Tue Aug 25 2026

Logo

અકસ્માત બાદ મૃત્યુ પામેલા પુણેના વેપારીના  કુટુંબને 64 લાખનું વળતર ચૂકવવાનો આદેશ

2026-03-30 17:16:46
Author: Yogesh D. Patel
અકસ્માત બાદ મૃત્યુ પામેલા પુણેના વેપારીના  કુટુંબને 64 લાખનું વળતર ચૂકવવાનો આદેશ

થાણે: થાણેમાં મોટર એક્સિડેન્ટ ક્લેઇમ્સ ટ્રિબ્યુનલે (એમએસીટી) વર્ષ 2022માં અકસ્માત બાદ મૃત્યુ પામેલા પુણેના વેપારીના પરિવારજનોને 64.75 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો.એમએસીટીના સભ્ય આર. વી. મોહિતેએ પચીસમી માર્ચે અકસ્માતમાં સામેલ મોટરસાઇકલના માલિક અને થાણેની વીમા કંપનીને અરજીની તારીખથી વાર્ષિક નવ ટકા વ્યાજ સાથે દાવેદારોને સંયુક્ત રીતે અને અલગ અલગ રીતે વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો.

યુવરાજ ભગવાન જગતાપ (એ સમયે 42 વર્ષની વયનો)નો પુણેમાં ઓટોમોબાઇલ સર્વિસિંગનો વ્યવસાય હતો. પુણે જિલ્લામાં ચિખલી નજીક 24 નવેમ્બર, 2022ના રોજ તે માર્ગ ઓળંગી રહ્યો હતો ત્યારે મોટરસાઇકલે તેને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં યુવરાજના માથામાં ગંભીર ઇજા પહોંચી હતી અને 13 ડિસેમ્બરે તેનું મૃત્યુ થયું હતું, એમ દાવેદારો (મૃતકની પત્ની, બે પુત્ર અને માતા-પિતા)એ જણાવ્યું હતું.

પરિવારે મૂળ 2.19 કરોડ રૂપિયાથી વધુના નુકસાનની ગણતરી કરી હતી, પરંતુ નાણાકીય તંગીને કારણે તેમણે અરજીમાં એક લાખ રૂપિયા સુધીનો દાવો મર્યાદિત રાખ્યો હતો. જોકે ટ્રિબ્યુનલ દ્વારા ગણતરી કરીને તેમને ઉચ્ચ વળતર અપાવ્યું હતું.વીમા કંપનીએ દાવાનો વિરોધ કરીને મૃતક બેદરકાર હોવાનો અને મોટરસાઇકલસવાર પાસે માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ ન હોવાનો આક્ષેપ કર્યો હતો. જોકે ટ્રિબ્યુનલે વીમા કંપનીના આક્ષપને ફગાવી દીધા હતા. (પીટીઆઇ)