રાજેશ યાજ્ઞિક
સતત માથાનો દુખાવો, દૃષ્ટિમાં કાળા ડાઘ અથવા ઝાંખી દૃષ્ટિ, શ્ર્વાસ લેવામાં તકલીફ, ચહેરા અથવા હાથ પર સોજો, અચાનક વજન વધવો, પેટમાં ઉપરની બાજુ દુખાવો, પ્રેગ્નન્સીમાં ઉબકા અને વોમિટીંગ મહિલાઓ માટે ગર્ભાવસ્થા ઘણો નાજુક સમય ગણાય. તે દરમિયાન કેટલાક કોમ્પ્લિકેશન્સ પણ ઊભા થાય છે. આવી જ એક સમસ્યાનું નામ છે : પ્રિક્લેમ્પસિયા (Preeclampsia).
પ્રિક્લેમ્પસિયા એ બ્લડ પ્રેશરની ગંભીર સ્થિતિ છે, જે ગર્ભાવસ્થા દરમિયાન વિકસે છે. પ્રિક્લેમ્પસિયા ધરાવતા લોકોને ઘણીવાર હાઈ બ્લડપ્રેશર (હાયપરટેન્શન) અને પેશાબમાં પ્રોટીનનું પ્રમાણ (પ્રોટીન્યુરિયા) વધારે હોય છે. પ્રિક્લેમ્પસિયા સામાન્ય રીતે ગર્ભાવસ્થાના 20મા અઠવાડિયાં પછી વિકસે છે.
પ્રિક્લેમ્પસિયા શરીરના અન્ય અવયવોને પણ અસર કરી શકે છે,જેમકે કિડની અને લીવરને નુકસાન, મગજને ઇજા અને અન્ય ગંભીર આડઅસરો પેદા કરી શકે છે. તે સગર્ભા અને વિકાસશીલ ગર્ભ બંને માટે ખતરનાક છે. આ જોખમોને કારણે, તબીબ પાસે ગર્ભાવસ્થાનું નજીકથી નિરીક્ષણ કરવાની અને તાત્કાલિક સારવાર કરાવવાની જરૂર રહે છે.
લક્ષણો શું છે?
પ્રિક્લેમ્પસિયાના કેટલાક પ્રથમ સંકેતોમાં હાઈ બ્લડપ્રેશર, તમારા પેશાબમાં પ્રોટીન અને પાણી રોકાવું (આનાથી વજન વધી શકે છે અને સોજા ચઢી શકે છે) છે. અન્ય ચિહ્નોમાં માથાનો દુખાવો, ઝાંખી દ્રષ્ટિ અથવા પ્રકાશ સંવેદનશીલતા, દ્રષ્ટિમાં કાળા ડાઘ દેખાવા, ઉપર જમણી બાજુ પેટમાં દુખાવો, તમારા હાથ, પગની ઘૂંટીઓ અને ચહેરા પર સોજો (એડીમાં) અને શ્વાસ લેવામાં તકલીફ ઊભી થઈ શકે છે.
જ્યાં સુધી તબીબ નેટલ એપોઇન્ટમેન્ટમાં બ્લડપ્રેશર અને પેશાબની તપાસ ન કરે ત્યાં સુધી સગર્ભાને ઘણીવાર ખબર નથી હોતી કે તેમને પ્રિક્લેમ્પસિયા છે. તેથી તબીબ સાથે ગર્ભાવસ્થાનાં બધાં લક્ષણો શેર કરવા પણ મહત્ત્વપૂર્ણ છે.
ગંભીર પ્રિક્લેમ્પસિયાના કિસ્સામાં હાયપરટેન્સિવ ઇમરજન્સી (બ્લડપ્રેશર 160/110 mmHg કે તેથી વધુ), કિડની અથવા લીવરના કાર્યમાં ઘટાડો, ફેફસાંમાં પ્રવાહી (પલ્મોનરી એડીમા), લોહીમાં પ્લેટલેટનું સ્તર ઓછું (થ્રોમ્બોસાયટોપેનિયા), પેશાબ ન બનવો અથવા ખૂબ ઓછું ઉત્પન્ન થવું જેવી સમસ્યાઓ જોવા મળે છે.
