Sun Apr 12 2026

Logo

Gujarat Politics: કોંગ્રેસમાંથી AAPમાં ગયેલા અને આપમાંથી ફરી કોંગ્રેસમાં આવેલા દિગ્ગજ નેતાનો સંન્યાસ

2026-03-07 14:11:00
Author: MayurKumar Patel
Article Image

રાજકોટઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજકોટ કોંગ્રેસના દિગ્ગજ નેતા ઈન્દ્રનીલ રાજયગુરુએ સક્રિય રાજકારણમાંથી સંન્યાસની જાહેરાત કરતા ખળભળાટ મચી ગયો છે. થોડા મહિના પહેલાં કોંગ્રેસ છોડીને આમ આદમી પાર્ટી(AAP)માં ગયા હતા અને ફરી પાછા કોંગ્રેસમાં આવી ગયા હતા. ઈન્દ્રનીલ રાજ્યગુરુના રાજકીય સંન્યાસની જાહેરાતથી સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને મોટી ખોટ પડશે. 

રાજ્યગુરુ રાજકોટ પશ્ચિમ બેઠક પરથી વિજય રૂપાણી સામે 2017માં વિધાનસભા ચૂંટણી લડ્યા હતા. રાજકોટ પશ્વિમ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર ઈન્દ્રનીલ રાજ્યગુરુએ ઉમેદવારી ફોર્મમાં પોતાની સંપત્તિ જાહેર કરી હતી. જેમાં તેમણે જંગી 141 કરોડની સંપત્તિ જાહેર કરી હતી. જેમાં બંગલો, પ્લોટ, જમીન, વાહનો સહિતની સંપત્તિ જાહેર કરી હતી.  

12મા ધોરણ સુધી ભણેલા રાજ્યગુરુ વાહનોના ભારે શોખીન છે. તેમની પાસે 5.68 કરોડના જુદા-જુદા વાહનો છે. સૌરાષ્ટ્રમાં એકમાત્ર લેમ્બોર્ગીની કાર તેમની પાસે જ છે. 4.8 કરોડની આ લક્ઝરી કાર થોડા સમય પહેલા જ તેમના પુત્ર સ્વરાજે ખરીદી હતી. એફિડેવિટમાં જણાવ્યા મુજબ તેમની પાસે કુલ 13 વાહનો છે. જેમાં લક્ઝરી કાર્સ, જીપ, ટ્રેક્ટર અને સ્કૂટર પણ છે. તેમના વાહનોની ખાસિયત એ છે કે, દરેકના રજિસ્ટ્રેશન નંબરમાં પાછળ 99 હોય જ છે.

2022માં આપમાં જોડાયાના થોડા મહિનામાં ઝાડુ છોડીને પંજો પકડ્યો

ગુજરાતમાં 2022ની વિધાનસભાની ચૂંટણી પહેલા તેઓ કોંગ્રેસ છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. ઈન્દ્નનીલ રાજ્યગુરૂએ કહ્યું કે ભાજપ બરોબર નથી, કોંગ્રેસ દમ દેખાડતુ નથી, આમ આદમી પાર્ટી ગુજરાતની પ્રજાને પોતાનું લાગે છે એટલે હું આમ આદમી પાર્ટીમાં જોડાયો છું. જેના થોડા સમય બાદ રાજકોટના દિગ્ગજ નેતા ઈન્દ્રનીલ રાજ્યગુરુ AAP છોડીને ફરીથી કોંગ્રેસમાં જોડાયા હતા. ઈન્દ્રનીલ રાજ્યગુરુએ AAP માં મહત્વ ના મળતાં પક્ષ છોડ્યો હોવાનું તે સમયે જણાવ્યું હતું.