Sat Sep 05 2026

Logo

પંજાબ સહિત આ રાજ્યોમાં વહેલી ચૂંટણીના સંકેત! કેજરીવાલે કર્યો મોટો દાવો!

2026-06-27 21:49:00
Author: Devayat Khatana
પંજાબ સહિત આ રાજ્યોમાં વહેલી ચૂંટણીના સંકેત! કેજરીવાલે કર્યો મોટો દાવો!

Arvind Kejriwal AAP


નવી દિલ્હી: દેશની રાજનીતિમાં કઈક નવાજૂનીના એંધાણ દેખાઈ રહ્યા છે. તાજેતરમાં જ પંજાબમાં મુખ્ય પ્રધાન ભગવંત માનને શીખ ધર્મની સર્વોચ્ય સંસ્થા દ્વારા પંથ વિરોધી જાહેર કરી દેવામાં આવ્યા બાદ પંજાબની રાજનીતિમાં તોફાન આવી ગયું છે. આગામી દિવસોમાં વિધાનસભા ચૂંટણી પણ થવા જઈ રહી છે. અંદાજ છે કે આ ચૂંટણી ફેબ્રુઆરી 2027માં થવાની છે પરંતુ રાજનીતિમાં ચર્ચા છે કે ચૂંટણી નિર્ધારિત સમય કરતાં 3-4 મહિના પહેલા એટલે નવેમ્બર 2026માં થઈ શકે છે. 

જો કે હજુ સુધી ચૂંટણી પંચની તરફથી આ દિશામાં કોઈ સત્તાવાર જાહેરાત કે સંકેત આપવામાં આવ્યા નથી. પરંતુ સૂત્રોનું કહેવું છે કે પંજાબ, મેઘાલય અને ઉત્તરાખંડમાં ચૂંટણીના નિર્ધારિત સમય પહેલા જ આયોજન થઈ શકે છે. જો કે આટલું જ નહિ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સચિવ અરવિંદ કેજરીવાલ પણ આ દાવો કરી ચૂક્યા છે. 

સૂત્રોના જણાવ્યા અનુસાર, ચૂંટણીનું આયોજન તેના નિર્ધારિત સમય પહેલા જ કરાવવા પાછળ બે મુખ્ય વ્યવહારુ કારણો દર્શાવવામાં આવી રહ્યા છે. પંજાબની સાથે, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, ગોવા અને મણિપુર જેવા રાજ્યોમાં પણ ચૂંટણીઓ યોજાવાની છે. કારણ કે ઉત્તરાખંડ અને મણિપુર જેવા રાજ્યોમાં જાન્યુઆરી અને ફેબ્રુઆરી દરમિયાન ભારે ઠંડી અને હિમવર્ષા થાય છે, તેથી ત્યાં ચૂંટણીઓ યોજવી અત્યંત મુશ્કેલ બની જાય છે. ઠંડીના કારણે મતદાનમાં પણ ઘટાડો થાય છે. આ કારણોસર નવેમ્બરમાં આ રાજ્યોની સાથે પંજાબની ચૂંટણીઓ યોજવાની ચર્ચા થઈ રહી છે.

વધુમાં, વિરોધ પક્ષોનું કહેવું છે કે રાષ્ટ્રીય વસ્તી ગણતરીનો બીજો અને સૌથી મહત્વપૂર્ણ તબક્કો ફેબ્રુઆરી 2027 માં શરૂ થવાનો છે. દેશની મશીનરીનો નોંધપાત્ર ભાગ વસ્તી ગણતરીમાં રોકાયેલ હોવાથી, પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીઓ એકસાથે હાથ ધરવી અત્યંત પડકારજનક રહેશે.

જો કે આ પહેલા પણ આમ આદમી પાર્ટી (AAP) ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલના એક નિવેદને પંજાબમાં રાજકીય તાપમાન સંપૂર્ણપણે ગરમ કરી દીધું હતું. ભટિંડામાં એક રોડ શો દરમિયાન, કેજરીવાલે સ્પષ્ટપણે કહ્યું, "મને કહેવામાં આવ્યું છે કે ચૂંટણી ફેબ્રુઆરી 2027 ને બદલે નવેમ્બર 2026 માં યોજાઈ શકે છે. હવે અમારી પાસે ફક્ત થોડા મહિના બાકી છે, અને અમારું એકમાત્ર લક્ષ્ય ભગવંત સિંહ માનને ફરીથી મુખ્યમંત્રી બનાવવાનું છે."