Tue Sep 08 2026

Logo

પાકિસ્તાની ક્રિકેટરો ફરી વિવાદમાં: PSL મેચ દરમિયાન બોલ ટેમ્પરિંગ કર્યું, લાગી શકે છે પ્રતિબંધ

Lahor   2026-03-30 12:17:00
Author: Savan Zalariya
પાકિસ્તાની ક્રિકેટરો ફરી વિવાદમાં: PSL મેચ દરમિયાન બોલ ટેમ્પરિંગ કર્યું, લાગી શકે છે પ્રતિબંધ

લાહોર: પાકિસ્તાન ક્રિકેટ છેલ્લા ઘણાં સમયથી સતત વિવાદમાં રહેતું આવ્યું છે,  હાલ ચાલી રહેલી પાકિસ્તાન સુપર લીગ(PSL)માં પણ ઘણાં વિવાદો સર્જાઈ ચુક્યા છે, એવામાં ગઈ કાલે રવિવારે વધુ એક વિવાદનો ઉમેરો થયો. કરાચી કિંગ્સ સામેની મેચ દરમિયાન લાહોર કલંદર્સના ખેલાડીઓ પર બોલ ટેમ્પરિંગનો આરોપ મૂકવામાં આવ્યો છે.

આ રીતે કર્યું બોલ ટેમ્પરિંગ!
ગઈ કાલે લાહોરના ગદાફી સ્ટેડીયમમાં રમાયેલી મેચ ખુબ રોમાંચક રહી, કરાચી કિંગ્સને જીત માટે અંતિમ ઓવરમાં 14 રનની જરૂર હતી, લાહોર કલંદર્સ તરફથી ફાસ્ટ બોલર હરિસ રૌફ અંતિમ ઓવર ફેંકવા આવ્યો. રન-અપ પહેલા લાહોર કલંદર્સનો કેપ્ટન શાહીન શાહ આફ્રિદી, ફખર ઝમાન અને હરિસ રૌફ ચર્ચા કરવા થડીવાર માટે રોકાયા હતાં, ચર્ચા દરમિયાન તેઓ બોલને હેન્ડલ કરતા જોવા મળ્યા હતાં. વિડીયોમાં જોવા મળે છે કે ફખર ઝમાન બોલને બંને હાથ વચ્ચે દબાવીને નખ વડે ખોતરે છે, ત્યાર બાદ બોલ બોલરને આપે છે.

અમ્પાયરે પકડી પાડ્યા:
ખેલાડીઓની આ હરકત પર ધ્યાન જતાં અમ્પાયર ફૈઝલ આફ્રિદીએ બોલ મંગાવ્યો, તેનું નિરીક્ષણ કર્યું અને બીજા ઓન-ફિલ્ડ અમ્પાયર શર્ફુદ્દૌલા સાથે ચર્ચા કરી. તાપસ બાદ બંને અમ્પાયરોએ જણાયું કે બોલ સાથે  ઇરાદાપૂર્વક છેડછાડ કરવામાં આવી છે. 

લાહોરને ભૂલ ભારે પડી:
કરાચીને પાંચ પેનલ્ટી રન આપવામાં આવ્યા હતા, હવે કરાચીને છેલ્લી ઓવરમાં નવ રનની જરૂર હતી. અમ્પાયરોએ બોલ બદલી નાખ્યો. કરાચીનો બેટર ખુશદિલ શાહ છેલ્લી ઓવરના પહેલા બોલ પર આઉટ થયો, ત્યાર બાદ રઉફે વાઈડ બોલ ફેંક્યો. અબ્બાસ આફ્રિદીએ એક ચોગ્ગો અને છગ્ગો ફટકારીને કરાચીને 19.3 ઓવરમાં ચાર વિકેટથી જીત અપાવી.

PCBએ આપ્યું નિવેદન:
મેચ બાદ ક્રિકેટર પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ(PCB)એ પણ એક નિવેદન જાહેર કર્યું. PCBએ જણાવ્યું, "મેચ રેફરી રોશન મહાનામાની આગેવાની હેઠળની સુનાવણી દરમિયાન ફખરે તેના પર લાગેલા આરોપને નકારી કાઢ્યો હતો. આગામી 48 કલાકમાં બીજી સુનાવણી કરવામાં આવશે, ત્યારબાદ મેચ રેફરી પોતાનો ચુકાદો જાહેર કરશે. જો તે દોષિત ઠરે છે, તો લેવલ 3 ના ગુના માટે તેના પર એક મેચનો પ્રતિબંધ લાદવામાં આવશે.”

બોલ ટેમ્પરિંગ એક મોટો ગુનો!
ઓસ્ટ્રેલિયનના ડેવિડ વોર્નર અને સ્ટીવ સ્મિથ જેવા દિગ્ગજ ક્રિકેટરો બોલ ટેમ્પરિંગ માટે દોષિત સાબિત થયા હતાં, તેમના પર લાંબો પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. તેમની ઝળહળતી કારકિર્દી સાથે આ બોલ ટેમ્પરિંગ વિવાદ કલંકની જેમ જોડાયેલો રહે છે.