Thu Jun 18 2026

Logo

ભુજ અને દિલ્હી વચ્ચે ટ્રેન સેવા શરૂ કરવાની તૈયારી, યાત્રીઓને મળશે નવી સુવિધા

2026-03-25 11:42:00
Author: Mumbai Samachar Team
Article Image

ભુજઃ કચ્છથી મુંબઈ વચ્ચે પશ્ચિમ રેલવે દ્વારા અનેક ટ્રેનોનું સંચાલન કરવામાં આવે છે, પરંતુ ઉત્તર ભારત સાથેની કનેક્ટિવિટીના અભાવે લાંબા સમયથી પ્રવાસીઓ હાલાકી ભોગવી રહ્યા છે. આ સમસ્યાના નિરાકરણ રૂપે, ઉત્તર-પશ્ચિમ રેલવે દ્વારા ભુજ-દિલ્હી દૈનિક ટ્રેન દોડાવવા માટેની મહત્વની દરખાસ્ત રેલવે બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવી છે. જો બધું આયોજન મુજબ રહ્યું તો ચાલુ મહિનાના અંત સુધીમાં આ નવી ટ્રેન શરૂ થઈ શકે છે.

બે વખત ટ્રેનનું એન્જિન બદલાશે

રેલવેના આધારભૂત સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વહીવટીતંત્ર દ્વારા અગાઉ ભુજથી ચંદીગઢ વચ્ચે ટ્રેન શરૂ કરવાનું આયોજન હતું. જોકે, ચંદીગઢ રેલવે સ્ટેશન પર મેન્ટેનન્સ માટે જરૂરી સ્લોટ ખાલી ન હોવાથી, રેલવેએ આ દરખાસ્તમાં સુધારો કરી ભુજ-દિલ્હી દૈનિક ટ્રેન શરૂ કરવાનું સૂચન કર્યું છે. રેલવે બોર્ડને મોકલેલી દરખાસ્ત મુજબ, આ ટ્રેન ભુજ અને દિલ્હી વચ્ચેનું અંતર ૨૪ કલાકમાં કાપશે. આ ટ્રેન ભુજથી સવારે ૧૧:૦૦ વાગ્યે રવાના થશે અને વાયા ભીલડી, જાલોર, સમદડી, લુણી, અજમેર અને જયપુર થઈને બીજા દિવસે સવારે ૧૧:૦૦ વાગ્યે દિલ્હી પહોંચશે.   મુસાફરી દરમિયાન ટેકનિકલ કારણોસર બે વખત ટ્રેનનું એન્જિન બદલવાની પ્રક્રિયા કરવામાં આવશે.

નોંધનીય છે કે, અત્યાર સુધી ભુજ અને દિલ્હી વચ્ચે સીધી દૈનિક ટ્રેન સેવા ઉપલબ્ધ નથી. ભુજ-બરેલી એક્સપ્રેસમાં કોચની અછત અને અન્ય ટ્રેનોમાં કનેક્ટિવિટીના અભાવે મુસાફરોએ જોધપુર થઈને મુસાફરી કરવી પડતી હતી. આ નવી ટ્રેન શરૂ થવાથી રાજસ્થાનના અનેક શહેરો પ્રથમ વખત સીધા કચ્છ અને દેશની રાજધાની સાથે જોડાશે. દેશના અન્ય ભાગોમાંથી પ્રવાસીઓ સરળતાથી કચ્છના રણોત્સવને માણવા આવી શકશે તેમજ યાત્રાળુઓ માટે ઉત્તર ભારતની કનેક્ટિવિટી સુગમ બનશે.

દરમ્યાન, એક તરફ દિલ્હી ટ્રેનની આશા જાગી છે, ત્યારે બીજી તરફ ભુજથી હરિદ્વાર માટેની દરખાસ્ત હજુ પણ રેલવે બોર્ડમાં પેન્ડિંગ છે. ગુજરાતના અન્ય શહેરોથી હરિદ્વારની સુવિધા હોવા છતાં કચ્છ આ સેવાથી વંચિત છે, જે બાબતે પણ પ્રવાસીઓમાં માંગ પ્રબળ બની છે. 

(ઉત્સવ વૈદ્ય)