નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે પેપર લીક અને પરીક્ષાની વ્યવસ્થામાં છેડછાડ રોકવા માટે સાર્વજનિક પરીક્ષા બિલ 2026માં કડક જોગવાઈ કરવામાં આવી છે. દોષિતને 10 વર્ષ સુધીની જેલ અને ₹50 લાખ સુધીના દંડની સજા થશે. નવા કાયદામાં સેવા પ્રદાતાઓ સામે ₹5 કરોડ સુધીના દંડની જોગવાઈઓ, તેમજ ઝડપી તપાસ અને ફાસ્ટ-ટ્રેક કોર્ટનો સમાવેશ થાય છે.
આ બિલ તે 27 જુલાઈના રોજ લોકસભામાં રજૂ કરવામાં આવશે. નવા બિલમાં પરીક્ષાઓમાં અન્યાયી માધ્યમોનો ઉપયોગ કરનારાઓ માટે દંડમાં વધારો કરવામાં આવ્યો છે. આવા કેસોમાં દોષિત પુરવાર થતા હવે ઓછામાં ઓછી પાંચ વર્ષથી લઈને મહત્તમ દસ વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે.
50 લાખનો દંડ
આવા કેસમાં મહત્તમ દંડ વધારીને ₹50 લાખ કરવામાં આવ્યો છે. અગાઉ, મર્યાદા ₹10 લાખ હતી. કેન્દ્ર સરકારને જ્યારે પણ જરૂર પડે ત્યારે પરીક્ષા સંબંધિત કૌભાંડોની તપાસ કરવા માટે સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) ની રચના કરવાની સત્તા આપવામાં આવશે. પોલીસ, કેન્દ્રીય તપાસ એજન્સીઓ અથવા STF ને આવા કેસોની તપાસ બે મહિનાની અંદર પૂર્ણ કરવાની રહેશે જેથી કાર્યવાહી કરવામાં વિલંબ ન થાય.
ખાસ કરીને આવા કેસ થાય ત્યારે આ ટીમ પોતાની રીતે કામ કરશે. ઝડપી ન્યાય કરવા માટે દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ખાસ ફાસ્ટ-ટ્રેક કોર્ટ સ્થાપવાની જોગવાઈ કરવામાં આવી છે. આ કોર્ટ દૈનિક ધોરણે સુનાવણી કરશે. ચાર્જશીટ દાખલ થયા પછી તેનો ઉદ્દેશ્ય 3 મહિનાની અંદર ટ્રાયલ પૂર્ણ કરવાનો અને ચુકાદો આપવાનો રહેશે. કાયદાના અમલ પછી, હાલના પેન્ડિંગ કેસોને પણ આ ફાસ્ટ-ટ્રેક કોર્ટમાં ટ્રાન્સફર કરી શકાય છે.
એજન્સી માટે પણ કડક નિયમ
આ બિલ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ખાસ સરકારી વકીલોની નિમણૂક કરવાની પણ સત્તા આપે છે. આ ફાસ્ટ-ટ્રેક કોર્ટના ચુકાદાઓ સામે અપીલો હાઇકોર્ટની બે ન્યાયાધીશોની બેંચ સમક્ષ દાખલ કરી શકાય છે.જેમાં આવી અપીલોનો પણ 3 મહિનાની અંદર નિરાકરણ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે. સરકારે પરીક્ષા આપતી એજન્સીઓ અને સેવા માટે નિયમો પણ કડક બનાવ્યા છે.
જો કોઈ સેવા પરીક્ષા દરમિયાન પેપર લીક અથવા અન્ય કોઈપણ અનિયમિતતામાં સંડોવાયેલો જોવા મળે છે, તો તેમને ₹5 કરોડ સુધીનો દંડ થઈ શકે છે. આ પહેલા આ મર્યાદા ₹1 કરોડ હતી. વધુમાં આવી એજન્સીઓને જાહેર પરીક્ષાઓ યોજવાથી રોકવાની મુદત લંબાવવામાં આવી છે. હવે તેમના પર ચારને બદલે આઠ વર્ષ સુધી પ્રતિબંધ મૂકી શકાય છે. બિલ કંપનીના ડિરેક્ટરો અને વરિષ્ઠ અધિકારીઓ માટે જવાબદારી પણ નક્કી કરે છે. જો કંપનીના અધિકારીઓ પરીક્ષા કૌભાંડમાં સંડોવણી માટે દોષિત ઠરે છે તો તેમને ઓછામાં ઓછી પાંચ વર્ષની જેલ અને ₹5 કરોડ સુધીનો દંડ થઈ શકે છે.
વિદ્યાર્થીઓના હિતમાં લેવાયો નિર્ણય
આવા કિસ્સાઓમાં, લઘુત્તમ જેલની સજા પાંચથી વધારીને સાત વર્ષ કરવામાં આવી છે અને લઘુત્તમ દંડ ₹1 કરોડથી વધારીને ₹10 કરોડ કરવામાં આવ્યો છે. સરકાર જણાવે છે કે આ પગલું NEET-UG અને UGC-NET જેવી પરીક્ષાઓમાં પેપર લીક અને અનિયમિતતાની તાજેતરની ઘટનાઓને પગલે લેવામાં આવ્યું છે. સરકારનો ઉદ્દેશ્ય પરીક્ષા પ્રણાલીને સુરક્ષિત કરવાનો, દોષિતોને ઝડપી સજા સુનિશ્ચિત કરવાનો અને લાખો વિદ્યાર્થીઓના ભવિષ્યનું રક્ષણ કરવાનો છે.