Wed Jun 17 2026

Logo

બાંગ્લાદેશમાં BNPની ભવ્ય જીત: પીએમ મોદીએ તારિક રહેમાનને પાઠવ્યા અભિનંદન

2026-02-13 11:23:00
Author: Tejas Rajpara
Article Image

નવી દિલ્હી: ભારતના પડોશી દેશ બાંગ્લાદેશમાં લાંબા સમય બાદ યોજાયેલી 13મી સંસદીય ચૂંટણીમાં મોટું પરિવર્તન આવ્યું છે. શેખ હસીનાના શાસનકાળના અંત પછી યોજાયેલી આ પ્રથમ ચૂંટણીમાં જનતાએ પરિવર્તનની તરફેણમાં મતદાન કર્યું છે. બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીની આ ઐતિહાસિક જીત બાદ ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોમાં પણ નવી શરૂઆત થવાની આશા સેવાઈ રહી છે. ભારત સરકારે આ જીતને આવકારીને બાંગ્લાદેશી જનતાના જનાદેશનું સન્માન કર્યું છે.

વડાપ્રધાન મોદીનો શુભેચ્છા સંદેશ

બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) ની પ્રચંડ જીત બદલ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ (X) પર તારિક રહેમાનને અભિનંદન પાઠવ્યા છે. પીએમ મોદીએ લખ્યું કે, "સંસદીય ચૂંટણીમાં BNP ને નિર્ણાયક વિજય અપાવવા બદલ હું તારિક રહેમાનને હાર્દિક અભિનંદન આપું છું. આ જીત તમારા નેતૃત્વમાં બાંગ્લાદેશી લોકોના અતૂટ વિશ્વાસને દર્શાવે છે." ભારતે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે તે એક લોકશાહી અને સર્વસમાવેશક બાંગ્લાદેશના સમર્થનમાં હંમેશા ઊભું રહેશે.

ઉલ્લેખનીય છે કે, બાંગ્લાદેશની રાજનીતિમાં આ ચૂંટણી એક મોટો 'ટર્નિંગ પોઈન્ટ' સાબિત થઈ છે. તારિક રહેમાનની પાર્ટી BNP લગભગ 17 વર્ષ બાદ ફરી સત્તામાં પરત ફરી રહી છે. ગુરુવારે યોજાયેલા મતદાન બાદ જાહેર થયેલા પરિણામો મુજબ, 300 સભ્યોવાળી 'જાતીય સંસદ'માં BNP ગઠબંધને 209 બેઠકો જીતીને બે-તૃતિયાંશ બહુમતી હાંસલ કરી લીધી છે. દક્ષિણ એશિયાની ભૂ-રાજનીતિ (Geopolitics) માટે આ પરિવર્તન અત્યંત મહત્વનું માનવામાં આવે છે.

ભવ્ય વિજય મેળવ્યા હોવા છતાં, BNP એ પરિપક્વતા બતાવીને પોતાના સમર્થકોને વિજય ઉત્સવ ન મનાવવા વિનંતી કરી છે. પાર્ટીએ એક નિવેદન જારી કરીને કાર્યકરોને અપીલ કરી છે કે તેઓ વિજય સરઘસ કાઢવાને બદલે શુક્રવારની નમાઝ અદા કરે અને પૂર્વ વડાપ્રધાન ખાલિદા ઝિયાની તબિયત તેમજ દેશની શાંતિ માટે દુઆ કરે. આ નિર્ણયથી સંગઠન દેશમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે કટિબદ્ધ હોવાનો સંદેશ આપી રહ્યું છે.

વિશ્લેષકોનું માનવું છે કે તારિક રહેમાનના નેતૃત્વવાળી નવી સરકાર સાથે ભારત મજબૂત દ્વિપક્ષીય સંબંધો જાળવી રાખવા માટે ઉત્સુક છે. પીએમ મોદીએ સહિયારા વિકાસલક્ષી લક્ષ્યોને મજબૂત કરવા માટે સાથે મળીને કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. આવનારા દિવસોમાં બંને દેશો વચ્ચે વ્યાપાર, સુરક્ષા અને કનેક્ટિવિટીના ક્ષેત્રમાં નવા કરારો થાય તેવી શક્યતા છે, જે દક્ષિણ એશિયામાં શાંતિ સ્થાપવામાં મદદરૂપ થશે.