Wed Aug 26 2026

Logo

માતા હીરાબાની તસવીર જોઈને પીએમ મોદી થઈ ગયા ભાવુક: ભાષણ રોકીને આપ્યા ખાસ આદેશ

2026-04-19 17:24:49
Author: Devayat Khatana
માતા હીરાબાની તસવીર જોઈને પીએમ મોદી થઈ ગયા ભાવુક: ભાષણ રોકીને આપ્યા ખાસ આદેશ

કોલકાતા: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પુરુલિયા ખાતે એક વિશાળ જનસભાને સંબોધિત કરી હતી. ભાજપના પ્રચાર માટે પહોંચેલા વડા પ્રધાન મોદીના સ્વાગત માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આ રેલી દરમિયાન એક અત્યંત ભાવુક દ્રશ્ય જોવા મળ્યું હતું, જ્યારે વડા પ્રધાન મોદીએ એક નાના બાળકના પ્રેમ અને તેની કલાને જોઈને પોતાનું ભાષણ અધવચ્ચે જ અટકાવી દીધું હતું.

આ સભામાં એક નાનું બાળક વડા પ્રધાન મોદી અને તેમના માતા હીરાબાની સુંદર તસવીર બનાવીને લાવ્યું હતું. ભીડમાં આ બાળક પર નજર પડતા જ પીએમ મોદી ભાવુક થઈ ગયા હતા. તેમણે તરત જ SPG જવાનોને સૂચના આપીને તે તસવીર પોતાની પાસે મંગાવી હતી અને બાળકની આ ભેટનો સહર્ષ સ્વીકાર કર્યો હતો. માતાની તસવીર જોઈ વડા પ્રધાનની આંખો ભીની થઈ ગઈ હતી.

વડા પ્રધાને સ્ટેજ પરથી જ બાળકનો આભાર માનતા કહ્યું હતું કે, "બેટા, તારો ખૂબ ખૂબ આભાર. તું મારી માતાની તસવીર લઈને આવ્યો, તે મને ખરેખર ભાવુક કરી દીધો છે." સભા પૂર્ણ થયા બાદ બાળકે ઉત્સાહપૂર્વક જણાવ્યું હતું કે વડા પ્રધાને તેની સાથે વાત કરી છે અને તેને પત્ર લખવાનું વચન પણ આપ્યું છે. બાળકની માતાએ પણ આ ક્ષણને પરિવાર માટે અત્યંત ગૌરવશાળી ગણાવી હતી.

ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળની 294 બેઠક માટે આ વખતે બે તબક્કામાં રસાકસીભર્યો જંગ ખેલાવાનો છે. રાજ્યમાં 23 એપ્રિલે 152 બેઠકો અને 29 એપ્રિલે 142 બેઠક પર મતદાન થશે, જ્યારે 4 મે 2026ના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે. મુખ્ય પ્રધાન મમતા બેનર્જી ચોથી વખત સત્તા સંભાળવા મથામણ કરી રહ્યા છે, જ્યારે ભાજપ શુભેન્દુ અધિકારીના નેતૃત્વમાં સત્તા પરિવર્તન માટે પૂરી તાકાત લગાવી રહ્યું છે.