પુરીઃ ઓડિશાના પુરીમાં આવેલા જગન્નાથ મંદિરમાં રત્ન ભંડાર (તિજોરી)માં રહેલી વસ્તુઓની ગણતરી કરવાનો બીજો તબક્કો આજે શરૂ કરવામાં આવ્યો છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણ મંદિરમાં રહેલા બહુમુલ્ય આભૂષણો અને વસ્તુઓની ગણતરી કરવામાં આવી રહી છે. આ પ્રક્રિયા અધિકારીઓની હાજરીમાં બુધવારે શરૂ કરવામાં આવી હતી. જેમાં મંદિર પાસે કેટલો ભંડાર છે તેની સ્પષ્ટ ગણતરી કરવામાં આવશે અને તેનું દસ્તાવેજીકરણ પણ કરવામાં આવશે.
11 એપ્રિલ સુધી આ ગણતરી કરવામાં આવશે
સૂત્રો જાણવા મળ્યું છે કે, આ પ્રક્રિયા રત્ન ભંડારના સુપરવાઈઝર કમિટીના અધ્યક્ષ ન્યાયાધીશ વિશ્વનાથ રથ અને શ્રી મંદિરના મુખ્ય પ્રશાસક અરવિંદ પાધીની ઉપસ્થિતિમાં કરવામાં આવી રહી છે. આગામી 11 એપ્રિલ સુધી આ ગણતરી કરવામાં આવશે. ત્યારે બાદ ફરી 13 એપ્રિલે ગણતરી શરૂ કરવામાં આવશે જે 16થી 18 એપ્રિલ સુધી ચાલશે તેવું જાણવા મળ્યું છે.
પારંપરિક રીતિ રિવાજો સાથે ચાલી રહી છે આ પ્રક્રિયા
વધારે વિગતે વાત કરવામાં આવે તો, તિજોરીમાં રાખવામાં આવેલી દરેક વસ્તુની વ્યવસ્થિત અને સચોટ ચકાસણી સુનિશ્ચિત કરવા માટે, આ પ્રક્રિયા ધીમે ધીમે અને કાળજીપૂર્વક હાથ ધરવામાં આવી રહી છે. આ કામગીરી પારંપરિક રીતિ રિવાજો સાથે કરવામાં આવી રહી છે. આ દરમિયાન શ્રીનાહર રાજપુરોહિત અને શ્રી જગન્નાથ મંદિર પ્રશાસનના વરિષ્ઠ અધિકારી પણ હાજર રહ્યાં હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. રત્ન ભંડારમાં રહેલી તમામ પ્રકારની વસ્તુઓનું દસ્તાવેજીકરણ પણ કરવામાં આવી રહ્યું છે, જેથી ભવિષ્યમાં કોઈ અડચણ ના આવી શકે!
ઇન્વેન્ટરી પ્રક્રિયાને કારણે મંદિરમાં દર્શન વ્યવસ્થામાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. ભક્તોને મુખ્ય પ્રવેશદ્વાર પાસે લગાવવામાં આવેલા લાકડાના બેરિકેડની બહારથી જ ભગવાન જગન્નાથના દર્શન કરવાની મંજૂરી આપવામાં આવી રહી છે. ઇન્વેન્ટરી પ્રક્રિયા જટીલ હોવાના કારણે ભક્તોને તેનાથી દૂર રહેવા માટે આ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જ્યા સુધી ઇન્વેન્ટરી પ્રક્રિયા ચાલે છે ત્યાં સુધી ભક્તોને દૂરથી ભગવાન જગન્નાથના દર્શન કરવાના રહેશે તેવી સૂચના પણ આપી દેવામાં આવી છે.