પ્રિક્લેમ્પસિયા થવાનાં કારણ વિશે સંશોધકો હજી સ્પષ્ટ નથી, પણ એવું માનવામાં આવે છે કે પ્રિક્લેમ્પસિયા પ્લેસેન્ટામાં રક્ત પુરવઠામાં સમસ્યાને કારણે થઈ શકે છે. પ્લેસેન્ટા સ્ત્રીના શરીરનો તે ભાગ છે જ્યાં બાળક વિકસે છે (ગર્ભાશય), જે બાળકને રક્ષણ આપે છે અને નાભિ સાથે જોડાયેલી નળી દ્વારા ખોરાક પૂરો પાડે છે.
કોને જોખમ વધારે છે?
હાઈ બ્લડપ્રેશર, કિડની રોગ અથવા ડાયાબિટીસનો ઇતિહાસ, જોડિયા કે તેનાથી વધુ બાળકો ગર્ભમાં હોય, લ્યુપસ જેવી સમસ્યા પહેલેથી જ હોય અને જેમને પહેલાની ગર્ભાવસ્થામાં પ્રિક્લેમ્પસિયાની સમસ્યા થઇ હોય તેમને જોખમ વધુ હોઈ શકે. તે ઉપરાંત વધુ વજન ધરાવનાર, આ સમસ્યાનો પારિવારિક ઇતિહાસ ધરાવનાર, 35 વર્ષથી વધુની ઉંમરે ગર્ભવતી થનાર મહિલાઓને પણ આ સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.
પ્રિક્લેમ્પસિયાના કારણે કેટલાક કોમ્પ્લિકેશન્સ પણ ઊભા થઇ શકે છે, જેમકે, સમય પહેલા બાળકનો જન્મ, બાળકનું વજન ઓછું હોવું. માતાની વાત કરીએ તો સીઝર, સ્ટ્રોક આવવો, ગંભીર સ્થિતિમાં કોમામાં ચાલ્યા જવું, કિડનીની સમસ્યા ઉત્પન્ન થવી જેવી તકલીફો સર્જાય છે. જોકે, મોટાભાગના કિસ્સામાં, નિયમિત તબીબી તપાસથી પરિસ્થિતિ નિયંત્રણમાં રહે છે.
પ્રિક્લેમ્પસિયા સામાન્ય રીતે ડિલિવરી પછીના થોડા દિવસોથી લઈને કેટલાંક અઠવાડિયામાં દૂર થઈ જાય છે. ક્યારેક, ડિલિવરી પછી થોડાં અઠવાડિયાં સુધી તમારું બ્લડપ્રેશર ઊંચું રહી શકે છે, જેના માટે સારવારની જરૂર પણ પડે.
ગર્ભાવસ્થામાં આ સમસ્યાથી બચવા પહેલેથી વજન નિયંત્રણમાં રાખવું, યોગ્ય પ્રમાણમાં ઊંઘ લેવી, બ્લડપ્રેશર અને બ્લડસુગર નિયંત્રણમાં રાખવું જેવા પગલાં લેવા જોઈએ તેવી સલાહ તબીબો આપે છે. અને હા, યોગ્ય ખોરાક તો દરેક આરોગ્ય સમસ્યાની જેમ આ અવસ્થામાં પણ અત્યંત જરૂરી બાબત છે. જોકે, તબીબો એક ચેતવણી પણ આપે છે કે, ગર્ભાવસ્થા દરમિયાન સૂચવેલી દવાઓ સિવાય, માથાના દુખાવા જેવી બાબત માટે પણ વધારાની દવા લેતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી જોઈએ.