Mon Oct 05 2026

Logo

સ્ટુડન્ટને મળો, તેમની માંગોનું સામાધાન કરો, ઝારખંડ છાત્ર આંદોલન પર રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર

2026-08-17 15:31:58
Author: Mumbai Samachar Team
સ્ટુડન્ટને મળો, તેમની માંગોનું સામાધાન કરો, ઝારખંડ છાત્ર આંદોલન પર રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનને પત્ર લખ્યો છે. આ પત્રમાં રાહુલે રાજ્યમાં ભરતી પરીક્ષાઓમાં કથિત ગેરરીતિઓ સામે વિરોધ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ સાથે વ્યક્તિગત રીતે મુલાકાત કરવા અને તેમની બાકી રહેલી માંગણીઓનો ઉકેલ લાવવા માટે આગ્રહ કર્યો છે. આ પત્ર 14 ઑગસ્ટ 2026નો છે.

રાહુલ ગાંધીએ પત્રમાં જણાવ્યું કે શાંતિપૂર્ણ વિરોધ કરવાનો અધિકાર ભારતીય બંધારણની મૂળ ભાવના અને લોકશાહીના મુખ્ય સ્તંભોમાંનો એક છે. તેમણે કહ્યું કે કૉંગ્રેસે છેલ્લા કેટલાક મહિનાઓથી પેપર લીક અને શિક્ષણ વ્યવસ્થામાં ગેરરીતિઓ સામે આંદોલન કરી રહેલા વિદ્યાર્થીઓને સંપૂર્ણ સમર્થન આપ્યું છે.

ભારતીય શિક્ષણ વ્યવસ્થા પર RSS અને BJPનો પ્રભાવ 

તેમણે આરોપ લગાવ્યો કે ભારતીય શિક્ષણ વ્યવસ્થા આરએસએસ (RSS) અને ભાજપ (BJP)ના પ્રભાવ હેઠળ આવીને વિદ્યાર્થીઓના શોષણ અને દમનનું માધ્યમ બની ગઈ છે અને હવે તે પહેલાં જેવી મજબૂત જ્ઞાન વ્યવસ્થા રહી નથી.

રાહુલ ગાંધીએ પત્રમાં લખ્યું કે ઝારખંડમાં પણ વિદ્યાર્થીઓ રાજ્ય ભરતી પરીક્ષાઓમાં કથિત ગેરરીતિઓ સામે શાંતિપૂર્ણ આંદોલન કરી રહ્યા છે અને તેમની માંગણીઓ વ્યાજબી છે. તેમણે વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરવા માટે રાજ્ય સરકાર દ્વારા સમિતિની રચના કરવાના પગલાની પ્રશંસા કરી હતી, પરંતુ કહ્યું કે તેમ છતાં આંદોલન ચાલુ છે અને કેટલાક વિદ્યાર્થીઓ હજુ પણ અચોક્કસ મુદતની ભૂખ હડતાળ પર બેઠા છે.

કૉંગ્રેસ નેતાએ મુખ્યમંત્રી સોરેનને આગ્રહ કર્યો કે તેઓ પોતે આંદોલનકારી વિદ્યાર્થીઓના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરે. તેમના જણાવ્યા મુજબ, આનાથી વિદ્યાર્થીઓની ચિંતાઓનું નિરાકરણ લાવવા પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતા વધુ મજબૂત થશે.

પોતાના પત્રના અંતમાં રાહુલ ગાંધીએ કહ્યું કે ભારતનું યુવાધન જ દેશનું ભવિષ્ય છે. આ મુશ્કેલ સમયમાં આપણે તેમની સાથે ઊભા રહેવું જોઈએ. કૃપા કરીને તેમની વાત સાંભળો અને આ મુદ્દાના ઉકેલ માટે યોગ્ય પગલાં ભરો.

NET પરીક્ષા રદ્દ થવા પર કેન્દ્ર સરકાર અને NTA પર રાહુલનું નિશાન

રાહુલ ગાંધીએ UGC-NETના 3 વિષયો (સમાજશાસ્ત્ર, અંગ્રેજી અને કોમર્સ)ની પરીક્ષાઓ રદ થવા પર કેન્દ્ર સરકાર અને NTA પર નિશાન તાક્યું. રાહુલ ગાંધીએ કહ્યું કે 22 થી 30 જૂન વચ્ચે આયોજીત પરીક્ષાઓ અંદાજે બે મહિના બાદ એટલા માટે રદ કરવામાં આવી કારણ કે પ્રશ્નપત્રોમાં ગંભીર ખામીઓ હતી અને જુના સવાલો રીપિટ કરાયા હતા. નેતા વિપક્ષે આરોપ લગાવ્યો કે NTAની ભૂલની સજા વિદ્યાર્થીઓએ ભોગવવી પડી રહી છે જેણે સપ્ટેમ્બરમાં ફરી પરીક્ષા આપવી પડશે. તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓએ વર્ષોની તૈયારી કરી, ફી ભરી, દૂરના પરીક્ષા કેન્દ્રો સુધી યાત્રા કરી અને હવે તેમણે આખી પ્રક્રિયા ફરી કરવી પડશે.