Wed Jun 17 2026

Logo

પીએમ મોદીના  ઈઝરાયેલ પ્રવાસ દરમ્યાન દેશને 'આયર્ન ડોમ'  ડિફેન્સ  ટેકનોલોજી મળવાની શકયતા

2026-02-23 19:08:23
Author: Chandrakant Kanojia
Article Image

મુંબઈ: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ઈઝરાયેલ પ્રવાસ દેશ માટે મહત્વપૂર્ણ સાબિત થવાના સંકેત મળી રહ્યા છે. ઇઝરાયલના મુંબઈ સ્થિત કોન્સ્યુલ જનરલ યાનિવ રેવાચે સંકેત આપ્યો છે કે  પીએમ મોદીના ઇઝરાયલ પ્રવાસ દરમિયાન બંને દેશો તેમના સંરક્ષણ કરારોનો વિસ્તાર કરશે. જેમાં ભારતને ઇઝરાયલની પ્રખ્યાત 'આયર્ન ડોમ' મિસાઈલ ડિફેન્સ  ટેકનોલોજી મળી શકે છે.

ભારતમાં જ આ સિસ્ટમોના ઉત્પાદન પર ધ્યાન કેન્દ્રિત કરાશે 

ઇઝરાયલી રાજદૂત યાનિવ રેવાચના જણાવ્યા અનુસાર  આ ફક્ત શસ્ત્રોની ખરીદી અને વેચાણ માટેનો સોદો નહીં હોય. પરંતુ 'મેક ઇન ઇન્ડિયા' પહેલ હેઠળ ભારતમાં જ આ સિસ્ટમોના ઉત્પાદન પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે  અમારો ધ્યેય આ કરારને ભારતમાં ઉત્પાદન અને આયર્ન ડોમ જેવી ટેકનોલોજી શેર કરવા સહિતના ચોક્કસ વિષયો સુધી વિસ્તૃત કરવાનો છે.  ભારત અને ઇઝરાયલ બંને સમાન સુરક્ષા પડકારોનો સામનો કરે છે. યાનિવે કહ્યું કે ઇઝરાયલ ભારત સાથે તેની સુરક્ષા પ્રણાલી ટેકનોલોજી શેર કરવા તૈયાર છે કારણ કે તે ભારતને એક મજબૂત અને વિશ્વસનીય વ્યૂહાત્મક ભાગીદાર માને છે. 

આયર્ન ડોમ  90 ટકાથી વધુ સફળતા દર માટે જાણીતી

ઇઝરાયલની આયર્ન ડોમ સિસ્ટમ હાલમાં વિશ્વની સૌથી અદ્યતન અને વિશ્વસનીય મિસાઇલ ડિફેન્સ સીસ્ટમમાંની  એક માનવામાં આવે છે. આયર્ન ડોમ  90 ટકા થી વધુ સફળતા દર માટે જાણીતી છે. તે  હવામાં દુશ્મનના ટૂંકા અંતરની મિસાઇલો અને રોકેટને તોડી પાડે છે.  જેમાં ઈરાન દ્વારા છોડવામાં આવેલા આશરે 450 મિસાઇલો અને 1,000 ડ્રોનમાંથી  આયર્ન ડોમે 90 ટકા થી વધુને સફળતાપૂર્વક અટકાવ્યા હતા. આ વૈશ્વિક સ્તરે કોઈપણ મિસાઇલ ડિફેન્સ સીસ્ટમ માટે એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે.

નેતન્યાહૂએ પીએમ મોદીને  મિત્ર  ગણાવ્યા 

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25 ફેબ્રઆરીથી બે દિવસની ઇઝરાયલ મુલાકાતે જવાના છે. આ પૂર્વે  ઇઝરાયલના વડાપ્ર્ધાન  બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું છે કે બંને દેશો આર્થિક, રાજદ્વારી અને સુરક્ષા ક્ષેત્રોમાં સહયોગને વધુ ગાઢ બનાવવા માટે તૈયારી કરી રહ્યા છે. સરકારી બેઠકની શરૂઆતમાં બોલતા, નેતન્યાહૂએ પીએમ મોદીને  મિત્ર  ગણાવ્યા હતા. તેમજ તાજેતરમાં  ભારત અને ઇઝરાયલ વચ્ચે વધતા વ્યૂહાત્મક સંબંધો પર પ્રકાશ પાડ્યો હતો. 

ઇઝરાયલના વિપક્ષે પીએમ મોદીના સંસદમાં સંબોધનનો બહિષ્કાર કરવાની ધમકી આપી
 
જોકે, બીજી તરફ ઇઝરાયલના વિપક્ષે  પીએમ મોદીના પ્રવાસ અંગે પ્રતિક્રિયા આપી છે. ઈઝરાયલના વિપક્ષી નેતા યાઈર લૈપિડે  પીએમ મોદીના ઈઝરાયલ સંસદમાં સંબોધનનો બહિષ્કાર કરવાની ધમકી આપી છે. વિપક્ષી નેતા યાઈર લૈપિડે જણાવ્યું કે સુપ્રીમ કોર્ટના અધ્યક્ષ જસ્ટિસ આઈઝેક અમિતને વિશેષ સત્ર માટે આમંત્રિત  કરવામાં નહી આવે તો તે પીએમ મોદીના સંસદમા સંબોધનનો બહિષ્કાર કરશે.