Wed Jun 17 2026

Logo

હોળી-વેકેશનમાં રેલવેની ભેટ: 4 ટ્રેનોમાં વધારાશે જનરલ કોચ, મુસાફરોને મળશે ‘કન્ફર્મ’ રાહત!

2026-02-22 11:33:00
Author: Devayat Khatana
Article Image

અમદાવાદ: હોળી અને વેકેશનની સીઝન પૂર્વે રેલવેમાં મુસાફરી કરતાં મુસાફરોને રાહત મળી રહેવાની છે. પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધામાં વધારો કરવાના હેતુથી મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રેલવે બોર્ડના દિશાનિર્દેશો અનુસાર, પ્રત્યેક મેલ અને એક્સપ્રેસ ટ્રેનમાં ઓછામાં ઓછા 4 જનરલ કોચ ઉપલબ્ધ કરાવવાની યોજના હેઠળ ભાવનગર મંડળમાંથી પસાર થતી લાંબા અંતરની ટ્રેનોમાં જનરલ કોચની સંખ્યામાં કાયમી વધારો કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી સામાન્ય શ્રેણીમાં મુસાફરી કરતા મુસાફરોને બેસવા માટે વધારાની જગ્યા મળશે અને ટ્રેનોમાં થતી ભીડનું વ્યવસ્થાપન વધુ સુદ્રઢ બનશે.

મળતી વિગતો અનુસાર, આ ફેરફાર મુજબ, પોરબંદર-શાલીમાર-પોરબંદર એક્સપ્રેસ (૧૨૯૦૫/૦૬) અને પોરબંદર-સિકંદરાબાદ-પોરબંદર એક્સપ્રેસ (૨૦૯૬૮/૬૭) માં જનરલ કોચની સંખ્યા ૩ થી વધારીને ૪ કરવામાં આવશે. આ વધારાના કોચ પોરબંદરથી અનુક્રમે ૨૯ એપ્રિલ અને ૨૮ એપ્રિલ ૨૦૨૬ થી અમલી બનશે. 

આ ઉપરાંત, પોરબંદર-સાંતરાગાછી-પોરબંદર એક્સપ્રેસ (૧૨૯૪૯/૫૦) માં જનરલ કોચની સંખ્યા ૨ થી વધારીને સીધી ૪ કરવામાં આવશે, જે પોરબંદરથી ૧ મે ૨૦૨૬ થી લાગુ થશે. ઓખા–શાલીમાર એક્સપ્રેસ (22905/22906)માં પણ જનરલ કોચની સંખ્યા 3થી વધારીને 4 કરવામાં  આવી છે. આ ફેરફાર ઓખાથી 26 એપ્રિલ 2026 અને શાલીમારથી 28 એપ્રિલ 2026થી લાગુ થશે. 

રેલવે પ્રશાસને આ સુધારા અંગે માહિતી આપતા જણાવ્યું છે કે, મુસાફરો આ વધારાની સુવિધાઓનો લાભ ઉઠાવી પોતાની મુસાફરીને વધુ આરામદાયક અને સુરક્ષિત બનાવી શકશે. લાંબા અંતરની ટ્રેનોમાં જનરલ કોચ વધવાથી મધ્યમ અને શ્રમિક વર્ગના મુસાફરોને સૌથી વધુ રાહત મળશે. રેલવે દ્વારા આગામી સમયમાં અન્ય ટ્રેનોમાં પણ આ રીતે કોચ વધારવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે જેથી ઉનાળાના વેકેશન દરમિયાન પડનારી ભીડને નિયંત્રિત કરી શકાય.