Thu Jun 18 2026

Logo

રાજકોટવાસીઓ માટે રાહતના સમાચારઃ નવા સાંઢીયા પુલનું કામકાજ 90 ટકા સંપન્ન

2026-02-27 16:02:17
Author: Mumbai Samachar Team
Article Image

રાજકોટ: શહેરની મધ્યમાં ટ્રાફિકની જટિલ સમસ્યાના નિવારણ માટે જામનગર રોડ પર બની રહેલો નવો ચાર લેન રેલવે ઓવરબ્રિજ (સાંઢીયા પુલ) હવે તેના નિર્ધારિત લક્ષ્યાંક નજીકના સમયમાં પાર પાડવામાં આવશે. હાલના તબક્કે રાજકોટ મહાનગરપાલિકા (RMC) દ્વારા આ પ્રોજેક્ટનું અંદાજે 90 ટકા કામકાજ પૂર્ણ કરી લેવામાં આવ્યું છે. 

દાયકાઓ જૂના અને જર્જરિત થયેલા પુલના સ્થાને આ અદ્યતન ફ્લાયઓવર શહેરના પ્રવેશદ્વાર સમાન જામનગર રોડની કાયાપલટ કરશે. આગામી મ્યુનિસિપલ ચૂંટણીઓની જાહેરાત અને આચારસંહિતા અમલી બને તે પૂર્વે આ બ્રિજને જનતા માટે ખુલ્લો મૂકવા તંત્ર દ્વારા દિવસ-રાત કામગીરી ચાલી રહી છે.

સૂત્રોની જાણકારી અનુસાર આ બ્રિજના નિર્માણમાં તાજેતરમાં એક મહત્વની સફળતા મળી છે. રેલવે ટ્રેક પરના 36 મીટરના સેન્ટ્રલ સ્પાન માટે સાત વિશાળ સ્ટીલ ગર્ડર્સ સફળતાપૂર્વક ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે. રેલવે તંત્ર સાથે સંકલન સાધીને મોડી રાત્રે રેલવે બ્લોક દરમિયાન આ કપરી કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. આ બ્રિજ કુલ 602 મીટર લાંબો અને 16.4 મીટર પહોળો છે, જે ₹ 74.32 કરોડના ખર્ચે સાકાર થઈ રહ્યો છે. હાલમાં મુખ્ય માળખું તૈયાર થઈ ગયું છે અને બાકીના ક્રોસ-ગર્ડર બ્રેસિંગનું કામ આગામી બે દિવસમાં પૂર્ણ કરી લેવામાં આવશે.

માત્ર વાહનવ્યવહાર જ નહીં, પરંતુ પદયાત્રીઓ અને સ્થાનિક રહેવાસીઓની સુવિધાનું પણ અહીં ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સમસ્યા ન સર્જાય તે માટે બે RCC બોક્સ અને 168 મીટરની રિટેનિંગ વોલ બનાવવામાં આવી છે. આ ઉપરાંત, બ્રિજની બંને બાજુએ 7.5 મીટર પહોળા સર્વિસ રોડ અને ફૂટપાથ પણ તૈયાર કરવામાં આવ્યા છે. હવે માત્ર ડામરનું કામકાજ અને એપ્રોચ રોડ જેવી ફિનિશિંગ કામગીરી જ બાકી છે, જેને ત્વરિત ગતિએ આખરી ઓપ અપાઈ રહ્યો છે.

વર્ષ 1978માં બનેલો જૂનો પુલ વર્ષ 2022ની મોરબીની ઘટના બાદ અસુરક્ષિત જાહેર કરાયો હતો અને મે 2024માં તેને સંપૂર્ણ બંધ કરવામાં આવ્યો હતો. આ કારણે જામનગર, દ્વારકા અને મોરબી તરફથી આવતી એસટી બસો અને ભારે વાહનોને લાંબો રૂટ લેવો પડતો હતો. 

નવા બ્રિજની શરૂઆત થતાં જ દરરોજના આશરે 1.5 લાખ લોકોનો  સમય અને ઈંધણ બચશે. માધાપર ચોકડીથી હોસ્પિટલ ચોક વચ્ચેની કનેક્ટિવિટી ફરી સ્થાપિત થવાથી શહેરના પશ્ચિમ વિસ્તારમાં ટ્રાફિકનું ભારણ નોંધપાત્ર રીતે ઘટશે, જેનાથી રાજકોટવાસીઓને અવરજવર કરવામાં ઘણી રાહત થશે, એમ સ્થાનિકોએ પણ જણાવ્યું હતું.