Sun Sep 13 2026

Logo

રાજસ્થાનના ટીમ-મૅનેજરને મોબાઇલ વાપરવો ભારે પડ્યો, આટલો દંડ થયો

2026-04-17 20:05:32
Author: Ajay Motiwala
રાજસ્થાનના ટીમ-મૅનેજરને મોબાઇલ વાપરવો ભારે પડ્યો, આટલો દંડ થયો

ગુવાહાટીઃ 10મી એપ્રિલે અહીં રૉયલ ચૅલેન્જર્સ બેંગ્લૂરુ સામેની મૅચ દરમ્યાન રાજસ્થાન રૉયલ્સની ટીમના મૅનેજર રૉમી ભિંડરે ટીમના ડગઆઉટમાં બેઠાં-બેઠાં મોબાઇલનો ઉપયોગ કર્યો એ બદલ ભિંડરને બોર્ડ ઑફ ક્ન્ટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI)ની ઍન્ટિ-કરપ્શન યુનિટ (ACU)એ એક લાખ રૂપિયાનો દંડ કર્યો છે. એ દિવસે ભિંડરની બાજુમાં ટીમનો પ્લેયર વૈભવ સૂર્યવંશી બેઠો હતો અને ભિંડર (BHINDER)ના ફોન તરફ જોઈ રહ્યો હતો.

રૉમીએ એસીયુના અધિકારીઓને એવું જણાવ્યું હોવાનું મનાય છે કે તેમનાથી કોઈ પણ પ્રકારના બદઇરાદા વગર આ ભૂલ થઈ હતી. એવું કહીને ભિંડરે બિનશરતી માફી માગી હતી. ભિંડર 2008ની સાલથી (આઇપીએલની પ્રથમ સીઝન કે જેમાં રાજસ્થાન ચૅમ્પિયન બન્યું હતું) અને તેમણે આઇપીએલના નિયમ નંબર 4.1.1નો ભંગ કર્યો હતો.

તેમણે અધિકારીઓને એવું પણ કહ્યું હતું કે તેમને ફેફસાંની ટાઇપ-ટૂ પ્રકારની બીમારી છે. અધિકારીઓએ તેમની એ રજૂઆત માની લીધી હતી અને વધુ કડક પગલું ભરવાને બદલે માત્ર દંડ કરવાનું નક્કી કર્યું હતું.

ટીમના મૅનેજરને ડગઆઉટમાં નહીં, પણ ડ્રેસિંગ-રૂમમાં મોબાઇલ વાપરવાની છૂટ છે. તેમને એવું કહેવામાં આવ્યું હતું કે ડગઆઉટમાં મોબાઇલ વાપરવાની ભૂલ ફરીથી ન થવી જોઈએ.

રાજસ્થાન હાલમાં પાંચમાંથી ચાર મૅચ જીતીને પૉઇન્ટ્સ-ટેબલમાં ઉપરના ક્રમે છે. રાજસ્થાનની આગામી મૅચ રવિવારે ઈડન ગાર્ડન્સમાં કોલકાતા સામે રમાશે.