Wed Sep 09 2026

Logo

રાજસ્થાનના મૅનેજર સામે બીસીસીઆઇએ લીધું પગલુંઃ આ ઘટનામાં વૈભવ સૂર્યવંશી કેવી રીતે સંકળાયેલો છે?

2026-04-13 18:12:54
Author: Ajay Motiwala
રાજસ્થાનના મૅનેજર સામે બીસીસીઆઇએ લીધું પગલુંઃ આ ઘટનામાં વૈભવ સૂર્યવંશી કેવી રીતે સંકળાયેલો છે?

ગુવાહાટીઃ 10મી એપ્રિલે અહીં રૉયલ ચૅલેન્જર્સ બેંગ્લૂરુ (આરસીબી) સામેની મૅચ દરમ્યાન રાજસ્થાન રૉયલ્સ (RR)ની ટીમના મૅનેજર રૉમી ભિંડરે ટીમના ડગઆઉટમાં બેસીને મોબાઇલનો ઉપયોગ કર્યો એ બદલ બીસીસીઆઇ (BCCI) દ્વારા પગલું ભરવામાં આવ્યું છે. ક્રિકેટ બોર્ડે તેમને નોટિસ મોકલી છે અને જવાબ આપવા જણાવ્યું છે. આ ઘટનામાં નવાઈની વાત એ છે કે ટીમના સૌથી યુવાન ખેલાડી 15 વર્ષના વૈભવ સૂર્યવંશીનું નામ પણ આ બનાવ સાથે સંકળાયેલું છે.

ડગઆઉટમાં બેસીને મોબાઈલનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ છે. રૉમી ભિંડર ડગઆઉટમાં બેસીને મોબાઇલ જોઈ રહ્યા હતા ત્યારે તેમની બાજુમાં વૈભવ સૂર્યવંશી બેઠો હતો જે તેમની સાથે ફોન જોઈ રહ્યો હતો.

આ મૅચમાં રાજસ્થાનનો છ વિકેટે વિજય થયો હતો. મૅચ બાદ તરત જ આ ઘટનાનો વીડિયો વાઇરલ થયો હતો. રૉમી ભિંડર (BHINDER) વિરુદ્ધ બીસીસીઆઇના સેક્રેટરી દેવાજિત સૈકિયાએ પગલું ભર્યું છે અને ઍન્ટિ-કરપ્શન યુનિટ વતી મોકલવામાં આવેલી નોટિસમાં ભિંડર પાસે 48 કલાકમાં જવાબ માગવામાં આવ્યો હતો. જોકે વીડિયોમાં જોવા મળ્યું કે ભિંડર ડગઆઉટમાં બેસીને ફોન પર કોઈની સાથે વાતચીત કરતા નહોતા.

જોકે બીસીસીઆઇના નિયમ મુજબ પ્લેયર્સ ઍન્ડ મૅચ ઑફિશ્યલ્સ એરિયા સંબંધિત નિયમ મુજબ માત્ર ટીમ મૅનેજર તથા સિક્યૉરિટી મૅનેજરને મોબાઇલનો ઉપયોગ કરવાની છૂટ છે. જોકે એ છૂટ મુજબ મોબાઇલનો ઉપયોગ ફક્ત ડ્રેસિંગ-રૂમમાં જ થશે શકે, ડગઆઉટમાં નહીં. જોકે કહેવાય છે કે ભિંડરે સ્વાસ્થ્ય સંબંધિત કારણસર ડગઆઉટમાં ફોન વાપરવાની છૂટ બીસીસીઆઇ પાસેથી લીધી હતી. આ ટૂર્નામેન્ટ પહેલાં ભિંડર ફેફસાંની બીમારીને લીધે બીમાર હતા અને તેમણે આઇસીયુમાં સારવાર લેવી પડી હતી. તેમણે બીસીસીઆઇ પાસેથી પરવાનગી એ લીધી હતી કે સ્વાસ્થ્યના કારણસર તેઓ મોબાઇલના ઉપયોગ માટે વારંવાર ડગઆઉટમાંથી ડ્રેસિંગ-રૂમમાં નહીં જઈ શકે. જોકે 10મી એપ્રિલે તેઓ ફોનનો ઉપયોગ કઈ રીતે કરી રહ્યા હતા અને તેમણે કાનૂનનો કોઈ ભંગ કર્યો હતો કે નહીં એ વિશે તપાસ ચાલુ છે.