બીડ: ઑનલાઈન સટ્ટા અને જુગારની લતમાં ખેતીલાયક પાંચ એકર જમીન ગુમાવનારા પિતાએ બે માસૂમ દીકરીને ડીઝલ રેડી સળગાવવાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના બીડ જિલ્લામાં બની હતી.પોલીસના જણાવ્યા મુજબ માજલગાવના લહામેવાડી ગામમાં બીજી મેના રોજ બનેલી ઘટના પ્રકરણે આરોપી મહેશ વિષ્ણુ સોમાસે વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો.લહામેવાડી ખાતે રહેતી અશ્ર્વિનીનાં લગ્ન 2019માં મહેશ સાથે થયાં હતાં. શરૂઆતનાં બે-ત્રણ વર્ષ તેમનું દામ્પત્ય જીવન સુખેથી પસાર થયું, પરંતુ બાદમાં મહેશને ઑનલાઈન ગેમ અને સટ્ટાની લત લાગતાં વિવાદ શરૂ થયો હતો. કહેવાય છે કે સટ્ટો અને જુગારમાં દેવું થતાં મહેશે પાંચ એકર જમીન ગુમાવી હતી.
બાકીની જમીન પોતાના નામ પર કરવા માટે પત્નીને પિયરથી રૂપિયા લઈ આવવા મહેશ સતત ત્રાસ આપતો હતો. વારંવાર મહેશ દ્વારા કરાતી મારપીટથી કંટાળી પત્ની ચાર અને પાંચ વર્ષની બે દીકરીને લઈ પિયર જતી રહી હતી.પત્નીને ઘરે પાછી આવવા માટે મહેશ વારંવાર તેને ફોન કરતો હતો, પરંતુ સમાજના મોવડીઓની મધ્યસ્થી વિના સાસરે આવવાનો અશ્ર્વિનીએ ઇનકાર કર્યો હતો. આ વાતે રોષે ભરાયેલો મહેશ બીજી મેની સાંજે પાંચ વાગ્યાની આસપાસ અશ્ર્વિનીના ઘેર ગયો હતો. બાઈકમાંથી ડીઝલ એક બૉટલમાં ભરીને આરોપી ગયો હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું હતું.
કહેવાય છે કે દંપતી વચ્ચે બોલાચાલી થતાં આરોપીએ તેની બન્ને દીકરી પર ડીઝલ રેડ્યું હતું. પછી દીવાસળી ચાંપવા જતો હતો ત્યારે સ્થાનિક રહેવાસીઓ દોડી આવ્યા હતા અને બન્ને બાળકીને બચાવી લીધી હતી. આ પ્રકરણે પોલીસ વધુ તપાસ કરી રહી છે.