Wed May 06 2026

Logo

પુણેમાં પાપ બળાત્કાર બાદ ચાર વર્ષની બાળકીની હત્યા: પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મૃત્યુનું કારણ ગૂંગળામણ: પોલીસ

2026-05-05 18:37:51
Author: યોગેશ ડી. પટેલ
Article Image

ANI


પુણે: પુણેના ભોર તાલુકાના નસરાપુરમાં 65 વર્ષના નરાધમે ચાર વર્ષની બાળકી પર બળાત્કાર ગુજાર્યા બાદ તેની હત્યા કરી હોવાની ચકચારી ઘટના ગયા સપ્તાહે બની હતી અને હવે પોસ્ટમોર્ટમ રિપાર્ટમાં બાળકીના મૃત્યુનું કારણ ગૂંગળામણ (એસ્ફિસ્કિયા) દર્શાવવામાં આવ્યું હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.આરોપીએ બાળકીના મોઢામાં કપડાંનો ડૂચો ખોસી દીધો હતો અને તેનું ગળું દબાવ્યું હતું, જેને કારણે ગૂંગળામણથી તેનું મૃત્યુ થયું હતું, પોર્સ્ટમોટમ રિપોર્ટમાં બાળકીના શરીર પર ઇજાઓ પણ દર્શાવવામાં આવી છે.
મજૂરીકામ કરનારો આરોપી ભીમરાવ કાંબળે ગુનાહિત ભૂતકાળ ધરાવે છે. તેની વિરુદ્ધ 1998 અને 2015માં આવા ગુના નોંધાયેલા છે અને બાદમાં તેને બંને કેસમાં છોડી દેવાયો હતો.

બાળકીને ખાવાનું આપવાને બહાને આરોપી તેને ઢોરના તબેલામાં લઇ ગયો હતો, જ્યાં બાળકી સાથે દુષ્કર્મ આચર્યા બાદ તેની હત્યા કરવામાં આવી હતી અને મૃતદેહ છાણના ઢગલામાં છુપાવ્યો હતો. સીસીટીવી ફૂટેજમાં આરોપી બાળકીને લઇ જતો નજરે પડ્યો હતો અને પોલીસે બાદમાં તેની ધરપકડ કરી હતી. આરોપી કાંબળે વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા અને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રોન ફ્રોમ સેકસ્યુઅલ ઓફેન્સીસ (પોક્સો) એક્ટ હેઠળ ગુનો દાખલ કરાયો હતો.નસરાપુરમાં પહેલી મેના રોજ બનેલી આ ઘટના બાદ લોકોમાં રોષ ભભૂકી ઊઠ્યો હતો અને તેમણે પોલીસ ચોકી બહાર મોટી સંખ્યામાં એકઠા થઇને વિરોધ પ્રદર્શન કર્યું હતું અને આરોપી સામે કડક કાર્યવાહીની માગણી કરી હતી. લોકોએ મુંબઈ-બેંગલુરુ હાઇવે પર રસ્તા રોકો કર્યું હતું.

દરમિયાન આ કેસની તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઇટી)ની રચના કરવામાં આવી હતી. આરોપીના પરિવારજનોએ પણ તેને આકરી સજા આપવામાં આવે, એવી માગણી કરી હતી. (પીટીઆઇ)