Sat May 02 2026

Logo

રામયુગમાં ભગવાન રામ, કળિયુગમાં સોનિયા ગાંધીએ ગાદીનો ત્યાગ કર્યો: કોંગ્રેસ નેતાનું નિવેદન

2026-03-23 10:38:00
Author: Devayat Khatana
Article Image

અમરેલી: તાજેતરમાં જ ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ અમરેલી મુલાકાત દરમિયાન કોંગ્રેસને આડે હાથ લઈને આક્ષેપ કર્યા હતા. જગદીશ વિશ્વકર્માના આક્ષેપોનો કોંગ્રેસ નેતા પ્રતાપ દૂધાતે જાફરાબાદમાં કોંગ્રેસના એક કાર્યક્રમના મંચ પરથી વળતો જવાબ આપ્યો હતો. સોનિયા ગાંધી પર કરવામાં આવેલા કટાક્ષનો ઉલ્લેખ કરતા દુધાતે જણાવ્યું હતું કે, રામયુગમાં ભગવાન રામે ગાદીનો ત્યાગ કર્યો હતો, જ્યારે કળિયુગમાં સોનિયા ગાંધીએ સત્તાનો ત્યાગ કરીને આદર્શ સ્થાપિત કર્યો છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે સોનિયા ગાંધીને વડાપ્રધાન બનતા કોઈ રોકી શકતું ન હતું, તેમ છતાં તેમણે સામે ચાલીને ગાદીનો ત્યાગ કર્યો હતો.

ભાજપ પર આકરા પ્રહારો કરતા પ્રતાપ દુધાતે ભાજપને મોઢે જુદી જુદી વાતો હોવાનો આક્ષેપ કર્યો હતો. ગુજરાત બહારની ચૂંટણીમાં સબસિડીઓ આપે છે. જ્યારે કોંગ્રેસ પાર્ટીની આખા દેશમાં એક જ વાત કરે છે. કોંગ્રેસમાં કોઈ મૂડીપતિ નથી બેઠા, તે બધા ભાજપમાં જ બેઠા હશે. ભાજપે ૧૦ વર્ષમાં જ પ્રજાના પરસેવાના પૈસા લૂંટીને પાર્ટીનું ફંડ ૧૫૦૦૦ કરોડ ભેગું કર્યું, જ્યારે કોંગ્રેસ પ માત્ર ૧૨૫ કરોડ રૂપિયા છે. આ જોતાં લાગે છે કે ભાજપ કરતાં અંગ્રેજો સારા છે, કારણ કે તેની કામ કરવાની પદ્ધતિ તો હતી. આજે ભારતમાં સંપતિ અમુક માણસોના હાથમાં આવી ગઈ છે. 

તેમણે ભાજપની વિચારસરણીને 'નાગણી' જેવી ગણાવી હતી અને આક્ષેપ કર્યો હતો કે આ પાર્ટી પોતાના જ વડીલોનું સન્માન જાળવતી નથી. તેમણે લાલકૃષ્ણ અડવાણીનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે ભાજપમાં વરિષ્ઠ નેતાઓની સતત અવગણના કરવામાં આવે છે. વધુમાં તેમણે દાવો કર્યો હતો કે કોંગ્રેસ એ ખેડૂત, ગરીબ અને ગામડાના લોકોની પાર્ટી છે, જે એક સામાન્ય કાર્યકર્તામાંથી અનેક મજબૂત નેતાઓ તૈયાર કરે છે.

દુધાતે જાફરાબાદ વિસ્તારની જનતાને સંબોધતા કહ્યું હતું કે અત્યારે સરકારમાં બેઠેલા અનેક લોકો મૂળ કોંગ્રેસની વિચારસરણીમાંથી જ આવ્યા છે. તેમણે બદલાતા સમયનો સંકેત આપીને લોકોને જાગૃત કર્યા હતા અને જે લોકો જનતાની વચ્ચે જઈને નિઃસ્વાર્થ સેવા કરવા માંગતા હોય તેમને આગળ આવવા માટે આહ્વાન કર્યું હતું. તેમણે નવા કાર્યકરોને હાકલ કરતાં કહ્યું હતું કે પરિણામની ચિંતા નહિ કરવાની લડવાની હાકલ કરી હતી, સત્ય માટે લડતા હોય ત્યારે શરમ ન હોય. આમ, અમરેલીના રાજકારણમાં ગાદીના ત્યાગ અને વરિષ્ઠોના સન્માનના મુદ્દે ભાજપ-કોંગ્રેસ વચ્ચે વાકયુદ્ધ તેજ બન્યું છે.