Mon Oct 05 2026

Logo

સૌરાષ્ટ્રમાં કાયદો અને વ્યવસ્થા કડક: 29 વોન્ટેડ ગુનેગારને પકડવા ઇનામની જાહેરાત

2026-03-27 16:00:01
Author: Devayat Khatana
સૌરાષ્ટ્રમાં કાયદો અને વ્યવસ્થા કડક: 29 વોન્ટેડ ગુનેગારને પકડવા ઇનામની જાહેરાત

(અમારા પ્રતિનિધિ તરફથી)
રાજકોટ: સૌરાષ્ટ્રમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનાવવા માટે રાજકોટ રેન્જના આઈ.જી. નિર્લિપ્ત રાયે કાર્યભાર સંભાળતાની સાથે જ ગુનેગારો સામે લાલ આંખ કરી છે. તેમણે વર્ષોથી પોલીસને થાપ આપીને નાસતા-ફરતા 29 જેટલા કુખ્યાત આરોપીઓને ઝડપી પાડવા માટે એક ઝુંબેશ શરૂ કરી છે. આ અંતર્ગત, આ ફરાર ગુનેગારોની સચોટ બાતમી આપનાર નાગરિકો માટે રોકડ ઇનામોની જાહેરાત કરવામાં આવી છે, જેથી ગુનેગારોને વહેલી તકે જેલના સળિયા પાછળ ધકેલી શકાય.

જાહેર કરાયેલી યાદીમાં દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, રાજકોટ ગ્રામ્ય અને સુરેન્દ્રનગર એમ કુલ પાંચ જિલ્લાના ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓનો સમાવેશ થાય છે. 

આ ગુનેગારો સામે હત્યા, લૂંટ, બળાત્કાર, પોકસો એક્ટ, એનડીપીએસ અને હથિયાર ધારા જેવા ગંભીર પ્રકારના ગુનાઓ નોંધાયેલા છે. પોલીસ રેકોર્ડ મુજબ, આમાંના ઘણા આરોપીઓ ગુજરાત સિવાય પંજાબ, મધ્ય પ્રદેશ, ઉત્તરપ્રદેશ અને મહારાષ્ટ્ર જેવા અન્ય રાજ્યોના વતની છે અને ગુનો આચરીને પોતાના વતનમાં નાસી ગયા છે.

પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલા ઇનામની રકમ ગુનાની ગંભીરતા મુજબ નક્કી કરવામાં આવી છે. યાદી મુજબ, સૌથી વધુ 20,000 રૂપિયાનું ઇનામ સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લાના ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓ પર જાહેર કરાયું છે. અન્ય આરોપીઓ માટે 5,000થી લઈને 15,000 રૂપિયા સુધીના રોકડ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે. 

આ યાદીમાં અમુક આરોપીઓ તો વર્ષ 2000 અને 2001 થી એટલે કે છેલ્લા બે દાયકાથી પોલીસ પકડથી દૂર છે, જેમને પકડવા માટે હવે ચક્રો ગતિમાન કરાયા છે. પોલીસની આ કામગીરીથી રીઢા ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે. રેન્જ આઈ.જી. દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે બાતમી આપનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે.