Thu Jun 18 2026

Logo

ઉના દલિતકાંડ દોષિતોને કોર્ટે શું ફટકારી સજા, કેટલા રૂપિયાનો કર્યો દંડ

2026-03-17 12:29:00
Author: Mayurkumar Patel
Article Image

વેરાવળઃ ઉના દલિતકાંડ તમામ પાંચેય દોષિતને 5 વર્ષની સજા ફટકારવામાં આવી  છે. દરેક આરોપીને રૂપિયા 5,000નો દંડ પણ ફટકારાયો છે. કોર્ટના આદેશ મુજબ, તમામ સજાઓ એકસાથે ભોગવવાની રહેશે.   મહત્વપૂર્ણ બાબત એ છે કે, આ કેસના તમામ આરોપીઓ 6 વર્ષથી વધુ સમયથી જેલવાસ ભોગવી રહ્યા છે. આ પરિસ્થિતિમાં, કાનૂની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમામ દોષિતોને જેલમાંથી મુક્ત થવાનો માર્ગ પણ ખુલ્લો બન્યો છે.  વેરાવળ સેશન્સ કોર્ટે આ કેસના મુખ્ય 5 આરોપી રમેશ જાદવ, રાકેશ જોશી, પ્રમોદ ગૌસ્વામી, નાગજી ડાયા અને બળવંત ગૌસ્વામીને પૂર્વનિયોજિત હુમલો અને અત્યાચાર ગુજારવા બદલ દોષિત ઠેરવ્યા હતા.

ગુજરાતમાં વર્ષ 2016માં ખૂબ જ ચર્ચામાં રહેલા ગીર-સોમનાથ જિલ્લાના ઉના દલિતકાંડમાં વેરાવળ કોર્ટે ચુકાદો આપ્યો હતો, જેમાં પાંચ આરોપીને દોષિત ઠેરવવામાં આવ્યા હતા. આ કેસમાં કુલ 42 આરોપીમાંથી પુરાવાના અભાવે 37 આરોપી નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. નિર્દોષ જાહેર કરાયેલા આરોપીમાંથી બેના મોત નિપજ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. 

શું હતી ઘટના

આ ઘટના વર્ષ 2016ની 11મી જુલાઈએ ઘટી હતી. ઊનાના મોટા સમઢિયાળા ગામમાં દલિત સમાજના સાત સભ્યને ગૌહત્યાના કથિત આરોપ મામલે ઢોરમાર મારવામાં આવ્યો હતો. તે સમયના અહેવાલો અનુસાર તેમને કાર સાથે બાંધી, લાકડીઓ, પાઈપ સહિતના હથિયારોથી માર મારી અમાનુષી અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો. આ કેસમાં ચાર પોલીસ અધિકારી સહિત 42 જણની ધરપકડ કરવામાં આવી હતી. આ ઘટનાના પ્રત્યાઘાતો દેશભરમાં પડ્યા હતા. 

માર માર્યાનો વીડિયો વાયરલ થયા બાદ ગુજરાતના વિવિધ ભાગોમાં આંદોલનો થયા હતા. અમુક આંદોલન હિંસક પણ બન્યા હતા. આ ઘટનાની રાષ્ટ્રીય કક્ષાએ ગંભીર નોંધ લેવાઈ હતી અને કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી, દિલ્હીના તત્કાલિન  મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ, ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન માયાવતી સહિતની નેતાઓએ પીડિતોની મુલાકાત લીધી હતી. ગુજરાતના તત્કાલિન મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલ પણ પીડિતોને મળવા તેમના ઘરે ગયાં હતાં. આ મામલો સંસદમાં પણ બહુ ગાજ્યો હતો. દસ વર્ષ બાદ આ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો આવ્યો હતો.