રાજકોટઃ શ્રાવણ મહિનો શરૂ થવાનો હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. શ્રાવણની સાથે જ રાજ્યમાં તહેવારોની સિઝન શરૂ થઈ જાય છે. આ દરમિયાન તહેવારો નજીક આવતા જ રાજકોટ અને સૌરાષ્ટ્રના બજારમાં સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં વધારો શરૂ થઈ ગયો છે. તહેવારોની ખરીદી વચ્ચે તેલના ભાવ વધવાથી સામાન્ય લોકોના બજેટ પર બોજ વધવાની પૂરી શક્યતા છે.
શુક્રવારે સિંગતેલ અને કપાસિયા તેલના ડબ્બામાં રૂ. 10નો વધારો થયો હતો. છેલ્લા 10 દિવસમાં જ ખાદ્યતેલના ભાવમાં રૂ. 40 સુધીનો વધારો નોંધાયો છે. હાલમાં સિંગતેલના ડબ્બાનો ભાવ રૂ 2,900થી રૂ. 2,950 વચ્ચે છે. કપાસિયા અને સિંગતેલના ભાવ વચ્ચે હવે બહુ ઓછો તફાવત હોવાથી લોકો કપાસિયા તેલને બદલે સિંગતેલ ખરીદવાનું વધુ પસંદ કરી રહ્યા છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આગામી દિવસોમાં સિંગતેલમાં હજુ રૂ. 50થી રૂ.75નો વધારો થઈ શકે છે, જેનાથી ડબ્બાનો ભાવ રૂ,3,000ને પાર પહોંચી શકે છે. નાફેડ દ્વારા છેલ્લા થોડા દિવસોથી મગફળીનું વેચાણ ઓછું કરાઈ રહ્યું છે, જેના કારણે બજારમાં મગફળીની આવક ઘટી છે. તહેવારોમાં માંગ સામે પુરવઠો ઓછો રહેતા ભાવ વધારાની પૂરી શક્યતા છે.
સૂત્રોના કહેવા પ્રમાણે, નાફેડ પોતાના ગોડાઉનમાં પડેલી મગફળીના જથ્થાનું વેચાણ શરૂ કરે તો ભાવમાં ઘટાડો થઈ શકે છે. વર્તમાન સ્થિતિ જોતાં આગામી દિવસોમાં હજુ પણ તેલના ભાવ વધવાની શક્યતા છે, પરંતુ નવરાત્રી બાદ બજારમાં નવી મગફળીની આવક શરૂ થતાં જ લોકોને ખાદ્યતેલના ભાવમાં મોટી રાહત મળશે.
ખાદ્યતેલના ભાવ વધારાની અસર રસોડાના બજેટ પર પણ જોવા મળી શકે છે. તેલ મોંઘું થવાના કારણે ફરસાણ સહિતની અનેક ચીજવસ્તુઓ મોંઘી થઈ શકે છે.