Sat May 16 2026

Logo

પુત્રની સ્કૂલ ફી ભરવા માટે મહિલાએ બે જ્વેલર્સમાં હાથફેરો કર્યો

2026-05-16 08:46:00
Author: Mumbai Samachar Team
Article Image

અમદાવાદઃ કહેવાય છે કે માતા પોતાના દીકરા-દીકરી માટે એટલે કે પોતાના સંતાનો માટે કોઇપણ હદે જઇ શકે છે. અમદાવાદમાં એક માતાએ પોતાના સંતાનોના ભવિષ્ય માટે ચોરીનો રસ્તો પસંદ કર્યો. માતા સંતાનોનું ભવિષ્ય બનાવવા ગુનેગાર બની. જો કે ગુનાનો અંજામ જેલ જ હોય છે. અમદાવાદમાં માણેકચોકના જાણીતા જ્વેલર્સમાં ગ્રાહક બનીને આવેલી મહિલાએ નજર ચૂકવી લાખોના સોનાના દાગીનાની ચોરી કરી. જોકે, ખાડિયા પોલીસે CCTV ફૂટેજના આધારે ગણતરીના કલાકોમાં જ મહિલાની ધરપકડ કરી બે ગુનાનો ભેદ ઉકેલી નાખ્યા છે.

ગ્રાહક બનીને આવેલી મહિલાએ 5.85 લાખની બંગડીઓ ચોરી

ચોરીની ઘટનાની વિગત એવી છે કે મૂળ પોરબંદરની પલક રાજપૂત નામની મહિલાએ ગુરુવારે બપોરે માણેકચોક વિસ્તારમાં આવેલા 'માઇશા જ્વેલર્સ'માં સોનાની બંગડીઓ ખરીદવાના બહાને આવી હતી. જ્વેલર્સના કર્મચારીની નજર ચૂકવી રૂ. 5.85 લાખની કિંમતની સોનાની બંગડીઓ લઈ ફરાર થઈ ગઈ હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી, જેના આધારે ખાડિયા પોલીસે ગીતા મંદિર નજીકથી તેની ધરપકડ કરી છે.

પુત્રના ભવિષ્ય માટે ગુનાખોરીના રવાડે ચડી

પોલીસ પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, પલકનો પતિ સાથે છૂટાછેડાનો કેસ ચાલી રહ્યો છે અને તેનો પુત્ર ધોરણ 9 માં અભ્યાસ કરે છે. પુત્રની સ્કૂલ અને હોસ્ટેલની ફી ન ભરાતા તેને કાઢી મૂકવાની નોબત આવી હતી. આ આર્થિક સંકળામણ દૂર કરવા અને પુત્રની ફી ભરવા માટે તેણે ચોરી કરવાનું નક્કી કર્યું હતું. એટલું જ નહીં, તેણે કાગડાપીઠ વિસ્તારમાં આવેલા 'કલ્યાણી ગોલ્ડ પેલેસ'માં પણ રૂ. અઢી લાખની બંગડીઓની ચોરી કરી હોવાની કબૂલાત કરી છે.

ધનિક પરિવારની મહિલા ગુનેગાર

પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે પલક ગર્ભશ્રીમંત પરિવારમાંથી આવે છે અને પોરબંદરમાં કાપડની દુકાન પણ ચલાવતી હતી. વર્ષ 2021 માં પણ તેણે મોબાઈલની ચોરી કરી હોવાનું ખુલ્યું છે. હાલમાં ખાડિયા પોલીસે આ બંને ચોરીનો મુદ્દામાલ કબજે કરી આરોપી મહિલાના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.