાં ઋજુતા, હળવાશ - કુમાશ, પ્રેમ છલકાય છે અને એ પણ યાદગાર બની ગયા છે. સૌથી પહેલા યાદ આવે ‘પાકીઝા’નો ડાયલોગ:  
    
‘બરસાત કી રાત થી. ઈત્તફાક સે આપકે કમ્પાર્ટમેન્ટ મેં ચલા આયા. આપકે પાંવ દેખે. બહોત હસીન હૈ. ઈન્હેં ઝમીં પર મત રખિયેગા, મૈલે હો જાએંગે...’

‘હીર રાંઝા’નો આ સંવાદ પણ સ્નેહની સરવાણી જેવો છે:

‘ઉસસે કેહના કી તુમ મેરા એક ખ્વાબ હો, જો ચમકતા હૈ દિલ મેં વો મેહતાબ હો ’ ... આ ઉપરાંત , ‘દિલ એક મંદિર’, ‘દિલ અપના ઔર પ્રીત પરાઈ’માં પણ મૃદુ સંવાદો છે. જોકે એ હકીકત છે કે ‘પાકીઝા’ કે બીજા એકલદોકલ સંવાદને બાદ કરતાં તેમના મુલાયમ સંવાદ કરતા ખુમારી - ખુદ્દારી દર્શાવતા ડાયલોગ્સ વધુ લોકપ્રિય થયા છે.

રાજકુમારની કારકિર્દીની એક એવી ખાસિયત છે જેના વિશે ભાગ્યે જ વાત થઈ છે. એમની ફિલ્મ સફરનો પ્રારંભ થયો ‘રંગીલી’ જેના સંગીતકાર હતા ગોવાના પ્રખ્યાત ટ્રમ્પેટ વાદક અને મ્યુઝિક એરેન્જર ચિક ચોકલેટ. ત્યારબાદ પણ તેમની કેટલીક ફિલ્મો આવી, પણ અભિનેતા ન તો કોઈના ધ્યાનમાં આવ્યા કે ન કોઈની નજરમાં વસ્યા. 1957માં આવી મેહબૂબ ખાનની ‘મધર ઈન્ડિયા’. ફિલ્મનું ફોક્સ અને દમદાર પાત્ર હીરોઈન નરગિસનું હતું, પણ નરગિસના પીડા અનુભવતા અને દ્રઢ મનોબળ ધરાવતા ખેડૂત પતિના રોલમાં એ દર્શકોની અનુકંપા મેળવવામાં સફળ રહ્યા. ફિલ્મની ફાંકડી સફળતાને પગલે ફિલ્મમેકરોની નજરે ચડ્યા અને ઈન્ડસ્ટ્રીના દરવાજા તેમને માટે ફટાક કરતાં ખૂલી ગયા. બે વર્ષમાં એમની ડઝનેક ફિલ્મો આવી પણ વિશેષ ધ્યાન ખેંચનારી અને આવકાર મેળવનારી ફિલ્મો હતી ‘પૈગામ’, ‘શરારત’ અને ‘ઊજાલા’. આ ત્રણેય ફિલ્મમાં રાજકુમાર સોલો હીરો નહોતા. ‘પૈગામ’માં દિલીપ કુમાર, ‘શરારત’માં કિશોર કુમાર અને ‘ઉજાલા’માં શમ્મી કપૂરની હાજરી હતી. એક ઈન્ટરવ્યૂમાં જાનીએ કહ્યું હતું કે રોલ પસંદ ન પડે તો પૈસા કે લંબાઈની ફિકર કર્યા વિના છોડી દેતા. ભૂમિકા પ્રભાવી લાગે તો જ સ્વીકારતા. ‘મધર ઈન્ડિયા’થી ફિલ્મો મળવાનો સિલસિલો શરૂ થયો અને ‘ઉજાલા’ના યશ પછી એકથી વધુ હીરોવાળી મલ્ટીસ્ટારર ફિલ્મ માટે એમની પસંદગીને પ્રાધાન્ય આપવાની શરૂઆત થઈ. રાજકુમારએ ત્રીસથી વધુ મલ્ટીસ્ટારર ચિત્રપટમાં કામ કર્યું હોવાની નોંધ છે. ફિલ્મના એક અભ્યાસુએ ધ્યાન દોર્યું છે કે ‘રાજકુમાર સ્ટાઈલિશ એક્ટર હોવાને કારણે બલરાજ સાહનીના ઢાંચામાં ન ઢળી ગયા.’

સ્ટાઈલિશ એક્ટરનો સ્ટેમ્પ હોવા છતાં રાજકુમારએ મુન્શી પ્રેમચંદની ‘ગોદાન’ નવલકથા પર આધારિત એ જ ટાઈટલ ધરાવતી ફિલ્મમાં સંજોગોના શિકાર બનેલા એક સીધાસાદા - પ્રામાણિક ખેડૂતની ભૂમિકા પણ કરી અને પ્રભાવી સાબિત થયા. ગમતા રોલમાં જ કામ કરવાની દલીલને સમર્થન મળે છે. 1970ના દાયકામાં ‘હીર રાંઝા’, ‘લાલ પત્થર’, ‘પાકીઝા’, ‘36 ઘંટે’, ‘હિન્દુસ્તાન કી કસમ’ વગેરે ફિલ્મોએ એમનું સ્થાન મજબૂત બનાવ્યું. જોકે,1980 -1990ના દાયકામાં આવેલી ફિલ્મોમાંથી નજરમાં વસી ગયેલી ફિલ્મો જૂજ હતી - ‘બુલંદી’, ‘કુદરત’, ‘સૌદાગર’... યાદી ટૂંકી છે. કમનસીબે અભિનેતાને ગળાનું કેન્સર થયું. ‘બેતાજ બાદશાહ, ‘જવાબ’ જેવી ફિલ્મોમાં રાજકુમારનો અવાજ તરડાયેલો લાગે છે. જોકે, આ ફિલ્મની સૌથી યાદગાર બાબત એના ડાયલોગ્સ જ હતા ( ‘હમ ઉન બાદશાહોં મેં સે હૈ જિન પર કિસી ભી દૌર કા અસર નહીં હોતા’) એ સ્વીકારવું જ રહ્યું.