Mon Oct 05 2026

Logo

પટનામાં ખાન સર કોચિંગ ક્લાસ ફાયરિંગ વિવાદઃ ગાર્ડ પછી ખાન સરની ધરપકડની લટકતી તલવાર, જાણો સમગ્ર ઘટનાક્રમમાં નવો ટ્વિસ્ટ

2026-06-04 15:21:09
Author: Vimal Prajapati
પટનામાં ખાન સર કોચિંગ ક્લાસ ફાયરિંગ વિવાદઃ ગાર્ડ પછી ખાન સરની ધરપકડની લટકતી તલવાર, જાણો સમગ્ર ઘટનાક્રમમાં નવો ટ્વિસ્ટ

પટના: બિહારના પટનામાં જાણીતા ટ્યુટર ખાન સર (Khan Sir) અને જ્ઞાન બિંદુ કોચિંગ (Gyan Bindu Coaching)ના ડાયરેક્ટર રોશન આનંદ વચ્ચેનો વિવાદ હવે જંગમાં ફેરવાઈ ગયો છે. ખાન સરની કોચિંગ બહાર 10 રાઉન્ડ ફાયરિંગ થયાના દાવાને પહેલા પટના પોલીસે ફગાવ્યો હતો, જેના કારણે ખાન સરે પણ યુ-ટર્ન લીધો હતો. પરંતુ, હવે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક નવા વીડિયાનો પુરાવાએ આખી રમત પલટી નાખી છે. વાયરલ વીડિયોમાં ખાન સરના જ સિક્યોરિટી ગાર્ડ્સ હવામાં ફાયરિંગ કરતા જોવા મળ્યા છે, જેના આધારે પોલીસે ખાન સરના બે ગાર્ડની ધરપકડ કરી લીધી હોવાનું પ્રકાશમાં આવ્યું છે.

આ નવા વળાંક બાદ હવે જ્ઞાન બિંદુના ડાયરેક્ટર બાદ ખુદ ખાન સર પર પણ કાયદાકીય સકંજો કસાય એટલે કે ધરપકડ થઈ શકે તેવી પૂરેપૂરી શક્યતા દેખાઈ રહી છે. પટનામાં આવેલી ખાન સરની કોચિંગ બહાર 2 જૂનની રાત્રે બંને સંસ્થાઓના માણસો વચ્ચે ઉગ્ર મારામારી અને તોડફોડ થઈ હતી. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર આ હોબાળા દરમિયાન ખાન સરના ગાર્ડ્સે હવામાં ગોળીબાર કર્યો હતો. ત્યાં હાજર એક વ્યક્તિએ આ સમગ્ર ઘટનાનો વીડિયો મોબાઈલમાં કેદ કરી લીધો હતો.

વીડિયો વાયરલ થતા પોલીસે કાર્યવાહી શરૂ કરી

મારામારી અને તોડફોડ લોકોને ખબર પડી કે કોઈએ આ ઘટનાનો વીડિયો બનાવ્યો છે તો, વ્યક્તિને પકડીને મોબાઈલમાંથી વીડિયો ડિલિટ પણ કરાવી દીધો હતો, તેમ છતાં અન્ય કોઈ ટેકનિકલ માધ્યમથી આ વીડિયો સોશિયલ મીડિયા પર લીક થઈ ગયો અને જોતજોતામાં વાયરલ થઈ ગયો હતો. વીડિયો સામે આવતા જ પટના પોલીસ એક્શનમાં આવી હતી અને ખાન સરના બંને ગાર્ડને દબોચી લેવામાં આવ્યા હતા.

વિવાદ પાછળનું અસલી કારણ શું છે?

પટનાના પોલીસના જણાવ્યા અનુસાર, આ સમગ્ર વિવાદ પાછળ કોઈ અંગત દુશ્મની નથી પરંતુ પટનાના કોચિંગ માર્કેટમાં વર્ચસ્વ જમાવવાની વ્યાપારિક હરીફાઈ છે. બંને સંસ્થાઓ વચ્ચે લાંબા સમયથી વિદ્યાર્થીઓને ખેંચવા માટે કડવી સ્પર્ધા ચાલી રહી હતી, જે અંતે હિંસક સ્વરૂપમાં બહાર આવી છે. નોંધનીય છે કે ઘટનાની રાત્રે ખાન સરે મીડિયા સામે આવીને આક્ષેપ કર્યો હતો કે જ્ઞાન બિંદુ કોચિંગના ગુંડાઓએ તેમની સંસ્થા પર હુમલો કર્યો અને 10 રાઉન્ડ ફાયરિંગ કર્યું. પરંતુ આશ્ચર્યની વાત એ હતી કે જ્યારે ખાન સર વતી પોલીસમાં લેખિત ફરિયાદ આપવામાં આવી, ત્યારે તેમાં 'ફાયરિંગ' શબ્દનો કોઈ ઉલ્લેખ જ નહોતો!

24 કલાકમાં પોતાના નિવેદન પરથી યુ-ટર્ન

પોલીસે પણ શરૂઆતમાં ફાયરિંગની વાત નકારી કાઢી હતી. કાનૂની ગૂંચવણો અને પોતાના જ ગાર્ડ ફસાઈ જવાની બીકે ખાન સરે 24 કલાકની અંદર જ પોતાના નિવેદન પરથી યુ-ટર્ન લઈ લીધો હતો. પોલીસે અગાઉ કડક કાર્યવાહી કરીને જ્ઞાન બિંદુ કોચિંગના ડાયરેક્ટર રોશન આનંદની ધરપકડ કરી લીધી હતી. 

હવે ખાન સરની ઓફિસના ગાર્ડ્સ ગેરકાયદે ફાયરિંગ અને પુરાવા છુપાવવાના આરોપમાં જેલ ભેગા થયા છે. જો તપાસમાં સાબિત થશે કે ગાર્ડ્સે ખાન સરના ઈશારે કે તેમની હાજરીમાં ફાયરિંગ કર્યું હતું, તો ખાન સરની પણ ગમે ત્યારે ધરપકડ થશે તેવું કાયદા નિષ્ણાતો કહી રહ્યાં છે.