નવી દિલ્હી: આમ આદમી પાર્ટી(AAP)ના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા હાલ ખુબ ચર્ચામાં છે, તેઓ રાજ્યસભા ગૃહમાં સતત સામાન્ય લોકો સાથે જોડાયેલા મુદા ઉઠાવી રહ્યા છે. મંગળવારે તેમણે ભારતમાં ભ્રામક બ્રાન્ડિંગ અને ખોટી જાહેરાત હેઠળ વેચાતા પેકેજ્ડ ફ્રુટ જ્યુસનો મુદ્દો ઉઠાવ્યો હતો. ગૃહમાં રાઘવ ચઢ્ઢાએ જણાવ્યું કે ઘણા ઉત્પાદનો "સુગર સિરપ" છે, જેનું ફ્રુટ જ્યુસ તરીકે માર્કેટિંગ કરવામાં આવે છે.
રાઘવ ચઢ્ઢા કહ્યું કે ગ્રાહકોનો મોટો વર્ગ, ખાસ કરીને યુવા વર્ગ, આ પીણાંનું સેવન કરી રહ્યો છે, ગ્રાહકો સમજે છે કે તે સ્વાસ્થ્યપ્રદ અને પૌષ્ટિક છે, જ્યારે હકીકતમાં આ ઉત્પાદનો ફક્ત "સુગર સિરપ" છે. તેમણે આવા પીણાં પીવાથી સ્વાસ્થ્ય પર થતી ગંભીર અસરો અંગે પણ ચિંતા વ્યક્ત કરી, અને કહ્યું કે આવા પીણાંનું વધુ સેવન ડાયાબિટીસ, સ્થૂળતા જેવા રોગોનું કારણ બની શકે છે.
ચઢ્ઢાએ કહ્યું, "જ્યારે આપણે આ ઉત્પાદનો ખરીદીએ છીએ, ત્યારે પેકેટ પર તાજા ફળોના રસનો ફોટો હોય છે, પરંતુ પેકેજિંગની પાછળ લખેલું હોય છે કે આ ફોટો ફક્ત માર્કેટિંગ હેતુ માટે છે."
સરકાર શું કરી રહી છે?
સરકારને સવાલ કરતા રાઘવ ચઢ્ઢાએ કહ્યું, "હું માનનીય મંત્રીશ્રી પુછવા માંગુ છું કે સરકાર આં ગેરમાર્ગે દોરનારી છબીઓ પર પ્રતિબંધ મૂકવા માટે કેવા પગલાં લઈ રહી છે? જેથી કંપનીઓ ગ્રાહકોને ગેરમાર્ગે ન દોરે."
રાઘવ ચઢ્ઢાએ સરકારને એવો પણ પ્રશ્ન કર્યો કે જે તે ઉત્પાદન હાઈ સુગર ધરાવે છે એ પેકેટના આગળના ભાગમાં લખવું ફરજીયાત બનાવવા માટે સરકાર દ્વારા કેવા પગલાં લેવામાં આવી રહ્યા છે?
રાઘવ ચઢ્ઢાએ સરકારને અપીલ કરી કે ઉત્પાદન શ્રેણી સ્પષ્ટ કરવામાં આવે. ખરેખર ફ્રુટ જ્યુસ અને ખાંડમાંથી બનેલા પીણાં, કોન્સન્ટ્રેટ્સ અને પ્રિઝર્વેટિવ્સને અલગ શ્રેણીમાં વર્ગીકૃત કરવામાં આવે.
X પર પણ કરી પોસ્ટ:
સંસદમાં મુદ્દો ઉઠાવ્યા બાદ રાઘવ ચઢ્ઢાએ X પર પણ પોસ્ટ કરી, જેમાં તેમણે લખ્યું "તમને લાગે છે કે તમે ફળોનો રસ પી રહ્યા છો? ફરી એક વાર વિચાર કરો. મોટી ફૂડ બ્રાન્ડ્સ સુગર સીરપ વેચી રહી છે, જેને પેકેટ પર ચમકતા 'તાજા ફળો'ના ચિત્રો હોય છે."