Sun Aug 30 2026

Logo

કતારના રાસ લાફાન ગેસ પ્લાન્ટમાં ભીષણ બ્લાસ્ટ; 13 શ્રમિકોના દર્દનાક મોત, ઘાયલોમાં ભારતીયો પણ સામેલ

2026-06-22 20:33:32
Author: Vimal Prajapati
કતારના રાસ લાફાન ગેસ પ્લાન્ટમાં ભીષણ બ્લાસ્ટ; 13 શ્રમિકોના દર્દનાક મોત, ઘાયલોમાં ભારતીયો પણ સામેલ

કતારમાં આવેલા રાસ લાફાન લિક્વિફાઇડ નેચરલ ગેસ પ્લાન્ટમાં ભીષણ આગ લાગી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આ ભીષણ વિસ્ફોટમાં ભારતીય અને પાકિસ્તાની સહિત ઓછામાં ઓછા 13 શ્રમિકોનું દર્દનાક મોત થયું હોવાનું પણ જાણવા મળ્યું છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે 66 થી પણ વધારો લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે. ગલ્ફ રાષ્ટ્રના ઉર્જા પ્રધાન સાદ અલ-કાબી દ્વારા પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આ દુ:ખદ ઘટનાની સત્તાવાર પુષ્ટિ કરી હોવાનું જાણવા મળ્યું છે. 

શ્રમિકો ગેસ પ્લાન્ટને ફરી શરૂ કરી રહ્યાં હતા

વધારે વિગતે વાત કરવામાં આવે તો, આ વિસ્ફોટ થયો તે સમયે શ્રમિકો ગેસ પ્લાન્ટને ફરી શરૂ કરવાની કામગીરી કરી રહ્યાં હતાં. માર્ચ મહિનામાં ઈરાન દ્વારા કરવામાં આવેલા હુમલાના કારણે આ એલએનજી પરિસરમાં કામગીરી ઠપ થઈ ગઈ હતી. લાંબા સમયથી બંધ પડેલા પ્લાન્ટને શરૂ કરવા માટે શ્રમિકો કામ કરી રહ્યાં હતા, આ દરમિયાન જ અચાનક જોરદાર બ્લાસ્ટ થયો અને 13 શ્રમિકોનું મોત થઈ ગયું. ઉર્જા પ્રધાન સાદ અલ-કાબીએ કહ્યું કે, જેની અમે ક્યારે આશા નથી રાખી તેવી ઘટના આજે બની છે. ખૂબ જ દુઃખ સાથે મને અમારા 13 શ્રમિકોના મૃત્યુની જાહેરાત કરવી પડી રહી છે, જેઓ ભારતીય અને પાકિસ્તાની મૂળના નાગરિકો હતા. 

ભારતીય દુતાવાસે પણ ચિંતા અને દુઃખ વ્યક્ત કર્યું

તમને જણાવી દઈએ કે, આ બ્લાસ્ટના કારણે જે 13 લોકોના મોત થયાં તે મામલે ભારતીય દુતાવાસે પણ ચિંતા અને દુઃખ વ્યક્ત કર્યું છે. આ દરમિયા કતાર સરકાર અને અને ત્યાંના નાગરિકોને સાથે રહેવા માટે પણ સંદેશ આપ્યો છે. ભારતીય દુતાવાસ દ્વારા એક્સ પર એક પોસ્ટ કરવામાં આવી જેમાં આ સંદેશ લખવામાં આવ્યો છે. ભારતીય દુતાવાસે એક્સ પોસ્ટમાં લખ્યું કે, ‘આ પડકારજનક અને મુશ્કેલ સમયમાં, ભારતીય દૂતાવાસ અને કતારમાં સમગ્ર ભારતીય સમુદાય કતારની સરકાર અને લોકોની સાથે છે. અમે અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોના ઝડપી સ્વસ્થ થવાની કામના કરીએ છીએ અને ગુમ થયેલા લોકોની સલામતી માટે પ્રાર્થના કરીએ છીએ’.

આ બ્લાસ્ટના કારણે જે લોકો પ્રભાવિત થયા છે, તેમને અને તેમના પરિવારોને મદદ કરવા માટે, ભારતીય દૂતાવાસે તાત્કાલિક અસરથી બે ઇમરજન્સી હેલ્પલાઇન નંબરો - +974-55647502 અને +974-55384683 - જારી કર્યા છે. એક સમર્પિત સપોર્ટ ઇમેઇલ આઈડી, cons.doha@mea.gov.in, જારી કરવામાં આવ્યો છે, જેના દ્વારા અસરગ્રસ્ત પરિવારો દૂતાવાસનો સંપર્ક કરી શકે છે. જે પણ લોકોને અસરગ્રસ્ત છે તેમને સત્વરે દુતાવાસને સંપર્ક કરવા માટે કહેવામાં આવ્યું છે.