જયપુરઃ લખનઊ સુપર જાયન્ટ્સ (LSG)એ 20 ઓવરમાં પાંચ વિકેટે 220 રન બનાવ્યા અને પ્લે-ઑફ માટે ઝઝૂમી રહેલા રાજસ્થાન રૉયલ્સ (RR)ને 221 રનનો પડકારરૂપ લક્ષ્યાંક મળ્યો છે.
લખનઊનો ઓપનર મિચલ માર્શ (96 રન, 57 બૉલ, પાંચ સિક્સર, અગિયાર ફોર) સતત બીજી મૅચમાં સદી ચૂકી ગયો. તેને રાજસ્થાનના કાર્યવાહક સુકાની યશસ્વીએ સીધા થ્રોમાં રનઆઉટ કર્યો હતો.
માર્શ ધીમું ન રમ્યો હોત તો આ વખતની ટૂર્નામેન્ટમાં તેની બીજી સેન્ચુરી થઈ શકી હોત અને લખનઊનું ટોટલ વધુ મોટું હોત. માર્શ 15મી મેએ ચેન્નઈ સામેની મૅચમાં 90 રનના સ્કોર પર રનઆઉટ થઈ ગયો હતો.
આજે માર્શની વિકેટ પહેલાં માર્શની ભૂલને કારણે રિષભ પંતે (35 રન, 23 બૉલ, બે સિક્સર, બે ફોર) રનઆઉટમાં વિકેટ ગુમાવી હતી. એ પહેલાં માર્શ અને સાથી ઓપનર જૉશ ઇંગ્લિસ વચ્ચે (60 રન, 29 બૉલ, ત્રણ સિક્સર, સાત ફોર) વચ્ચે માત્ર 50 બૉલમાં 109 રનની ભાગીદારી થઈ હતી. લખનઊની ઇનિંગ્સના અંતિમ બૉલમાં નવા બૅટ્સમૅન આયુષ બદોની (0)એ વિકેટ ગુમાવી હતી. રાજસ્થાનના લેગ-સ્પિનર યશરાજ પુન્જાએ બે વિકેટ અને જોફ્રા આચરે એક વિકેટ લીધી હતી.