Wed Jun 17 2026

Logo

બોલો, રાયબરેલીમાં માટીના વાસણો બનાવતા કુંભારને મળી સવા કરોડની GST નોટિસ

2026-02-22 19:47:47
Author: Mumbai Samachar Team
Article Image

રાયબરેલીઃ ઉત્તર પ્રદેશના રાયબરેલી જિલ્લામાં એક ચોંકાવનારી કહો કે કમનસીબ ઘટના બની હતી. અહીંના રહેવાસી મોહમ્મદ સઈદ નામના કુંભારને 1.25 કરોડ રૂપિયાની જીએસટી નોટિસ મળી હતી. સઈદ માટીના વાસણો બનાવે છે અને વેચે છે. તેની દૈનિક આવક એટલી ઓછી છે કે તેનાથી તેના ઘરના ખર્ચને માંડ પહોંચી શકે છે. એવામાં કરોડો રૂપિયાની ટેક્સ નોટિસ મળવી એ આઘાતજનક વાત છે.

નોટિસમાં જે દાવો કરવામાં આવ્યો છે તેનાથી વિપરીત મોહમ્મદ સઈદે કહ્યું કે તે ક્યારેય કોઈ કંપનીનો ચલાવતો નથી. એક મીડિયા રિપોર્ટ અનુસાર, તેને શંકા છે કે તેના પાન કાર્ડ અને આધાર કાર્ડનો ઉપયોગ કરીને તેના નામ પર છેતરપિંડીથી બિઝનેસ શરૂ કરવામાં આવ્યો છે.

માટીના વાસણો બનાવીને અને વેચીને તેના પાંચ સભ્યોના પરિવારનું ગુજરાન ચલાવતા સઈદે કહ્યું કે આ નોટિસમાં તે પટનામાં કાર્યરત ચાર કંપનીઓ સાથે જોડાયેલો હોવાનું કહેવામાં આવ્યું છે. તેણે કહ્યું કે થોડા વર્ષો પહેલા ગામનો એક વ્યક્તિ તેને લોન માટે પાન કાર્ડ અને આધાર કાર્ડ મેળવવામાં મદદ કરી હતી. 

જોકે, સઈદને ક્યારેય લોન મળી ન હતી અને તેના દસ્તાવેજો ગુમ થઈ ગયા હતા. હવે તેને ડર છે કે ગુમ થયેલા દસ્તાવેજોનો દુરુપયોગ કરીને તેના નામે કંપનીઓ રજીસ્ટર કરવા માટે કરવામાં આવી હશે. તેણે કહ્યું કે મને જાણ થઈ કે પટનામાં મારા નામે ચાર કંપનીઓ ચાલી રહી છે. અમારી સાથે મોટી છેતરપિંડી થઈ છે.’

નવરાત્રિ દરમિયાન છ થી સાત મહિના પહેલા પહેલી જીએસટી નોટિસ આવી હોવાના અહેવાલ છે. સઈદ અશિક્ષિત હોવાથી તે દસ્તાવેજને વાંચી શક્યો નહોતો. તેણે માન્યું કે તેણે બેદરકારી કરી હતી અને મે આ નોટિસ કોઈ પાસે વંચાવી નહોતી. 

15 ફેબ્રુઆરીના રોજ જ્યારે બીજી નોટિસ આપવામાં આવી ત્યારે પરિવારે મદદ માંગી અને જાણ થઈ કે તેની પાસેથી 1.25 કરોડથી વધુની કથિત ટેક્સની માંગ કરવામાં આવી છે. આની જાણ થતા આખો પરિવાર ચોંકી ગયો. સઈદે કહ્યું કે "જો તમને લાગે કે અમે કોઈ છેતરપિંડી કરી છે, તો અમને ચોરની જેમ સજા કરો. પરંતુ જો નહીં તો કૃપા કરીને આ જ્યાંથી આવ્યું છે ત્યાં પરત કરો".

સઈદનો મોટો દીકરો 20 વર્ષનો ફરીદ અને નાનો દીકરો 18 વર્ષનો માના છે. તે બંન્ને માટીકામમાં મદદ કરે છે, જ્યારે તેની પુત્રીઓ ઘરની સંભાળ રાખે છે. પરિવારનું કહેવું છે કે તેઓ સમજી શકતા નથી કે માટીના વાસણો ફક્ત 2 રૂપિયામાં વેચનાર વ્યક્તિ પાસેથી આટલી મોટી ટેક્સની માંગણી કેમ કરવામાં આવી રહી છે. 

કુંભાર અને તેના સંબંધીઓએ જિલ્લા મેજિસ્ટ્રેટની ઑફિસને જાણ કરી હતી અને તેના દસ્તાવેજોના ખોટા ઉપયોગની તપાસ કરવા વિનંતી કરી હતી.