Wed Jun 17 2026

Logo

બાંગ્લાદેશમાં તારિક રહેમાનના શપથ ગ્રહણમાં વડાપ્રધાન મોદીને આમંત્રણ; શું આમંત્રણ સ્વીકારશે?

2026-02-15 12:33:00
Author: Savan Zalariya
Article Image

નવી દિલ્હી: બાંગ્લાદેશમાં તાજેતરમાં યોજાયેલી રાષ્ટ્રીય ચૂંટણીમાં બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી(BNP)ની મોટી જીત થઇ છે. તારિક રહેમાન બાંગ્લાદેશના વડાપ્રધાન તરીકે 17 ફેબ્રુઆરીના રોજ શપથ ગ્રહણ કરવાના છે, ઢાકામાં યોજાનારા આ શપથ ગ્રહણ સમારોહમાં દક્ષિણ એશિયા એશિયા સહીત વિશ્વના ઘણાં દેશોની સરકારના વડાને આમંત્રણ આપવામાં આવ્યું છે. ભારતનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.  

BNPના ટોચના નેતાઓની ભલામણ પર બાંગ્લાદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર પ્રોફેસર મુહમ્મદ યુનુસે 13 દેશોની સરકારના વડાઓને તરીક રહેમાનના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા આમંત્રણ આપ્યું છે.

શનિવારે મોડી રાત્રે ભારતીય અધિકારીઓ સુધી વડાપ્રધાન મોદીને આમંત્રણનો મેસેજ પહોંચાડવામાં આવ્યો હતો. બાંગ્લાદેશ સાથે ભારતના રાજ્દ્વારીય સંબંધો તનાવપૂર્ણ છે, ત્યારે સવાલ છે કે વડાપ્રધાન મોદી આ શપથ વિધિમાં હાજરી આપશે કે કેમ?

વડાપ્રધાન આ કારણે હાજરી નહીં આપે:
ભારત સરકારે કે વડાપ્રધાન કાર્યાલયે હજુ સુધી BNPના આમંત્રણ અંગે નિર્ણયની સત્તાવાર જાહેરાત કરી નથી, પરંતુ વડાપ્રધાન તારિક રહેમાનના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપે તેવી શક્યતા નહીંવત છે. 

નોંધનીય છે કે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન આવતા અઠવાડિયે AI ઇમ્પેક્ટ સમિટમાં ભાગ લેવા માટે ભારત અવાવવાના છે.  વડાપ્રધાન મોદી 17 ફેબ્રુઆરીએ મુંબઈમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે દ્વિપક્ષીય બેઠક યોજવા છે.


શેહબાઝ શરીફ  સાથે સ્ટેજ શેર નહીં કરે:
અહેવાલ મુજબ BNPએ દક્ષિણ એશિયન એસોસિએશન ફોર રીજીયોનલ કોઓપરેશન (SAARC) ના સભ્ય દેશો અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ભૂટાન, ભારત, માલદીવ, નેપાળ, પાકિસ્તાન અને શ્રીલંકાના વડાને આમંત્રણ આપ્યું છે. ચીન, મલેશિયા, UAE, બ્રુનેઇ, સાઉદી અરેબિયા અને તુર્કી જેવા બાંગ્લાદેશના નજીકના મિત્ર દેશોના વડાઓને આમંત્રણ પણ આપવામાં આવ્યું છે. 

અહેવાલ મુજબ વડાપ્રધાન મોદી પાકિસ્તાનના વડા પ્રધાન શેહબાઝ શરીફ સાથે એક સ્ટેજ પર આવવા નથી ઈચ્છી રહ્યા. આ ઉપરાંત ચીન અને તુર્કી જેવા દેશો સાથે પણ ભારતના સંબંધો સારા નથી.

વડાપ્રધાનને બદલે કોણ હાજરી આપશે?
અહેવાલ મુજબ વડાપ્રધાન મોદીને બદલે ભારત સરકાર કોઈ વરિષ્ઠ પ્રતિનિધિને તારિક રહેમાનની શપથવિધિમાં મોકલી શકે છે. કદાચ ભારતના ઉપરાષ્ટ્રપતિ અથવા વિદેશ પ્રધાન તારીક રહેમાનના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી શકે છે, જો કે આ અંગે સત્તાવાર જાહેરાતની રાજ જોવાઈ રહી છે.